Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

અમેરિકામાં વસવાટ કરતા સૌ સીનીયર ભાઇ-બહેનો તથા શુભેચ્છકો માટે અતિ મહત્વના સમાચારોઃ જે લોકો ૬પ વર્ષના થયા હોય અને એફોર્ડેબલ કેર એકટ અથવા ઓબામાકેરનો લાભ લેતા હોય તેમણે સપ્ટેમ્બર માસની ૩૦મી સુધીમાં મેડીકેર ઇન્સ્યુરન્સનો લાભ મેળવી લેવો હિતાવહ છે કે જેથી જીવતપર્યંત દંડની જોગવાઇમાંથી મુકિત મેળવી શકેઃ આ અંગે નિષ્ણાંતોની સલાહ લેવી યોગ્ય થઇ પડશેઃ અમારા વાંચક વર્ગની માંગણીને ધ્યાનમાં લઇ અમો હવેથી મેડીકેર, મેડીકેડ, સોશ્યલ સિકયોરીટી તથા ઇમીગ્રેશન તેમજ સીનીયરોને સ્પર્શતા લગભગ તમામ પ્રશ્નો અંગેની છેલ્લામાં છેલ્લી માહિતીઓ પ્રસિદ્ધ કરવાનો નિર્ણય કરેલ છે તો સર્વે વાંચકોને તેમનો લાભ લેવા વિનંતી છે

(કપિલા શાહ દ્વારા) શિકાગોઃ અમેરિકામાં વસવાટ કરતા સીનીયર ભાઇ બહેનો કે જેઓ હાલમાં ૬પ વર્ષની વયના અથવા તેનાથી વધુ વયના છે તેઓ એફોર્ડેબલ કેર એકટ કે જે ઓબામાકેર એકટના નામે સમગ્ર ઓળખાય છે તેમાં જોડાયેલા છે તેઓએ સપ્ટેમ્બર માસની ૩૦મી તારીખ પહેલા મેડીકેરમાં પોતાના નામો નોંધાવવા હિતાવાહ છે અને જો તેમ કરવામાં જે સીનીયર ભાઇ-બહેનો નિષ્ફળ જશે તો તેમણે દંડન રકમ જીવનપર્યંત ભરવા માટે તૈયાર રહેવું પડશે. સરકારે આ મુદ્દત ગયા વર્ષમાં સપ્ટેમ્બર માસની ૩૦મી તારીખ સુધી જ રાખી હતી પરંતુ તેમાં એક વર્ષનો વધારો કરી હવે આ મુદ્દત સપ્ટેમ્બર માસની ૩૦મી તારીખ ૨૦૧૮ના વર્ષ દરમ્યાનમાં પોતાના નામો મેડીકેર પાર્ટ બીમાં અવશ્યપણે નોંધાવી દેવા હિતાવહ થઇ પડશે.

આ અંગેની વિગતોમાં જાણવા મળે છે તેમ જે સીનીયર ભાઇ-બહેનો ૬પ વર્ષ કે તેથી વધુ વયના હોય અને હાલમાં ઓબામાકેરમાં જોડાયેલા છે. તેમણે આ સપ્ટેમ્બર માસના અંત પહેલા મેડીકેર પાર્ટ બીમાં જોડાઇ જવું જોઇએ કે જેથી તેઓને જ્યારે આ મેડીકેર પ્રોગ્રામમાં જોડાઇ ત્યારે દંડની રકમ ભરપાઇ કરવાની રહેશે નહીં. આ મુદ્દત ગયા વર્ષના સપ્ટેમ્બર માસમાં પૂર્ણ થતી હતી પરંતુ વહીવટી તંત્રના સત્તાવાળાઓએ તેમાં એક વર્ષનો વધારો કરી તેને ૨૦૧૮ના સપ્ટેમ્બર માસના અંત સુધી લંબાવેલ છે.

મોટાભાગના સીનીયરો સોશ્યલ સિકયોરીટીના પ્રોગ્રામનો લાભ લે છે એટલે  તેઓ આપોઆપ ઓબામાકેર એકટમાંથી મેડીકેર પાર્ટ બીનો લાભ લેતા થઇ જાય છે અને નિયમ મુજબ પાર્ટ એનો પણ લાભ લે છે. જે સીનીયર ભાઇ-બહેનો ૬પ વર્ષની ઉંમરે પહોંચે તેના ત્રણ મહિના અગાઉ કે ત્યાર પછીના ત્રણ મહિના અગાઉ કે ત્યાર પછીના ત્રણ મહિના અંદર મેડીકેરમાં પોતાના નામો નોંધાવી શકે છે. પરંતુ કેટલાક લોકો ૬પ વર્ષની ઉંમર બાદ ઓબામાકેર એકટનો લાભ લે છે અને માર્કેટપ્લેસમાં ચાલુ રહે છે કે જેથી મેડીકેરનું જે પ્રીમીયમ હોય તે વધારે પ્રમાણમાં ન ભરવું પડે એવી તેઓની ગણત્રી રહેલ છે પરંતુ કાયદા અનુસાર આ પ્રવૃત્તિ ગેરકાયદેસર છે એવું આ ક્ષેત્રના નિષ્ણાંતો જણાવી રહ્યા છે. માટે જે સીનીયર ભાઇઓ તથા બહેનોની ઉંમર ૬પ વર્ષની થવા આવી હોય તેમણે ઓબામાકેરમાંથી પોતાનું નામ કમી કરી મેડીકેરમાં પોતે જોડાઇ જવું યોગ્ય થઇ પડશે પરંતુ આ અંગે ચોક્કસાઇ કર્યા બાદ ઓબામાકેરમાંથી નામ રદ્દ કરાવવા તજવીજ હાથ ધરવી યોગ્ય થઇ પડશે. આ અંગે સત્તાવાળાઓએ લાગતા વળગતાઓને જરૃરી નોટીસો પણ મોકલવાની શરૃઆત કરેલ હોવાનું જાણવા મળે છે.

