Gujarati News

Gujarati News

News of Thursday, 4th April 2019

શિકાગો શહેરના મેયર તરીકે અશ્વેત મહિલા લોરી લાઇટફુટનો થયેલો ઝળહળતો વિજયઃ તેમના પ્રતિસ્પર્ધી પણ અશ્વેત મહિલા ટોની પ્રીકવીન્કલ હતી અને તેમને ફકત ૨૬ ટકા મતો મળતા તેમનો કારમો પરાજય થયો હતોઃ ઇન્ડીયન અમેરીકન અમીયા પવાર સીટી ટ્રેઝરરની જગ્યા માટેના ઉમેદવાર હતા પરંતુ તેમને ૪૦ ટકા મતો મળતા તેમનો પરાજય થયો હતોઃ મેયર તરીકે આવતા મે માસની ૨૦મી તારીખે પોતાનો નવો હોદ્દો અખત્યાર કરશે

(અમારા પ્રતિનિધિ કપીલા શાહ દ્વારા) શિકાગો : ગઇકાલ મંગળવાર એપ્રીલ માસની ૨જી તારીખે શિકાગોના મેયરની થયેલી ચુંટણીમાં બે અશ્વેત મહિલાઓ પ્રતિસ્પર્ધી હતી અને તે દિવસે રાત્રે બહાર આવેલા પરિણામોમાં લોરી લાઇટફૂટે શિકાગો શહેરના તમામ ૫૦ વોર્ડોમાં સૌથી વધુ મતો મેળવીને ઝળહળતો વિજય પ્રાપ્ત કર્યો હતો. શિકાગોના મેયર તરીકે વિજયી બનેલા અશ્વેત મહિલા લાઇટફૂટને ૭૪ ટકા જેટલા મતો પ્રાપ્ત થયા હતા જ્યારે તેમના પ્રતિસ્પર્ધી કુક કાઉન્ટીના પ્રેસીડન્ટ અને કુક કાઉન્ટીના ડેમોક્રેટીક પાર્ટીના પ્મુખ ટોની પ્રીકવીન્કલ ૨૬ ટકા મતો મળતા તેમનો કારમો પરાજય થયો હતો.

શિકાગોના ચુંટાયેલા મેયર લાઇટફૂટ તેણીના નવા હોદ્દાનો ચાર્જ આગામી ૨૦મી મેના રોજ અખત્યાર કરશે. જ્યારે પરાજીત ટોની પ્રીકવીન્કલ તેણીના ૪થા વોર્ડમાંથી પણ પરાજય થયા હતા અને હવે કુક કાઉન્ટીના પ્રમુખ તરીકે પોતાની ફરજો બજાવશે.

શિકાગોના મેયર લાઇટફૂટ તદ્દન ગરીબ પરિવારના સભ્ય છે અને ઓહાયો રાજ્યની રહીશ છે. તેઓ મીશીગનમાં ઓવેલ યુનિવર્સિટી ઓફ મીશીગના ગ્રેજ્યુએટ છે અને શિકાગોની યુનિવર્સિટીમાંથી કાયદાના સ્નાતક થયા બાદ ફેડરલ પ્રોસીકયુટર તરીકે ફરજ બજાવે છે અને હવે તેઓ અમેરીકાના સૌથી મોટા વસ્તી ધરાવતા શિકાગોના મેયર બન્યા છે.

વધારામાં જાણવા મળે છે તેમ સીટી ટ્રેઝરરની જગ્યા માટે ઇન્ડીયન અમેરીકન અમીયા પવાર ચુંટણીના ઉમેદવાર હતા પરંતુ તેઓ પરાજીત થયા હતા.

 

(6:56 pm IST)