Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરીકન પ્રજાને સરકારી વહીવટી તંત્ર ઠપ્પ થવા અંગે ઓવલ ઓફીસમાં આપેલી માહિતીઃ હાઉસના ડેમોક્રેટીક પાર્ટીના સ્પિકર નેન્સી પલોસી તથા સેનેટના લઘુમતી પક્ષના નેતા ચક શ્યુમરે અમેરીકન પ્રજાને આપેલી સ્પષ્ટ અને સાચી માહિતી તથા સેનેટે પસાર કરેલા ઠરાવ મુજબ સરકારી વહીવટી તંત્રે ચેતનવંતુ બનાવવા કરેલી અપીલ

(પ્રતિનિધિ કપિલા શાહ દ્વારા) શિકાગોઃ અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે રાત્રે ૯ વાગે ઓવલ ઓફીસમાં બોર્ડર સીકયુરીટી અંગે અમેરીકન પ્રજાજનને નેશનલ ટી.વી. દ્વારા સંબોધન કરતા જણાવ્યું હતું કે આપણી સરહદો પર હાલમાં અનેક પ્રકારની ગંભીર સ્થિતિ સર્જાવા પામેલ છે. આ એક માનવીય કટોકટી તેમજ હૃદય અને આત્માની એક ગંભીર પ્રમાણની કટોકટી છે. તેમણે આ પ્રસંગે વધારામાં જણાવ્યું હતુ કે સરકારી વહીવટી તંત્ર હાલમાં કાર્ય કરતુ બંધ થઇ ગયેલું છે. અને તેનું મુખ્ય કારણ ડેમોક્રેટીક પાર્ટીના નેતાઓ આપણા દેશની સરહદોની સુરક્ષા માટે જરૂરી નાણાં મંજુર કરતા નથી.

તેમણે પોતાની રજુઆતમાં આગળ જણાવ્યું હતું કે અમેરીકામાં તાજેતરમાં વીસ હજાર જેટલા નાની વયના બાળકો ગેરાયદેસર રીતે પ્રવેશેલા છે અને ડ્રગની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરનારાઓ આ બાળકોનો દૂરઉપયોગ કરે છે. અમેરીકા અને મેકસીકોની સરહદે સલામત નથી અને આપણી સરહદો સલામત નથી. આથી નિષ્ણાંતોની સલાહ લઇને એક પ્રપોઝલ અમોએ તૈયાર કરેલ છે અને તે કોંગ્રેસને ઘટતુ કરવા માટે મોકલેલ છે. પરંતુ તે અંગે તેઓએ કોઇ પગલા ન ભરતા અમેરીકા દેશની સલામતી માટે નાછુટકે ગવર્નમેન્ટ શટડાઉન જેવા આકરા પગલા ભરવા પડેલ છે. અમો કોંગ્રેસની વિનંતી કરીએ છીએ કે સરહદોની સુરક્ષા માટે દિવાલ બાંધવા માટે પ.૭ બીલીયન જેટલા ડોલરની રકમ મંજુર કરે કે જેમાંથી અદ્યતન ટેકનોલોજી, પેટ્રોલ એજન્ટોની સંખ્યામાં જરૂરી વધારો તેમજ ઇમીગ્રેશન ખાતામા઼ પણ નવા માણસોની ભરતી થઇ શકે અને તે દ્વારા સરહદોની પણ સુરક્ષા સાથે સાથે થઇ શકે.

અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરીકન પ્રજાને કરેલા સંબોધન બાદ તેનો પ્રત્યુત્તર આપતા હાઉસના સ્પીકર નેન્સી પલોસી તેમજ સેનેટની લઘુમતી પક્ષના નેતા ચક શ્યુમરે પોતાની રજુઆત કરી હતી.

હાઉસના સ્પીકર નેન્સી પલોસીએ જણાવ્યું કે અમેરીકાની સરહદો પર સુરક્ષા જળવાઇ રહે તેમાં અમો માનીએ છીએ પરંતુ પ્રમુખે જે પ્રકારના નાણાં અમારી પાસે માંગ્યા તે વધુ પડતા છે અને પ્રજાના તે નાણાં ગમે તેમ અમો વાપરવા માંગતા નથી એવું તેમણે વધારામાં જણાવ્યું નથી. આ અંગે પ્રમુખશ્રી અને તેમના સહાધ્યાયીઓ સાથે ચર્ચાઓ કરી હતી. પરંતુ એકમતી પર અમો આપી શકયા ન હોવાથી ચર્ચા ભાંગી પડી હતી અને સરકારી તંત્ર બંધ હાલતમાં આજે ત્રીજા અઠવાડીયામાં પ્રવેશ કરી ચુકેલ છે.

ડેમોક્રેટીક પાર્ટીના સેનેટના લઘુમતી પક્ષના નેતા ચક શ્યુમરે પોતાની રજુઆતમાં જણાવ્યું હતું કે અમેરીકાની સરહદો પર સુરક્ષા માટે અમે ગમે તે કરવા તૈયાર છીએ પરંતુ દિવાલોનો ખર્ચ કોણ ભોગવશે. એના જવાબમાં પ્રમુખશ્રી કહે છે કે મેકસીકો તેનો ખર્ચ આપશે જ્યારે ત્યાંની સરકાર એક પણ પૈસો દિવાલ બાંધવા માટે આપનાર નથી. માટે કોઇપણ વ્યકિત પોતાના મનસ્વી વિચાર પર જઇ શકે નહીં.

તેમણે વધારામાં જણાવ્યું હતું કે સેનેટના સભ્યો દ્વિપક્ષીય રીતે એક ઠરાવ પાસ કરેલ છે અને તેમાં સરકારી વહવટી તંત્ર કામ કરતું બંધ પડી ગયેલ છે. તેને ચેતનવંતુ  બનાવીને કાર્ય કરતું થાય તેવા સઘન પ્રયાસો અમેરીકાના પ્રમુખ દ્વારા કરવા જોઇએ અને મને આશા છે કે તેઓ તે દિશામાં આગળ વધશે.

આવતીકાલે બુધવારે ચર્ચાનો દોર આગળ વધે તે માટે કોંગ્રેસના નેતાઓ તથા અધીકારીઓ વોશીંગ્ટન ડીસીમાં મળનાર છે. અને ચર્ચા બાદ શો નિર્ણય લેવાય છે તે અંગેની સંપૂૈર્ણ માહિતી અમો અમારા વાંચક વર્ગને અમે પુરી પાડીશું તેની સૌ ખાત્રી રાખે.

(6:47 pm IST)