આ અંગે જાણવા મળે છે તેમ જેમણે પોતાની નોકરી દરમ્યાન ચાલીસ કવાર્ટરો પૂર્ણ કરેલ છે તેઓને ૬પ વર્ષની વયે પાર્ટ એ અને પાર્ટ બી એમ બંને હેલ્થ ઇન્સ્યોરન્સ કાર્ડ સરકાર તરફથી મળે છે. પાર્ટ એમાં હોસ્પિટલનો જે ખર્ચ આવે તે કવર થઇ જાય છે અને તે અંગે કોઇપણ પ્રકારનું પ્રિમીયમ ભરવાનું રહેતું નથી પરંતુ જે લોકો પાસે પાર્ટ બી મેડીકેર કાર્ડ હોય તેમને ડોકટરની વિઝીટ અને હોસ્પિટલમાં બહારના દર્દી તરીકે જે ખર્ચો થાય તે સામાન્ય રીતે આ કાર્ડ દ્વારા ભરપાઇ થઇ જાય છે. પરંતુ કેટલાક સંજોગોમાં દર્દીએ પોતાના અંગત ખિસ્સામાંથી તેની બાકી પડતી રકમની ચૂકવણી કરવાની રહે છે. આ સમગ્ર પદ્ધતિ દરેક વ્યકિતની આવક ઉપર આધાર રાખે છે. કેટલાક કિસ્સાઓમાં રાજ્ય સરકાર દ્વારા જે પ્રોગ્રામ મેડીકેડનો લાભ આપવામાં આવે છે તેમાંથી તે રકમ ભરપાઇ થતી હોય છે. આ અંગે દરેક સીનીયર ભાઇ-બહેનોએ આ ક્ષેત્રના જાણકાર અને અનુભવી વ્યકિત અથવા સંસ્થાનો સંપર્ક કેળવવો હિતાવહ થઇ પડશે.

જે સીનીયર ભાઇ-બહેનોને ૬પ વર્ષની વયના થઇ ગયા હશે તેઓને ઓબામાકેર કાયદા અનુસાર જે ટેક્ષ ક્રેડીટ આપવામાં આવતી હોય તો તે આપોઆપ બંધ થઇ જાય છે અને તેથી સ્વાભાવિક રીતે પ્રીમીયમમાં વધારો થયેલો જોવા મળે છે. પરંતુ જ્યારે કોઇપણ વ્યકિત ઓબામાકેર કરતા મેડીકેર પાર્ટ બીમાં પ્રીમીયમ ઓછુ આવતુ હોય એમ લાગતા તેમાં જોડાય તો દસ ટકા જેટલી રકમ તેમણે જીવનપર્યંત ઉંચા દરે ભરપાઇ કરવાની રહે છે. આ દંડની રકમ સરકારે એટલા માટે રાખેલ છે કે જ્યારે  સીનીયર ભાઇ હેન માંદા પડે ત્યારે જ આ પ્રોગ્રામમાં જોડાય અને તેનો લાભ મેળવે. આ દુષણને અટકાવવા માટે જ દંડની જોગવાઇ રાખવામાં આવેલ છે.

જે સીનીયર ભાઇ-બહેનો આવા પ્રકારની પેનલ્ટી ભરપાઇ કરતા હોય તો તેમણે સત્તાવાળાઓ સમક્ષ પોતાના કેસની રજૂઆત કરી તેમાં થોડો ઘટાડો અથવા સંપૂર્ણપણે માફી પણ મેળવી શકે છે.

અમારા વાંચક વર્ગ તરફથી અમોને સોશ્યલ સિકયોરીટી, મેડીકેર, મેડીકેડ તેમજ ઇમીગ્રેશનના કાયદાઓમાં હાલમાં અવરજવર અનેક પ્રકારના ફેરફારો થયા કરે છે તેની તમામ માહિતીઓ અત્રે પ્રસિદ્ધ કરવા માટે વિનંતીઅ કરવામાં આવેલ છે અને તે બીનાને ધ્યાનમાં લઇને અમો ઉપરોકત વિષયોને આવરી લેતી તમામ પ્રકારની માહિતીઓ અત્રે રજુ કરીશુ તેની વાંચક વર્ગ સૌ ખાત્રી રાખે અને તેનો અમલ હવે ટૂંક સમયમાં જ કરવામાં આવશે તેની સૌ નોંધ લેવી એવી આશા.

(9:03 pm IST)