Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

અમેરિકામાં ફલોરિડાના ખાડી વિસ્તારોમાં વસતા પ્રજાજનોને તાત્કાલિક સ્થળાંતર કરવાની હવામાન ખાતાની સુચનાઃ માઇકલ વાવાઝોડુ ૩ નંબરની કેટેગરીમાં મુકાતા તોફાની પવન સાથે ભારે વરસાદની આગાહી

ફલોરિડાઃ માઇકલ વાવાઝોડાએ તીવ્રતા પકડતા કેટેગરી ૩માં મુકવાની ફરજ પડી છે. આ વાવાઝોડુ અમેરિકાના ફલોરિડામાં અખાત વિસ્તારોમાં હાહાકાર મચાવે તેવી શકયતા છે. ભારે પવનના સુસવાટા સાથે ભારે વરસાદ પડી શકે તેવી વેધર ચેનલએ આગાહી કરી છે. જે નોર્થ ઇસ્ટ ગલ્ફ કોસ્ટને અસર કરી શકે છે જે છેલ્લા ૧૩ વર્ષનું સૌથી ભયાનક વાવાઝોંડુ છે.

ફલોરિડાના ખાડી વિસ્તારોમાં વસતા પ્રજાજનોને ચેતવણી આપવામાં આવી છે. આ તોફાની વાવાઝોડુ યુ.એસ.ના સાઉથ ઇસ્ટર્ન વિસ્તારો સુધી પણ પહોચી શકે છે. જે હાલમા પનામા સીટીની દક્ષિણે ૩૯૫ માઇલ દૂર વિસ્તારમાં પ્રવેશી ચૂકયુ છે. આકાશમાં ઘટાટોપ વાદળો છવાઇ ગયા છે.

આથી ઓકાલૂસા/વોલ્ટન કાઉન્ટી લાઇન ફલોરિડાથી એન્કલોટ રિયર ફલોરિડા સુધીના વિસ્તારમાં વસતા પ્રજાજનોને તાત્કાલિક સ્થળાંતર કરી જવા સુચના અપાઇ છે. આગામી ૩૬ કલાક ભયજનક ગણાવાઇ રહ્યા છે.

(9:00 pm IST)