Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

અમેરિકાના જયોર્જીયામાં સ્‍ટોર ધરાવતા ભારતીય મૂળના ૪૪ વર્ષીય પરમજીત સિંઘ ઉપર ગોળીબાર થતાં સ્‍થળ ઉપર જ કરૂણ મોતઃ અન્‍ય સ્‍ટોરમાં પણ કલાર્ક તરીકે કામ કરતા ભારતીય મૂળના પાર્થ પટેલ ઉપર પણ ગોળીબાર થતાં ગંભીર હાલતમાં હોસ્‍પિટલમાં દાખલઃ શકમંદ આરોપી ૨૮ વર્ષીય રાશદ નિકોલસની ધરપકડ

જયોર્જીયાઃ અમેરિકામાં વસતા ભારતીયો ઉપર છાશવારે આચરાતા હેટ ક્રાઇમનો સિલસિલો હજુ પણ યથાવત ચાલુહોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. જે મુજબ મંગળવારે જયોર્જીયામાં સ્‍ટોર ધરાવતા ૪૪ વર્ષીય પરમજીત સિંઘ ઉપર ગોળીબાર કરી એક અજાણ્‍યો શખ્‍સ નાસી છૂટતા તેમનું સ્‍થળ ઉપર જ અવસાન થયું છે. બાદમાં આ જ શખ્‍સે અન્‍ય સ્‍ટોરના કલાર્ક પાર્થ પટેલ ઉપર ગોળીબાર કરી લૂંટફાટની કોશિષ કરતા ઘાયલ થયેલ પાર્થને ગંભીર હાલતમાં હોસ્‍પિટલમાં દાખલ કરાયો છે.

શંકાસ્‍પદ આરોપી તરીકે ૨૮ વર્ષીય રાશદ નિકોલસનની ધરપકડ કરવામાં આવી છે. તથા તેના ઉપર હત્‍યા, લૂંટફાટ, મારપીટ, શસ્‍ત્ર રાખવાનો, અને ગુનાને અંજામ આપવાના આરોપો લગાવાયા છે તથા તેને ફલોયડ કાઉન્‍ટી જેલમાં રાખવામાં આવ્‍યો છે.

પોલીસ સૂત્રોના જણાવાયા મુજબ આરોપીએ કાઉન્‍ટર પાછળ ઊભેલા પરમજીત સિંઘને ૩ ગોળીઓ મારી દીધી હતી. ત્‍યાં એક મહિલા કર્મચારી પણ હતી. પરંતુ તે ઘાયલ થઇ નથી. તેમજ સ્‍ટોર લૂંટવાનો કોઇ પ્રયાસ થયો નહોતો તેવું સુરક્ષા વીડિયો દ્વારા જણાયું હતું, આ આરોપી અગાઉ કેટલાય અપરાધો કરી ચૂકેલો છે. તેવું સ્‍થાનિક સમાચાર પત્રોમાં પ્રસિધ્‍ધ થયુ હતુ.

(9:36 pm IST)