Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

અમેરિકામાં આ વર્ષે સહુ પ્રથમવાર ભારતનો લોકપ્રિય તહેવાર દિવાળી વિશિષ્‍ટ રીતે ઉજવાશેઃ વિશ્વની સૌથી મોટી ઇમારતોમાં સ્‍થાન ધરાવતું ન્‍યુયોર્ક ખાતેનું એમ્‍પાયર સ્‍ટેટ બિલ્‍ડીંગ ૭ નવેં.ના રોજ રોશનીથી ઝળહળશેઃ FIA ના ઉપક્રમે ESRTના સહયોગ સાથે થનારો શણગાર વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતની આન બાન તથા શાન વધારનારો તથા વસુધૈવ કુટુંબીકમની ભાવનાને સાકાર કરનારો બની રહેશે

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ અમેરિકામાં આ વર્ષે સહુ પ્રથમવાર ભારતનો લોકપ્રિય તહેવાર દિવાળી વિશિષ્‍ટ રીતે ઉજવાશે. જે મુજબ અમેરિકાના ન્‍યુયોર્કમાં આવેલ વિશ્વની સૌથી ઊંચી ઇમારતોમાં સ્‍થાન ધરાવતુ સુવિખ્‍યાત ‘‘એમ્‍પાયર સ્‍ટેટ બિલ્‍ડીંગ''૭ નવેં. બુધવારના રોજ રોશનીના ઝગમગાટ સાથે સ્‍થાનિક પ્રજાજનો તથા પ્રવાસીઓના આકર્ષણનું કેન્‍દ્ર બની રહેશે.

ન્‍યુયોર્ક, ન્‍યુજર્સી તથા કનેકટીકટ ત્રિસ્‍ટેટને એક છત્ર હેઠળ ભેગા રાખતા નોનપ્રોફિટ ફેડરેશન ઓફ ઇન્‍ડિયન એશોશિએશન્‍શ (FIA)ના ઉપક્રમે એમ્‍પાયર સ્‍ટેટ રિયલ્‍ટી ટ્રસ્‍ટના સહયોગ સાથે થનારો આ રોશનીનો શણગાર વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતના તહેવારની આન બાન અને શાન વધારનારો તથા વસુધૈવમ કુટુંબકમની ભાવનાને વેગ આપનારો બની રહેશે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ૨ દસકાથી FIAના ઉપક્રમે ઉપરોક્‍ત ટ્રસ્‍ટ સાથેના સહયોગથી દર વર્ષે ઓગસ્‍ટ માસમાં ભારતના સ્‍વાતંત્ર્ય દિનની ઉજવણી પ્રસંગે ઇન્‍ડિયા ડે પરેડનું આયોજન કરાય છે. જેનું પ્રસ્‍થાન અહીંથી થાય છે.

આ વર્ષે સહુ પ્રથમવાર આ વિશ્વવિખ્‍યાત બિલ્‍ડીંગના શણગાર નિમિતે લોકપ્રિય સિંગર તથા સોન્‍ગ રાઇટર જય સીન ગેસ્‍ટ ઓફ ઓનર તરીકે તથા મિસ અમેરિકા ૨૦૧૪નું બિરૂદ વિજેતા નિના દુલારી ગેસ્‍ટ ઓફ ઓનર તરીકે હાજરી આપશે. જે માટે FIA પ્રેસિડન્‍ટ શ્રી સૃજલ પરીખના માર્ગદર્શન હેઠળ વોલન્‍ટીઅર્સની ટીમ જહેમત ઉઠાવી રહી છે. તેવું FIA ચેરમેન શ્રી રમેશ પટેલ, ઇલે.પ્રેસિડન્‍ટ ૨૦૧૯ શ્રી આલોક કુમાર, તથા પ્રેસિડન્‍ટ ૨૦૧૫-૧૬ મિડીયા ચેર ૨૦૧૮ શ્રી અંકુર વૈદ્યની યાદી જણાવે છે.

(10:21 pm IST)