Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

રાજકુમાર કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ કુ.રતી કૂપરનું દુઃખદ અવસાનઃ વિદ્યાર્થીઓમાં ઘેરા શોકની લાગણી

પાકિસ્તાનના લાહોર સ્થિત બહેન પાસે ગયેલઃ હોસ્પીટલમાં 'શિક્ષણના હિરે' લીધા અંતિમ શ્વાસઃ રાજકુમાર કોલેજ દ્વારા તેમને ''પ્રિન્સીપાલ એમીરેટ્સ''ની પદવી અપાયેલ

રાજકોટ,તા.૯: સૌરાષ્ટ્રની સુપ્રસિધ્ધ શહેરની પ્રખ્યાત રાજકુમાર કોલેજના પૂર્વ પ્રિન્સીપાલ અને વિદ્યાર્થીઓમાં કૂપર મેડમથી ઓળખાતા કુ.રતી કૂપરનું પાકિસ્તાનના લાહોરની હોસ્પીટલમાં ૮૯ વર્ષની ઉંમર દુઃખદ નિધન થતા વિદ્યાર્થીઓ તથા આરકેસીના સ્ટાફમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

પાકિસ્તાનમાં જન્મેલ મૂળ પારસી એવા મિસ કૂપરે પોતાનું શરૂઆતનું શિક્ષણ મુંબઈના કૂપરભવન અને લંડનથી લીધુ હતુ. સુખી- સંપન્ન એવા કૂપર પરિવારમાં જન્મેલ મિસ કૂપર ૧૯૫૧- ૫૨થી રાજકુમાર કોલેજમાં જોડાયા હતા. ત્યારથી તેમની શિક્ષણ યાત્રા ૨૦૦૦ સુધી ચાલી હતી.

મિસ કૂપરે ૫ દાયકાના શૈક્ષણિક સફરની શરૂઆત હેડ મીસ્ટ્રેસથી કરી હતી. ત્યાર બાદ તેઓ વોર્ડન અને ડેપ્યુટી પ્રિન્સીપાલ સુધી પહોંચ્યા હતા. ૧૯૯૧થી તેઓએ રાજકુમાર કોલેજના પ્રિન્સીપાલ તરીકે જવાબદારી સંભાળી હતી. તેઓ ૨૦૦૦ની સાલ સુધી આરકેસી સાથે જોડાયેલ રહ્યા હતા.

રાજકુમાર કોલેજ પ્રત્યેની ૫ દાયકાઓની સેવાને બિરદાવાતા મિસ કૂપરને ''પ્રિન્સીપાલ એમીરેટ્સ''ની પદવી આરકેસી દ્વારા એનાયત કરવામાં આવેલ. તેઓ ખુબ જ માયાળુ, લાગણીશીલ, પ્રેમાળ અને સૌને મદદ કરનાર વ્યકિત તરીકે હંમેશ યાદ રહેશે.

(3:12 pm IST)