Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

ઓનલાઇન અભ્યાસ કરતા વિદેશી સ્ટુડન્ટ્સને દેશ છોડી જવાના ટ્રમ્પ સરકારના આદેશ વિરુદ્ધ ફરિયાદ : સરકારને સ્ટુડન્ટ્સના આરોગ્યની ચિંતા નથી : હાર્વર્ડ યુનિવર્સીટીએ કોર્ટના દ્વાર ખખડાવ્યા

વોશિંગટન : તમામ ક્લાસ ઓનલાઇન ભરતા 10 લાખ જેટલા વિદેશી સ્ટુડન્ટ્સને દેશ છોડી જવાના ટ્રમ્પ સરકારના આદેશ વિરુદ્ધ હાર્વર્ડ અને એમ.આઇ.ટી.યુનિવર્સીટીએ બોસ્ટન ડીસ્ટ્રીકટ કોર્ટમાં ફરિયાદ કરી છે.
હાર્વર્ડના પ્રેસિડેન્ટ લોરેન્સ એસ બેન્કે યુનિવર્સિટી કમ્યુનિટીને આપેલા એક સંદેશમાં કહ્યું કે ટ્રમ્પ પ્રશાસને આ આદેશ કોઈ પણ સૂચના આપ્યા વગર જ જારી કરી દીધો છે.એવું લાગે છે કે જાણે કોલેજો અને યુનિવર્સિટીઓ પર ક્લાસરૂમ ખોલવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. પ્રશાસને સ્ટૂડેન્ટ, ઈન્ટ્રક્ટર અને અન્ય લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને લઈ કોઈ ચિંતા નથી.
યુનિવર્સિટીએ બોસ્ટનમાં US ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં 6 જુલાઈના રોજ જે આદેશ આપવામાં આવ્યો છે તેને અટકાવવા માંગ કરી છે. તેમા કહેવામાં આવ્યુ છે કે આદેશ ગેરબંધારણીય છે. યુનિવર્સિટીઓએ કહ્યું છે કે અમે માર્ચથી ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીની પોલિસી પર વિશ્વાસ કરી છીએ, જેમાં વિદ્યાર્થીઓને રહેવા માટે મંજૂરી આપવામાં આવી હતી અને નવા વિદ્યાર્થીઓને લઈ નિયંત્રણ લગાવવામાં આવ્યુ ન હતું.
ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનના આ નિર્ણયથી કુલ 10 લાખ વિદ્યાર્થીને અસર થશે. આ પૈકી 2 લાખથી વધારે ભારતીય છે. અહીં સૌથી વધારે વિદ્યાર્થી ચીનથી આવે છે. ત્યારબાદ ભારતીય વિદ્યાર્થીઓની વધારે સંખ્યા છે. સામાન્ય રીતે સ્નાતક કે અનુસ્તાતક વિદ્યાર્થીઓ માટે F-1 અને M-1 કેટેગરીના વિઝા જારી કરવામાં આવતા હોય છે.
કોર્ટમાં કરાયેલી રજુઆત મુજબ કોઈપણ જાતની આગોતરી સૂચના વિના આ આદેશ કરાયો છે આથી એવું લાગે છે કે યુનિવર્સિટી પર આગામી સેમેસ્ટરથી ખુલવાનું દબાણ કરાઈ રહ્યું છે. તેમને વિદ્યાર્થીઓ, શિક્ષકોના આરોગ્યની ચિંતા નથી.જો કોઈ સંસ્થા કેમ્પસમાં અભ્યાસ શરૂ કરશે અને કોરોના ફેલાશે તો તેના પર ઓનલાઈન નહીં ભણાવવાનું દબાણ કરાશે.આ કેસ જોશપૂર્વક લડાશે જેથી વિદ્યાર્થીઓ તેમના દેશનિકાલના ડર વિના પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકે.

(1:21 pm IST)