Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

સોનાના ભાવ ઘટાડા માટે શું તાલેબાન જવાબદાર છે? અફઘાનિસ્‍તાનમાં પાકિસ્‍તાની એન્‍જીનીયરોની મદદથી તાલીબાનોએ સોનાની ખાણો ખોદવાનું શરૂ કર્યુઃ ડોલર,ક્રુ ઓઇલ, ક્રીપ્‍ટોકરની તેમજ અમેરિકન વ્‍યાજદર વૃદ્ધિનાં સંયોગો અને બોન્‍ડ યીલ્‍ડમાં વધારો જેવા ફંડામેન્‍ટલ્‍સથી બુલિયન બજાર અબખે આવી ગઇ છે

મુંબઈ તા. ૯: સોનાના ભાવ શા માટે ઘટી રહ્યા છે, તે આજે ભારતીય બુલિયન બજારમાં પૂછાતો મહત્વનો પ્રશ્ન છે. ક્રીપ્ટોકરન્સી અને શેરબજારો ઘટી રહ્યા છે, ત્યારે આ ઘટના બની હોવાથી બજારમાં થોડું આશ્ચર્ય સર્જાયું છે. પણ તમારે એ યાદ રાખવું જોઈએ કે ડોલર મજબુત થયો છે અને બોન્ડના યીલ્ડ પણ વધી રહ્યા છે, આ બધા મુદ્દા લાંબાગાળા માટે સોનાની તેજી માટે અવરોધક બન્યા છે, એમ ઇન્ડીયન બુલિયન એન્ડ જવેલર્સ એસોસિયેશનના સેક્રેટરી સુરેન્દ્ર મહેતાનું માનવું છે. અત્યાર સુધીની સોનાની ભાવ સરેરાશ ૧૩૦૩ ડોલરની છે, પણ તેમણે નોંધ્યું હતું કે જો શેરબજારમાં વર્તમાન કરેકશન જારી રહેશે તો તે સોનાને મજબુત ટેકો આપશે.

રિદ્ધિસિદ્ધિ બુલિયન, મુંબઈના સીઈઓ પૃથ્વીરાજ કોઠારી કહે છે કે, જોખમ તો એ છે કે જો શેરબજારમાં વધુ ગાબડા પડશે તો સોનાના ભાવ વેગથી વધશે અને એ તબક્કે આપણને નવેસરથી વિચારવાની ફરજ પડશે. ધ્રુજરા જાગતિક શેરબજારોએ ક્રુડ ઓઈલમાં પણ વેચવાલીનું દબાણ ઉભું કર્યું છે. અફઘાનિસ્તાનમાં બનતી ઘટનાઓ પણ આ માટેનું એક કારણ હોઈ શકે, જ્યાં પાકિસ્તાનના એન્જીનીયરોની મદદથી દક્ષિણ ગઝની રાજ્યના માકુર જીલ્લામાં તાલેબાનોએ સોનાની ખાણો ખોદવાનો આરંભ કર્યો છે. બુધવારે એક સ્થાનિક રહેવાસીએ આ સમાચાર આપ્યા હતા; પણ રીબેલીયનોએ આ દાવાને નકારી કાઢ્યો હતો.

સોનાની આ ખાણો કોહ-બાદ વિસ્તારમાં આવેલી છે, જેના પર તાલેબાનોનો વર્ષોથી કબજો છે. ઝરકાશાન પહાડો જ્યાં કાચા સોનાની ખાણો આવેલી છે, ત્યાં પાકિસ્તાની એન્જીનીયરોની મદદથી તાલીબાનોએ ખાણો ખોદવાનું શરુ કર્યું છે, એમ પૃથ્વીરાજ કોઠારીનું કહેવું છે. ખાણના મુદ્દે સ્થાનિક રહેવાસીઓએ તાલેબાનો સામે બળવો કર્યો હતો, પણ ત્રાસવાદીઓએ સ્થાનિક રહેવાસીઓને આ વિસ્તારમાંથી ભાગી જવાનું દબાણ ઉભું કર્યું હતું. આ જીલ્લાના એક આદિવાસી નેતા હાજી ગયાસુદ્દીને કહ્યું હતું કે જ્યાં કાચા સોનાની ખાણો આવેલી છે તે માકુર વિસ્તાર પર તાલેબાનોએ કબજો જમાવી દીધો છે.

