Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

યુ.એસ.માં એશિઅન અમેરિકન ફેડરેશન તથા ન્યુયોર્ક સીટી કન્ટ્રોલરના સંયુકત ઉપક્રમે ૨૯ એપ્રિલના રોજ યોજાઇ ગયેલી મીટીંગઃ ન્યુયોર્કમાં વસતા એશિઅન અમેરિકન ઇમીગ્રન્ટસ ઉપર નવા ઇમીગ્રન્ટસ નિયમોની અસરો વિષયક ચર્ચાઓ કરાઇઃ ઇમીગ્રન્ટસ ઉપર થતા હુમલાઓ તથા તેમના બચાવ અને કાયદાકીય રક્ષણ માટેની જોગવાઇ વિષયક રજુઆત કરાઇ

ન્યુયોર્કઃ યુ.એસ.માં ૨૯ એપ્રિલ ૨૦૧૯ના રોજ એશિઅન અમેરિકન ફેડરેશન (AAF)ના ઉપક્રમે ન્યુયોર્ક સીટી કન્ટ્રોલર સ્કોટ સ્ટ્રિન્ગર ઓફિસના સહયોગ સાથે સંયુકત પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. જેમાં ઇમીગ્રેશન એન્ફોર્સમેન્ટની એશિઅન અમેરિકન કોમ્યુનીટી ઉપરની અસરો તથા આ પ્રજાજનોના બચાવ માટે કોમ્યુનીટી સંગઠનો તથા સ્થાનિક સરકાર દ્વારા શું કાર્યવાહી થઇ રહી છે તેની ટુંકમાં છણાંવટ કરવામાં આવી હતી.

આ તકે કન્ટ્રોલરએ ટ્રમ્પ શાસનમાં ઇમીગ્રેશન એન્ફોર્સમેન્ટ ન્યુયોર્ક તથા નિરાશ્રીત ગૃહમાં રાખવામાં આવેલા લોકોની સંખ્યા વિષે માહિતી આપી હતી. જે મુજબ ૨૧ ટકા લોકો ચાઇના ૧૦ ટકા ભારત તથા ૮ ટકા લોકો બાંગલા દેશના વતની છે. તથા ન્યુયોર્કમાં વસતા એશિઅન અમેરિકન  ઉપર આ નવા નિયમની વધુ અસર થાય હોવાનું જણાવ્યું હતું.

વિશેષમાં જણાવાયા મુજબ ન્યુયોર્કમાં ઇમીગ્રન્ટસ ઉપર થતા હુમલાઓ સમગ્ર ન્યુયોર્કના હૃદય ઉપર થતા હુમલા બરાબર છે. તે સમયે શાંત બેસી રહી શકાય નહીં. તથા ICE દ્વારા એશિઅન અમેરિકનને ટારગેટ બનાવાતા હોવા અંગે સીટી કન્ટ્રોલર સમક્ષ રજુઆત કરાઇ હતી. તથા આ માટે જરૂરી કાયદાકીય સેવાઓ મળી રહે તેવી રજુઆત કરાઇ હતી.

જો કે હાલમાં આ માટે એશિઅન કોમ્યુનીટી સંગઠનો ઉપરાંત એકશન ન્યુયોર્ક, ન્યુયોર્ક ઇમીગ્રન્ટ ફેમિલી યુનિટી પ્રોજેકટ તથા ઓફિસ ફોર ન્યુ અમેરિકન્સ ઓપોર્ચ્યુનીટી સેન્ટર્સ દ્વારા ઇમીગ્રેશન પ્રશ્નો અંગે કાયદાકીય મદદ પૂરી પડાઇ રહી છે. જેનો હજુ વધારે વ્યાપ કરી વધુને વધુ એશિઅન અમેરિકન લોકોને તેની સેવાઓનો લાભ મળે તેવા પ્રયત્નો કરવા ઉપર ભાર મૂકાયો હતો. તથા માટે વધુ ફંડ મળે તેવી જોગવાઇ કરવા રજુઆત કરાઇ હતી.

શહેરમાં દર ૧૦ માંથી ૭ વ્યકિતઓ એશિઅન અમેરિકન ઇમીગ્રન્ટ છે. જેઓને તેમના હક્કોનું રક્ષણ મળી રહે તથા ન્યાય મળે અને જાગૃતિ આવે તે માટે પ્રયત્નો થઇ રહ્યા હોવાનું જણાવાયું હતું. તથા કેટલા લોકોને આ સેવાઓનો લાભ મળી શકયો તેની વિગતવાર માહિતી રજુ કરાઇ હતી.  તેમ છતા કોઇ જરૂરિયાતમંદ ઇમીગ્રન્ટસને કાયદાકીય સેવાઓની જરૂર હોય તો કોન્ટેક નં.૧-૮૦૦-૩૫૪-૦૩૬૫ દ્વારા સોમવારથી શુક્રવાર દરમિયાન સવારે ૯ વાગ્યાથી  સાંજના ૬ વાગ્યા સુધી મદદ મળી રહેશે. ઉપરાંત મિન્કવોન સેન્ટર (૭૧૮)૪૬૦-૫૬૦૦, કાઉન્સીલ ઓફ પિપલ્સ ઓર્ગેનાઇઝેશન (૭૧૮)૪૩૪-૩૨૬૬, અથવા ચાઇનીઝ અમેરિકન પ્લાનીંગ કાઉન્સીલના કોન્ટેક નં.(૭૧૮)૩૫૮-૮૮૯૯ દ્વારા સંપર્ક સાધી શકાશે તેવું શ્રી હોવર્ડ શીહના અહેવાલ સાથે સુશ્રી મીરા વેણુંગોપાલ દ્વારા જાણવા મળે છે.

(9:13 pm IST)