Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

।। શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ।।

અષાઢ સુદ બીજ એટલે રથયાત્રા. ભક્તોના પ્રેમને વશ થયેલા જગતના નાથ ભગવાન જગન્નાથજી સૌને દર્શન દેવા પધારે છે. ભગવાનની આ દિવ્ય લીલાને વધાવતા ભક્તજનો રથયાત્રાનો પવિત્ર ઉત્સવ ઉજવે છે.

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP) અમદાવાદના અધ્યક્ષ સ્વામી શ્રીમાધવપ્રિયદાસજીની પવિત્ર ઉપસ્થિતીમાં SGVP ગુરુકુલ પરિવાર - યુ.કે. દ્વારા રથયાત્રા મહોત્સવ ઉજવાયો. : લંડનના ઉત્સાહી યુવાનોએ ભગવાનને વિહાર કરવા માટે સુંદર રથ સજાવ્યો હતો. જેમાં પુષ્પો, મોતી, ચાંકળા અને ધજા- પતાકાના શણગાર કર્યા હતા.

SKLTC, નોર્થહોલ્ટના વિશાળ મંચ પર બિરાજેલા ભગવાન શ્રીજગન્નાથજીનું સ્વામી શ્રીમાધવપ્રિયદાસજીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન કર્યું હતું. સંગીતની સૂરાવિલઓ, 'જય રણછોડ...માખણ ચોર', 'જય જગન્નાથ'ના નારા અને જયનાદ સાથે ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા.

રથયાત્રામાં ભગવાન પોતાના બહેન શ્રીસુભદ્રાજીની સંગાથે વિહાર કરતા હોવાથી રથમાં બિરાજેલા ભગવાનની પ્રથમ આરતી બહેનો ભક્તોએ કરી હતી.

રથયાત્રાનો આરંભ કરાવતા સ્વામીશ્રીએ શ્રીફળ વધેરી નજર ઉતારી અને પરિહંદ વિધી દ્વારા સેવકાય કરીને રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. રથયાત્રા દરમિયાન નાચ-ગાન કરીને ભક્તજનોએ ભગવાનને પ્રસન્ન કર્યા હતા.

રથયાત્રાના અંતિમ ચરણમાં સ્વામીશ્રીએ ભગવાન જગન્નાથજીના દિવ્ય વિગ્રહના રહસ્યની કથાનું શ્રવણ કરાવ્યું હતું. સ્વામીશ્રીએ જણાવ્યું કે, 'ભગવાન જગન્નાથજીની મૂર્તિ અધુરી નથી; પ્રેમથી પીગળેલી છે. મા રોહિણી જ્યારે અષ્ટ પટરાણીઓને રાધાજીના પ્રેમની કથાનું શ્રવણ કરાવી રહ્યા હતા ત્યારે કૃષ્ણ, બલરામ અને બહેન સુભદ્રાજી દરવાજે ઉભા રહીને આ કથાનું શ્રવણ કરતા હતા. રાધાજીના પ્રેમની કથાનું શ્રવણ કરી શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાજી પીગળવા લાગ્યા. આ સમયે પધારેલા નારદજીએ પ્રભુને આ સ્વરૂપે દર્શન આપવા વિનંતી કરી. નારદજીની વિનંતીથી ભગવાન જગન્નાથપુરીમાં પ્રેમથી પીગળેલા સ્વરૂપે બિરાજીત થયા.'

વિશેષમાં સ્વામીજીએ કહ્યું હતું કે, 'માનવ પથ્થર જેવો કઠોર કે રોબોટ જેવો લાગણી હીન ન હોવું જોઈએ. માનવ પ્રેમથઈ પીગળવો જોઈએ. પ્રેમ વિહોણું જીવન ખારા રણ જેવું છે.'

રથયાત્રાના સમાપન પ્રસંગે પૂજ્ય સ્વામીજીએ ઠાકોરજીની આરતી ઉતારી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. બહેનો ભક્તોએ સુભદ્રા બહેનના પ્રેમને હૈયામાં ધારીને ભગવાનને હાથે રાખડી બાંધીને ભગવાનનું પૂજન કર્યું હતું.

સૌ ભક્તજનોએ મગ અને કાકડીનો પ્રસાદ લઈ હૈયામાં દિવ્યાનંદ પ્રાપ્ત કરીને વિદાય લીધી હતી.

(4:12 pm IST)