Gujarati News

Gujarati News

News of Thursday, 4th April 2019

અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એફોર્ડેબલ કેર એકટ અથવા ઓબામા કેર એકટને નેસ્તનાબુદ કરવા માટે અનેક પેતરાઓ રચ્યા અને ધમપછાડાઓ કર્યા બાદ બધી જગ્યાએથી હતાશ થયેલા એવા ઓબામા કેર એકટના શરણે આવેલા અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તથા તેમની પાર્ટીના ચુંટાયેલા નેતાઓઃ ઓબામા કેર એકટ કોઇપણ સંજોગોમાં રદ્દ થઇ શકે તેમ નથી પરંતુ તેમાં રહેલી ઋુટીઓને રદ્દ કરી જન હિતાર્થે તેમાં સુધારો થાય એ સમયની તાતી જરૂરત છેઃ રીપબ્લીકન પાર્ટીના સૂત્રધારો આ દિશામાં હળીમળીને કાર્ય કરે એ હિતાવહ નથી ?

(અમારા પ્રતિનિધિ કપીલા શાહ દ્વારા) શિકાગો : અમેરીકાના પ્મુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઓબામા કેર એકટ અંગે તાજેતરમાં ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે આગામી ૨૦૨૦ની ચૂંટણી પછી નવા ચુંટાયેલા રીપબ્લીકન પાર્ટીના સભ્યો આ સમગ્ર પ્રશ્ન અંગે આગળ ઘટતા પગલા ભરશે પરંતુ આ સમગ્ર પ્રશ્નને જાણતા અને તેનો દરરોજનો અભ્યાસ કરતા તજજ્ઞોના મતે આ સળગતા પ્રશ્ન અંગે રીપબ્લીકન પાર્ટીના હાલના ચુંટાયેલા નેતાઓ તથા તેના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઓબામા કેર એકટના સમગ્ર પ્રશ્ન અંગે હારનો સ્વીકાર કરીને તેના શરણે આવી ગયા હોવાનો ભાસ દેખાઇ રહ્યો છે અને તેથી આ કાયદાનો લાભ લેનારાઓ તથા તેનો ઉપભોગ કરનારાઓમાં રાહત અને આનંદની લાગણીઓ છવાઇ ગયેલી જોવા મળે છે.

આશ્ચર્યની લાગણીઓ ત્યારે જોવા મળી કે ડીસ્ટ્રીકટ કોર્ટના નામદાર ન્યાયાધીશે ઓબામા કેર એકટને ગેરકાયદેસર જાહેર કરેલ છે ત્યારે અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રના ન્યાય ખાતાના અધીકારીઓએ આ સમગ્ર કાયદાને પણ અમાન્ય જાહેર કરવા હાલમાં નામદાર ન્યાયાધીશ સમક્ષ અરજ ગુજારવામાં આવેલ છે.

ગયા અઠવાડીયાઓ અગાઉ અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ સમગ્ર ઓબામા કેરને આપત્તિજનક તેમજ વધુ ને વધુ પ્રજા માટે અતિ આપત્તિજનક અને વધુ પ્રમાણમાં ભયંકર અને આઘાતજનક છે એવા નિવેદનો કર્યા બાદ તેમજ અમેરીકન પ્રજાને શીરે આ અંગેનો ખર્ચો મીલીયન્સ ડોલરમાં આવે છે માટે તેને રદ્દ કરવો જોઇએ એવું જણાવ્યું હતું અને હવે તેમણે આ સળગતા પ્રશ્નને ધ્યાનમાં લઇ તે અંગે ઘટતુ કરવા નિકળે છે જે હાસ્યાસ્પદ છે. છેલ્લા બે વર્ષથી ઓબામા કેરે સમગ્ર અમેરીકાને છીન્નભીન્ન કરી નાખેલ છે અને તેની સાથે સાથે તેની કરોડરજ્જુને પણ સીધી રીતે અસર કરેલ છે એવો પ્રજા સમક્ષ પ્રચાર કરતા હતા અને હવે તેઓ સમજી ગયેલ છે કે આ ઓબામા કેરને નેસ્તનાબુદ કરવા માટે અસમર્થ છે એટલે પોતાની કરવામાં આવેલ બે વર્ષની કાર્યવાહી છુપાવવા માટે હવે સિફતથી તેમણે આગામી ચુંટણી બાદ નવા ચુંટાયેલા કોંગ્રેસના સભ્યોના શીરે સીફતતાથી નાખી દીધી છે.

અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ હેલ્થકેરના સમગ્ર પ્રશ્નમાં સખત હાથે કામ એટલા માટે લીધુ હતુ કારણ કે તેમના રીપબ્લીકન પાર્ટીના નેતાઓ તેવું વલણ ધરાવતા હતા. પરંતુ તેઓની સમગ્ર ગણત્રીઓ ઉંધી વળી ગઇ હતી અને હાઉસની રીપબ્લીકન પાર્ટીના નેતા કેવીન મેકાર્થીએ પ્રમુખથી સમગ્ર ઓબામા કેર એકટ સામાન્ય કરવા માટે તેમના ન્યાય ખાતાના અધીકારીઓને જે કાર્યવાહી હાથ ધરેલ તે ન કરવા માટે ચેતવ્યા પણ હતા અને હવે સેનેટના રીપબ્લીકન પાર્ટીના નેતાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે તેઓ હેલ્થકેર અંગે હવે કોઇપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરશે નહીં. આ બંને નેતાઓએ હાલમાં પ્રમુખશ્રી સાથે ન રહેતા ડોનાલ્ડ ટ્રમ્પને એકલા પડી જવાનો ભય સતાવતો હોવાથી તેઓ રઘવાયા બની જવા પામ્યા હતા અને હેલ્થકેરનો પ્રશ્ન ટલ્લે ચઢાવી દીધો હોવાનું અનુમાન થઇ રહેલ છે અને ૨૦૨૧ની સાલમાં આ સમગ્ર પ્રશ્ન અંગે શું થઇ શકે તે અમો જોઇશું એવું કહ્યું હોવાનું જાણવા મળે છે.

રીપબ્લીકન પાર્ટીના ચુંટાયેલા નેતાઓને હાલમાં એવું લાગી રહ્યું છે કે ઓબામા કેર એકટનો કાયદો હાલમાં અત્રે રહેવાનો છે અને તેમાં થોડો ફેરફાર થશે પરંતુ સમગ્ર  રીતે તે નેસ્તનાબુદ કોઇપણ સંજોગોમાં થઇ શકે તેમ નથી. આથી આ પક્ષના અગ્રણીઓ આ કાયદાને નવા વસ્ત્રો પરિધાન કરાવડાવશે અને અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને તેની મુખાકૃતિ ચકચકીત લાગે અને તેનો તેઓ સ્વીકાર કરે કે જેથી લાંબા સમયથી આ પ્રશ્ન અંગે જે મથામણ ચાલી રહેલ છે તેનો સુખદ રીતે અંત આવે.

ઓબામા કેર એકટની તાકાત કેટલી છે તે ગઇ કોંગ્રેસમાં દેખાઇ આવ્યું હતું. અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાના સૂત્રો પોતાના હાથમાં લીધા અને તેમણે આ ઓબામા કેર એકટને તેની અવેજી વીનાના કાયદા વીના રદ્દ કરવાનો જે પ્રયાસ કર્યો ત્યારે ખુદ તેમની પાર્ટીના વરાયેલા નેતાઓએ અવેજીનો કાયદો પ્રથમ જનતા સમક્ષ રજુ કરવા રજુઆત કરી અને આમ કરવામાં તેમનો વિજય થયો હતો અને છેવટે આ અંગેની કાર્યવાહીઓ પડતી મુકવાની ફરજ પડી હતી.

ત્યાર બાદ આ સમગ્ર પ્રશ્ન સેનેટના ફલોર પર આવ્યો હતો અને તે વખતે મતદાન થતા રીપબ્લીકન પાર્ટીના સેનેટર જોન મેકેનનો મત કટોકટીભર્યો હતો અને તેમણે જનતાનું હિત હૈયે રાખી ઠરાવની વિરૂદ્ધમાં મતદાન કરતા ઓબામા કેરને જીવતદાન મળ્યુ હતું. સેનેટર જોન મેકેને પોતાની પાર્ટી અને પ્રજાના હિતનું ન વિચાર્યુ હોત તો આજે રીપબ્લીકન પાર્ટીની શી હાલત થઇ હોત તે કલ્પી શકાય તેમ નથી. તેમણે આમ કરીને રીપબ્લીકન પાર્ટીને આત્મઘાતમાંથી બચાવી લીધી હોવાનું તેમના તજજ્ઞો માની રહ્યા છે.

ઓબામા કેરનો કાયદો સામાન્ય રીતે સમાજ જીવન સાથે સંકળાયેલો રહેવા પામેલ છે અને તેથી તેને નાબુદ કરવો એટલો સહેલો નથી. ગયા વર્ષે નવેમ્બર માસમાં જે ચુંટણી યોજવામાં આવી હતી તેમાં ૪૦ જેટલી હાઉસની બેઠકો આ પ્રશ્નને લઇ ગુમાવી હતી અને તેનો એટલે કે હાઉસનો કબજો ડેમોક્રેટીક પક્ષના હાથમાં આવ્યો હોવાથી હેલ્થકેરને નાબુદ કરવાનું કાર્ય અશકય બનવા પામ્યુ હતું.

હવે આવતા વર્ષે સામાન્ય ચુંટણી થનાર છે તે વખતની પરિસ્થિતિ પર સમગ્ર રીતે નિહાળવાનું રહે છે અને કોણ પ્રમુખપદનો ઉમેદવાર વિજયી બને તથા હાઉસ અને સેનેટના સત્તાના સૂત્રો કોના હસ્તક આવે તે તરફ સૌનું ધ્યાન કેન્દ્રિત થયેલું જોવા મળે છે. આપણે સૌ ત્યાં સુધી થોભીએ અને રાહ જોઇએ એ હિતાવહ છે.

(6:55 pm IST)