Gujarati News

Gujarati News

News of Thursday, 6th February 2020

અમેરિકામાં શ્રી સ્વામીનારાયાણ ગુરુકુલ ડલાસના આંગણે શિક્ષાપત્રી જયંતી અને શાકોત્સસવ ઉજવાયો : ૧૨૦૦ જેટલા દર્શનાર્થીઓએ ઉત્સવનો લાભ લીધો

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : વસંતઋુતુની શરુઆત એટલે વસંતપંચમી. કવિ માટે તો આ દિવસ નવા જીવનનુ અને નવી શરુઆતનુ પ્રતિક કહેવાય. પરંતુ, સ્વામીનારાયાણ સંપ્રદાયમાં આ દિવસ વધુ મહત્તા ધરાવે છે. આ દિવસે, પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામીનારાયાણ ભગવાને સ્વહસ્તે લખી પોતાના આશ્રિતોને શિક્ષાપત્રી ભેટ આપી. સત્સંગીઓને સદાય સુખિયા રહેવા માટે વાડરુપી પ્રભુની આ આજ્ઞાઓ એટલે મહારાજનુ બીજુ સ્વરુપ. શ્રીજી મહારાજની અસીમ ક્રુપાથી અમેરિકામાં શ્રી સ્વામીનારાયાણ ગુરુકુલ ડલાસના આંગણે તા. ૦૨-૦૧-૨૦ ના રોજ શનિવારે ૧૯૪મી શિક્ષાપત્રી જયંતી અને ૧૯૯મા શાકોત્સસવનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. આશરે ૧૨૦૦ જેટલા દર્શનાર્થીઓએ ઉત્સવનો લાભ લીધો હતો.

ડેકોરેશન ટીમે પોતાની અદ્ભુત કૌશલ્યતા દર્શાવીને જાણે કે લોયાધામ ઊભુ કરી દીધુ હતુ. શાકોત્સસવની સુંદર રજુઆત કરતી કેકથી તો વળી સોનામા સુગંધ ભળી હતી. બાલ સંસ્કારના દીકરા અને દીકરીઓએ શિક્ષાપત્રીના શ્લોકો કંથસ્ત બોલી સંભળાવ્યા હતા. ઉપરાંત, જુના અને નવા યુગના ઉદાહરણોથી ગુજરાતીમા તેનો અર્થ સમજાવી સૌને મંત્રમુગ્ધ કરી દીઘા હતા. યુવાનોએ શાકોત્સસવની શરુઆતના પ્રસંગને રજુ કરતુ સુંદર નાટક ભજવ્યુ હતુ.

પૂજ્ય ધર્મકિશોરદાસજી સ્વામી, પૂજ્ય આનંદપ્રિયદાસજી સ્વામી અને પૂજ્ય ભગવતચરણદાસજી સ્વામીએ શાકોત્સસવ અને શિક્ષાપત્રીનો સૌ હરિભક્તોને મહિમા સમજાવ્યો હતો. પૂજ્ય શાન્તિપ્રિયદાસજી સ્વામીએ અદ્ભુત મહાનિરાજન આરતીનો લાભ આપ્યો હતો. હાથથી ટીપેલા રોટલા, ઘીમાં વઘારેલુ રીંગણાનુ શાક, સંપ્રદાયની સુપ્રસિદ્ધ ખીચડી - કઢી જેવી વિધવિધ વાનગી ભરેલા મહાપ્રસાદથી સૌ દર્શનાર્થી ખુબ રાજીના રેડ થઈ ગયા હતા અને પ્રસાદનો ભરપુર આનંદ માણ્યો હતો.તેવું શ્રી અલ્પેશ પટેલના અહેવાલ દ્વારા શ્રી સુભાષ શાહની યાદી જણાવે છે.

(12:09 pm IST)