Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

અમેરિકાના ન્‍યુજર્સીમાં યોગી ડિવાઇન સોસાયટીના ઉપક્રમે અન્‍નકૂટ ઉત્‍સવ તથા શ્રી ગુણાતીતાનંદ સ્‍વામી પ્રાગટય દિન ઉજવાયોઃ પાર્સીપની મેયર સહિત ૨ હજાર જેટલા ભક્‍તોએ દર્શન, પારાવાણી તથા પ્રસાદનો લાભ લીધો

 (દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ તા.૨૭મી ઓકટોબરને શનિવારના રોજ Yogi Divine Society, New Jersey દ્વારા ભવ્‍ય અન્‍નકુટોત્‍સવનું આયોજન Birchwood manor ખાતે કરવામાં આવ્‍યું હતું.  શરદપૂર્ણિમાના મહામંગલકારી દિને અને અનાદિ મૂળ અક્ષરમૂર્તિ શ્રી ગુણાતીતાનંદસ્‍વામીના પ્રાગટય પર્વે આ ઉત્‍સવ ખૂબ જ આનંદસભર હૈયે ઉજવવામાં આવ્‍યો હતો.

સામાન્‍ય રીતે દિવાળીના બીજા દિવસે એટલે કે નૂતનવર્ષના પ્રથમ દિવસે ઉજવાતો અન્‍નકૂટોત્‍સવ શરદ પૂર્ણિમાના દિવસે ઉજવવા પાછળની ભાવના એટલી જ છે કે ભગવાન શ્રીસ્‍વામિનારાયણ પોતાને રહેવાનું જે ધામ એવા અનાદિમૂળ અક્ષરમૂર્તિ શ્રી ગુણાતીતાનંદસ્‍વામીને શરદ પૂર્ણિમાના મહામંગલકારી દિને પૃથ્‍વી ઉપર લાવ્‍યા હતા.

પ્રગટ ગુરૂહરિ શ્રી હરિપ્રસાદસ્‍વામીજી પોતાની પરાવાણીમાં નિરંતર એક વાત કરે છે કે જેટલી માનવીને Oxygenની જરૂર છે. એનાથી વિશેષ ભગવાન કાં ભગવાનધારક સંતની આપણા જીવનમાં જરૂરિયાત છે. એટલા માટે કરીને અન્‍નકૂટોત્‍સવ ભગવાન સ્‍વામિનારાયણના આદર્શ શિષ્‍ય અને ગુણાતીત પ્રણાલિકાના પહેલા વારસદાર એવા ગુણાતીતાનંદસ્‍વામીના પ્રાગટય પર્વે દર વર્ષે ઉજવવામાં આવે છે.

અન્નકૂટની પૂર્વ તૈયારી રૂપે લગભગ ૧૦૦ જેટલા સ્‍વયંસેવકો છેલ્લા ૧૫ દિવસથી હાં હાં ગડથલ કરતા હતા. અન્નકુટના દિવસે બધા સ્‍વંયસેવકો સવારે ૬:૩૦ વાગે Birchwood Manor માં હાજર થઇ ગયા હતા.  સેવાની શરૂઆત કરતાં પહેલા સહુ સેવકોએ ઠાકોરજી પધરાવીને ૧૫ મિનિટ ધૂન્‍ય-ભજન કરીને પ્રાર્થના કરી હતી કે ‘આજે જે કોઇ ભક્‍તો પધારે એ બધાની સેવા ભગવાનના ભાવથી થાય અને વાણીએ કરીને પ્રસંગે નાપાસના થવાય...' એવા શુભ સંકલ્‍પ સાથે મહોત્‍સવની શરૂઆત કરવામાં આવી હતી.

લગભગ ૧૦:૩૦ વાગે સભાની શરૂઆત કિર્તન-ભક્‍તિ દ્વારા થઇ અને બધા ભક્‍તોને ભગવાનમાં લીન કરી દીધા. ત્‍યારબાદ ડો.શ્રેયસભાઇ શાહે માનવ જીવનમાં સંતની શું અનિવાર્યતા છે અને ગુરૂહરિ સ્‍વામીશ્રીએ જે આત્‍મીય સમાજનું સુંદર સર્જન કર્યુ છે એના ઉપર સુંદર મનનીય લાભ આપ્‍યો. ત્‍યારબાદ પૂ.શાંતુભાઇએ સ્‍વામીજીના દીક્ષાદિન નિમિતે ગુરૂહરિ સ્‍વામીશ્રીના અદ્‌ભુત અને અજોડ સુહૃદભાવનું સુંદર દર્શન કરાવ્‍યું. તેમણે પોતાની વાતમાં જણાવ્‍યું કે સ્‍વામીજી એવા પુરૂષ છે કે કેવળ આલોકના સુખ, શાંતિ અને આનંદ નહીં પણ આપણા આત્‍માની ગતિ પરમાત્‍મા તરફ નિરંતર અને એકધારી ચાલ્‍યા કરે જેના ફળસ્‍વરૂપે આપણો છેલ્લો જન્‍મ થઇ જાય... એની માટે સવામીશ્રીનો નિરંતરનો દાખડો છે.