ક્રીપ્ટોકરન્સી અને સોના વચ્ચે તબક્કાવાર નવા સંબંધો સ્થપાવાનું શરુ થયાનું કેટલાંક કોમોડીટી વ્યુહ્કારો જોઈ રહ્યા છે. આ સંબંધ અત્યારે તો નજીવા અને નકારાત્મક હોવાનું વર્ણવવામાં આવે છે. આપણે જોયું કે ડીસેમ્બરમાં ક્રીપ્ટોકરન્સીના ભાવ ચરમસીમાની ઉંચાઈએ પહોચ્યા હતા, ત્યારે જ આ બન્ને કોમોડીટી વચ્ચે નકારાત્મક સંબંધો સ્થપાયા હતા. તેઓ કહે છે કે અત્યારે ક્રીપ્ટોકરન્સી અને સોના વચ્ચે (સગાઈ જેવા) સંબંધો બંધાઈ રહ્યા હોવાની વાત પર વિશ્વાસ મુકવો અઘરો છે.

ડોલર, ક્રુડ ઓઈલ, ક્રીપ્ટોકરન્સી તેમજ અમેરિકન વ્યાજદર વૃદ્ધિનાં સંયોગો અને બોન્ડ યીલ્ડમાં વધારો જેવા ફંડામેન્ટલ્સથી બુલિયન બજાર અબખે આવી ગઈ છે. પણ સોનાની ખાણોમાં ઉત્પાદન ઘટાડાથી સપ્લાયમાં ઘટાડો એ ક્ષિતિજે જોવાતા વધારાના મુદ્દાઓ છે, એમ બુલિયન એનાલીસ્ટ ભાર્ગવ વૈદ્યનું કહેવું છે. તેમણે લંડન બુલિયન મેનેજમેન્ટ એસોસીયેશ (એલબીએમએ)ની સોનાની વાર્ષિક સરેરાશ ભાવ આગાહી કવાયતમાં ૨૦૧૭ની સરેરાશ ૧૨૬૦ ડોલર મૂકી હતી, જે ૧૨૫૭.૧૫ ડોલરની વાસ્તવિક સરેરાશ કરતા સહેજ નીચે પણ એકયુરેટ હતી. તેમની ૨૦૧૮ના વર્ષ માટે વાર્ષિક સરેરાશ આગાહી ૧૩૧૫ ડોલારની છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના મતે ૨૦૦૮થી સતત વધતા ઉત્પાદન કે સપ્લાય, ગતવર્ષે તોંચ પર સ્થિર થઇ થઇ ગયા હતા. ચીન સોનાનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે, તેનું ઉત્પાદન ગતવર્ષે ૯ ટકા ઘટીને ૪૨૦.૫ ટન થયું હતું. ૨૦૦૮ પછી ચીનનું ઉત્પાદન ઘટવાની આ બીજી ઘટના છે. જગતના કુલ સોના ઉત્પાદનમાં ચીનનો હિસ્સો ૧૫ ટકા છે.)

આ આર્ટીકલના લેખક શ્રી ઇબ્રાહીમ પટેલ www.commoditydna.com વેબસાઇટના એડિટર છે જે ગુજરાતી, હિન્‍દી, અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં અપલોડ થતી વિશ્વની એકમાત્ર કોમોડીટી રીસર્ચ વેબસાઇટ છે. તેઓ ૩૬ વર્ષથી કોમોડીટી બજારમાં જર્નાલીસ્‍ટ છે.

(11:20 am IST)