Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

નેપાળના નવા નકશાનો વિરોધ કરવા બદલ સરિતા ગીરીને શિક્ષા : સમાજવાદી પાર્ટીમાંથી અને સંસદપદેથી પણ હટાવાયા

કાઠમંડુ : નેપાળના નવા નકશાનો વિરોધ કરવા બદલ અને ભારતની તરફેણ કરવા બદલ સરિતા ગીરીને શિક્ષા કરાઈ છે.તેઓને સમાજવાદી પાર્ટીમાંથી અને સાંસદપદેથી હટાવી દેવાયા છે.નવા નકશામાં ભારતીય પ્રદેશો કલાપાની, લિપુલેખ અને લિમ્પીયાધુરાને શામેલ કરવા અને સત્ય બોલવાનાં અને સરકારનાં આ પગલાનો વિરોધ કરવા બદલ આ શિક્ષા કરવામાં આવી છે.
સરિતા ગિરીનો દોષ એ હતો કે તેમણે નેપાળની કમ્યુનિસ્ટ પાર્ટીની સરકારને બંધારણીય સુધારા માટેનો આધાર પૂછ્યો હતો.
નેપાળી મીડિયા કાંતિપુરના એક રિપોર્ટ મુજબ, સંઘીય સંસદના સચિવાલયએ જાહેરાત કરી છે કે સમાજવાદી પાર્ટીના સાંસદ સરિતા ગિરીની બેઠક ખાલી થઇ છે.
સંસદના મહાસચિવ ભરતરાજ ગૌતમે માહિતી આપી હતી કે સરિતા ગિરીને પાર્ટી દ્વારા હાંકી કાઢવાની જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ તેમને નિયમ મુજબ સાંસદ પદ પરથી પણ હટાવવામાં આવ્યા છે. બંધારણના આર્ટિકલ 89 મુજબ ગિરીને સંસદમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.
સમાજવાદી  પાર્ટીએ એમ કહીને તેમને હાંકી કાઢ્યા છે કે તેઓ પાર્ટીના વ્હિપને અનુસરતા ન હતાં. નવા નકશાનો વિરોધ કરવા બદલ સરિતા નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટી તેમજ તેમની પાર્ટીનાં નિશાન પર આવી ગયા હતાં, સરિતા ગિરીને ઘણી વાર ધમકી આપવામાં આવી હતી, તેના ઘર પર હુમલો પણ કરાયો હતો.
સરિતા ગિરીએ સરકારને પૂછ્યું હતું કે કયાં આધારે આ ક્ષેત્રોનો નવા નકશામાં સમાવેશ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે કાલાપાણી, લીપુલેખ અને લિમ્પીયાધુરા પર દાવા માટે સરકાર પાસે કોઈ આધાર નથી.
તેમણે કહ્યું કે, તે સુપ્રીમ કોર્ટના તે હુકમની પણ વિરુદ્ધ છે, જેણે કહ્યું હતું કે કોઇ રાષ્ટ્રીય પ્રતીકમાં ફેરફાર કરવા માટે પૂરતા પુરાવાની જરૂર છે. નવા નકશામાં સમાવિષ્ટ વિસ્તારો વિશે સરકારે આ બિલમાં કોઈ આધાર અથવા પુરાવા પૂરા પાડ્યા નથી.
કે.પી. શર્મા ઓલીએ સરકારની નિષ્ફળતાઓ સામે વધતા વિરોધને દબાવવા માટે નવો નકશો બનાવ્યો. રાષ્ટ્રવાદનાં આ મુદ્દા સામે અવાજ ઉઠાવવાની હિંમત કોઈ પણ નેતા એકત્ર કરી શક્યા નહીં, પરંતુ સાંસદ સરિતા ગિરીએ પ્રતિનિધિ ગૃહમાં વિરોધ કર્યો. નવા નકશાનો વિરોધ કરનારા સમાજવાદી પાર્ટીના સાંસદ સરિતા ગિરીને 'ભારતની ચેલી' કહેવામાં આવ્યા

(8:33 pm IST)