Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

શિકાગોની જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટન શિકાગોમાં ચોવીસમાં તીથઁકર ભગવાન મહાવીર સ્‍વામીના જન્‍મ કલ્‍યાણક મહોત્‍સવની થનારી શાનદાર ઉજવણીઃ આગામી માર્ચ મહિનામાં નવ દિવસ માટે આયંબિલની ઓળીની આરાધના શરૂ થશે અને તેમાં મોટી સંખ્‍યામાં જૈન સોસાયટીના સભ્‍યો ભાગ લેશેઃ ૩૧મી માર્ચે પટદર્શન તેમજ વિસ સ્‍થાનક મહાપૂજન ભણાવવામાં આવશે તેમજ રાત્રે સાંસ્‍કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવશે. ૧લી એપ્રીલના રોજ આયંબિલ ઓળીની પૂર્ણાહુતિ થશે અને આરાધકો સામુહિક પારણા કરશેઃ તેમજ બપોર બાદ વકતૃત્‍વ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે અને તેમાં નાની વયના કિશોરોથી લઇને મોટી ઉંમરના સભ્‍યો ભાગ લેશે અને વિજેતાઓને ઇનામો આપવામાં આવશે

 (સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) ચાલુ વર્ષે જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટન શિકાગોના સંચાલકોએ ચોવીસમાં તિર્થકર ભગવાન મહાવીર સ્‍વામીના જન્‍મ કલ્‍યાણક મહોત્‍સવની શાનદાર રીતે ઉજવણી કરવાનો નિર્ણય કરેલ છે અને તે પ્રસંગે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે જેની તડામાર તૈયારીઓ હાલમાં ચાલી રહી હોવાનો ચિન્‍હો દ્રષ્‍ટિ ગોચર થઇ રહ્યા છે. આવતા માસમાં માર્ચ માસની ૨૩મી તારીખને શુક્રવારના રોજથી નવ દિવસ માટે આયબિલની ઓળીની આરાધના શરૂ થશે અને ૧લી એપ્રીલના રોજ તેની પૂર્ણાહુતિ થશે અને તમામ આરાધક ભાઇ બહેનો સામુહિક પારણાઓ કરશે.

આયંબિલની ઓળી તેમજ પ્રભુ મહાવીર સ્‍વામીના જન્‍મ કલ્‍યાણક ઉજવણીના પ્રસંગની માહિતી આપતા સોસાયટીના ટ્રસ્‍ટી બોર્ડના ચેરમેન અતુલ શાહ તેમજ કાર્યવાહક સમિતિના પ્રમુખ વિપુલ શાહે અમારી એક મુલાકાતમાં જણાવ્‍યુ હતુ કે જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટન શિકાગો તેના પચ્‍ચીસ વર્ષ પૂર્ણ કરતી હોવાથી આ વર્ષના જૂન માસમાં તેના સિલ્‍વર જ્‍યુબીલી વર્ષની રંગેચંગે ઉજવણી કરનાર છીએ અને તે પ્રસંગે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે આગામી માર્ચ મહિનામાં અમો સર્વે સભ્‍યોના સહકારથી અમારા ૨૪મા તીર્થકર ભગવાન મહાવીર સ્‍વામીના જન્‍મ કલ્‍યાણક મહોત્‍સવની આનંદ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં તેની ઉજવણી કરીશુ.

આગામી માર્ચ મહીનામાં જૈન સોસાયટીના સભ્‍યો આયંબિલ તપની આરાધના વિપુલ પ્રમાણમાં કરશે. અને તેની શરૂઆત ૨૩મી માર્ચને શુક્રવારના દિનથી થશે અને તેની પૂર્ણાહુતિ માર્ચ માસની ૩૧મી તારીખે થશે જયારે બીજા દિવસે ૧લી એપ્રીલને રવીવારે જૈન સોસાયટીમાં આ તપ કરનારાઓના સામુહિક પારણાંઓ યોજાશે. આ દિવસે બપોરે વકતૃત્‍વ સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવશે અને તેમાં કિશોરે તેમજ કિશોરીઓ અને મોટી ઉંમરના ભાઇ બહેનો વિવિધ વિષયોને સ્‍પર્શતા પોતાના ધાર્મિક મંતવ્‍યો રજુ કરશે અને વિજેતાઓને યોગ્‍ય પુરસ્‍કાર આપવામાં આવશે.

નવ દિવસો દરમ્‍યાન યોજાનાર આયબિલની ઓળીના પ્રવિત્ર પ્રસંગે તેની ઉજવણી માટે મુંબઇથી પંડિતવર્ય પારસભાઇ શાહ ખાસ શિકાગો પધારનાર છે અને નવ દિવસોના સમય દરમ્‍યાન તેઓ સવાર તેમજ રાત્રિના સમય દરમ્‍યાન વિવિધ પ્રકારના ધાર્મિક વિષયો પર પ્રવચનો આપશે. ઓળીના પવિત્ર પ્રસંગો દરમ્‍યાન વિવિધ પ્રકારના પૂંજનો ભણાવવામાં આવશે અને તેમાં વીસ સ્‍થાનક મહાપુંજન તેમજ લઘુસિધ્‍ધચક્ર પૂંજનનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે જૈન સોસાયટી તેના ૨૫ વર્ષ પૂર્ણ કરતી હોવાથી તેની શાનદાર ઉજવણી કરવામાં આવશે અને તે અંગેની આછેરી રૂપરેખા સૌ સભ્‍યોને આપવામાં આવશે તેમજ જન્‍મકલ્‍યાણક દિનની-ઉજવણી પ્રસંગે એક સાંસ્‍કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ છે એવું તેમણે અંતમાં જણાવ્‍યું હતું.

(10:10 pm IST)