સભામાં Parsippany Mayor Mr.Michael Soriano પણ સ્‍વામીજી સાથેના આત્‍મીયસંબંધે અને પ્રીતિમા દાવે પધાર્યા હતા. તેમને પોતાના વ્‍યકતવ્‍યમાં વાત કરી હતી કે સ્‍વામીજી અને સ્‍વામીજીનો સમાજ અદ્‌ભુત છે. જેવા સ્‍વામીજી પ્રેમથી સંપૂર્ણ પુરૂષ છે તેમ તેમના સંતો-ભક્‍તો પણ પ્રેમથી ભરેલા છે અને નિઃસ્‍વાર્થ છે એટલે મને અહીં આવવાનું બહુ ગમે છે. અંતમા સચિવશ્રીએ જણાવ્‍યું કે  હું પણ આવતી સાલ મારા ઘરેથી એક વાનગી ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરવા મો અચૂક આવીશ.

સ્‍વામીશ્રીના પ્રેમના તાંતણે બંધાયેલા અને પૂ. પ્રેમસ્‍વામીજી સાથેના આત્‍મીયસંબંધના દાવે Anoopam Mission-Allentown  ના સાધક ભાઇઓ તથા પૂ. સોઢાણી સાહેબ (VHP ) પૂ. અનિલભાઇ  (ICS) પૂ. સંજયભાઇ પુરોહિત, પૂ. કિરીટભાઇ વગેરે Indian Community  ના વડીલ માવતરો પણ પધાર્યા હતા.

સભાના -અંતમા ગુરૂહરી પ.પૂ. હરિપ્રસાદજીના વિડીયોદર્શન દ્વારા આર્શીવચન સહુ કોઇ ભકતોને પ્રાપ્ત થયા હતા. સ્‍વામીજીએ પોતાની પરાવાણી વહાવતાં જણાવ્‍યું કે  આપણે સહુએ ભગવાનના માથે પડીને જીવવું છે અને સાચા ભકત થવું છે જેથી ભગવાન આપણને  સર્વાગી સુખી કરી દે જ.. જ.. જ.. !

આ ઉત્‍સવમાં લગભગ ર૦૦૦  જેટલા ભકતોએ દર્શન, પરાવાણી તથા પ્રસાદનો લાભ લીધો. ઠાકોરજીને અન્નકુટમાં ૧ર૦૦ જેટલી વિવિધ પ્રકારની વાનગીઓ ધરાવવામાં  આવી હતી. બધા ભકતોએ ખૂબ જ  ભકિતભાવથી થાળ ગાઇને ભાવ વ્‍યકત કર્યો હતો. ત્‍યારબાદ એક એક કલાકના અંતરે ૩ ઠાકોરજીની આરતી કરવામાં આવી હતી.  સહુ ભકતોએ ખૂબ જ ભકિતભાવપૂર્વક આરતીનો લાભ લીધો હતો. અંતે મહાપ્રસાદ લઇને સહુ આમંત્રિત મહેમાનો અને ભકતોએ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યુ હતુ.

ત્‍યારબાદ સાંજે ૪ થી ૮ વાગ્‍યા સુધીમાં  સ્‍વયંસેવકોએ પ્રસાદના બોકસ તૈયાર કરી દીધાં અને Hall Wind Up ની સેવા  ખૂબ જ ઉત્‍સાહ અને ઉમંગથી અદા કરી હતી. અંતે ફરીથી બધા  સ્‍વયંસેવકોએ ઠાકોરજીને સાક્ષી રાખીને ૧પ મિનિટ ધુન-ભજન  કરી અને પ્રાર્થના કરી હતી કે હે મહારાજ ! હે સ્‍વામીજી ! અમ સહુ તો કેળવ નિમિત્ત માત્ર હતા તો અમે કર્તાહર્તા ના થઇ જઇએ, બધું તમારે જ લઇને જ છે તથા આવી ને આવી તમારા સહુ સબંધવાળી સેવા અમને નિરંતર આપતા રહેશોજી.  આ સાથે જયઘોષ કરીને સહુ કોઇ ભગવાન અને ભકતોની સ્‍મૃતિ કરતા કરતા ગુણ ગાતા ગાતા પોતાના ઘર તરફ પ્રયાણ થયા તેવું શ્રી જયંત પટેલ હરિધામ ન્‍યુજર્સીની યાદી જણાવે છે. 

(10:07 pm IST)