Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

અમેરિકાના ન્યૂજર્સીમાં 12 એપ્રિલના રોજ આયોજિત " સંતરામ સત્સંગ " બંધ : આનુસંગિક તમામ ખર્ચ નડિયાદ સત્સંગ મંદિરમાં અર્પણ કરાશે

(દિપ્તીબેન  જાની દ્વારા) , ન્યુજર્સી : બ્રહ્મલીન અષ્ટમ મહંત શ્રી નારાયણદાસ મહારાજ પ્રેરિત અને વર્તમાન મહંત પ.પૂ.શ્રી રામદાસજી મહારાજશ્રીના આશીર્વાદથી  છેલ્લા 27 વર્ષથી સતત શ્રી સંતરામ ભક્ત સમાજ ન્યુજર્સી સ્થિત ભક્તો દ્વારા વર્ષમાં 3 વખત સંતરામ સત્સંગનું આયોજન થઇ રહેલ છે.જુલાઈ 1993 ના ગુરુપૂર્ણિમા સત્સંગની સ્થાપના વખતે બ્રહ્મલીન મહારાજશ્રી નારાયણદાસજી  મહારાજશ્રીની આજ્ઞા પ્રમાણે " એકબીજાને મદદરૂપ બની રહેવાય અને મંદિરની પ્રણાલી  પ્રમાણે ,કોઈપણ પ્રકારનો ફંડફાળો ,ઉઘરાણું કર્યા સિવાય સંતરામ સત્સંગનું આયોજન કરવામાં આવે છે.
વર્તમાન કોરોના વાઇરસની મહામારી, અને અત્રે અમેરિકાના કાયદા કાનૂન ,સંપૂર્ણ પ્રતિબંધ ,લોકડાઉન હોવાથી તાજેતરનો 12 ,એપ્રિલ ,રવિવારનો સત્સંગ નડિયાદથી પૂજ્ય રામદાસજી મહારાજની આજ્ઞા પ્રમાણે બંધ રાખેલ છે.અત્રે સંત્સંગ નિમિત્તે 1200 થી 1500 જેટલા ભક્તો ન્યૂજર્સીમાં સત્સંગ ઉપસ્થિતિ માટે સ્વયંભૂ પોતાની ઈચ્છા પ્રમાણે ટપાલ ,પ્રિન્ટિંગ ,હોલભાડું ખર્ચ ,બપોરનું લંચ પાણી મહાપ્રસાદ ખર્ચ ,સહીત તમામ સેવાઓ ઉપાડી લે છે.હોલની સાફસૂફી માટે ,વીમા ખર્ચ ,તથા આખાયે દિવસનો સત્સંગ ,અનેકવિધ સેવાઓનો તમામ ખર્ચ ,સેવા માટેની રકમ ,નડિયાદ મુકામે શ્રી સંતરામ મંદિર દ્વારા ચાલતી સેવાકીય પ્રવૃત્તિ માટે મોકલવામાં આવનાર છે.નડિયાદ મંદિર તરફથી કોરોના મહામારી વખતે સેવાકીય ટિફિન સેવા ,તથા અનાજ વિતરણ પ્રવૃત્તિ ખુબ જ વેગવંતી બનેલી છે.
સંતરામ ભક્ત સમાજ ન્યૂજર્સીના  તમામ ભક્તોએ પોતાની અત્રેની સત્સંગ હોલની સેવાનો સહયોગ સ્વયંભૂ નડિયાદ શ્રી સંતરામ મંદિર ,નડિયાદ ઉપર મોકલવાના નિર્ણય સાથે અત્રેનો ન્યુજર્સીનો 12 એપ્રિલનો રવિવારનો સત્સંગ બંધ રાખેલ છે.તે આવકારદાયક  સ્તુત્ય પગલાંની સરાહનીય નોંધ  લેવાઈ  રહી છે.

(11:10 am IST)