Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

શિકાગોની જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટનમાં જૈનોના મહાન પર્યુષણ પર્વની શરૂ થયેલી ભવ્ય આરાધનાઃ પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શ્રાવકો અને શ્રાવિકાઓએ તમામ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લીધોઃ ભારતથી શિકાગો પધારેલા શ્રી ભદ્રબાહુજીએ પ્રથમ ધર્મ આચાર તેમજ અભાવ ભાવ અને વિષયોને સ્પર્શતા પ્રવચનો કર્યાઃ મુંબઇના જાણીતા સંગીતકાર અનીલ ગેમાવતે સુંદર જૈન સ્તવનો રજુ કર્યાઃ પર્યુષર્ણ પર્વની આરાધના નિમિતે ઉગ્ર તપશ્ચર્યાઓ શરૂ થઇ જેમાં એકજ પરિવારના ચાર સભ્યોએ માસક્ષમણ તેમજ ર૭,૧૬ અને ૧૧ ઉપવાસોના ે સમાવેશઃ સૂર્યાબેન મહેતાએ પણ માસક્ષમણ એટલે ૩૦ ઉપવાસો શરૂ કર્યાઃ બોર્ડ ઓફ ટ્રસ્ટીઓ તેજસ અમ્રતલાલ શાહ તેમજ જીજ્ઞેશ જૈને અનુક્રમે ચત્તારિ અઠૃ દસ હોય તેમજ સિંહાસન તપની આરાધના શરૂ કરીઃ ભૂતપુર્વ ચેરમેન કિશોરભાઇ છગનલાલ શાહ કછોલીવાળાએ દસ દિવસના ઉપવાસો શરૂ કર્યા જયારે એક અઠવાડિયા પૂર્વે હિમેશ ઝવેરીએ માસક્ષમણની તપશ્ચર્યા પરિપૂર્ણ કરીઃ જૈન સંઘમાં અનેરો આનંદ

(કપિલા શાહ દ્વારા) શિકાગો:  શિકાગો શહેર નજીક બાર્ટલેટ ટાઉનમાં જૈન સંઘનું એક ભવ્ય અને કલાત્મક જીનાલય આવેલ છે. અને તે જૈન સેન્ટરના સંચાલકોએ ચાલુ વર્ષે મહાધીરાજ પર્યુષણ પર્વની આરાધના સુંદર રીતે થઇ શકે તે માટે આઠ  દિવસોનું ભવ્ય આયોજન કરેલ છે અને તેની આરાધન સપ્ટેમ્બર માસની છઠૃી તારીખને ગુરૂવારના રોજથી શરૂ થયેલ છે. અને તેના પ્રથમ દિવસે જૈન સેન્ટરમાં વિવિધ પ્રકારના ધાર્મિક  કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે. આ ધાર્મિક પર્વની આરાધના કરાવવા માટે ભારતથી ભદ્રબાહુજી  ખાસ શિકાગો પધારેલ છે. અને તેમની સાથે મુંબઇના સુપ્રસિધ્ધ સંગીતકાર શ્રી અનીલભાઇ ગેમાવત મુંબઇથી અત્રે પધારેલ છે. અને તેનો વિવિધ પ્રકારનાઙ્ગ ધાર્મિક કાર્યક્રમોમા ભાગ લેશે.

પર્યુષણ પર્વની આરાધનાના પ્રથમ દિવસે જૈન જિનાલય તથા સમગ્ર આરાધના ભવનના પરિસરને સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા. અને વહેલી સવારથી શ્રાવકો તથા શ્રાવિકાઓ જૈન જીનાલયમાં બિરાજમાન પ્રભુજીની મૂર્તિઓના પક્ષાલ પૂજા કરવા ઉમટી પડયા હતા.   નવયુવાન ભાઇ બહેનો તથા બાળકો પણ  પોતાના પરિવારના સભ્યો સાથે પ્રભુજીના દર્શન માટે પધાર્યા હતા. અને તેમણે  ભકિત ભાવથી મૂળનાયક ભગવાન મહાવીર સ્વામી તથા અન્ ભગવાનોની મૂર્તિઓની પણ પુજાઓ કરી હતી. ત્યારબાદ આરાધના હોલમાં સંગીતના સુરો સાથે સ્નાત્રપુજા ભણાવવામાં આવી હતી તેમા ભાઇ બહેનોએ આનંદ અને ઉલ્લાસ પૂર્વક ભાગ લીધો હતો.

પર્યુષણ પર્વની આરાધના નિમિતે સવારે ૧૧ વાગ્યે શિકાગો પધારેલા શ્રી ભદ્રબાહુજીએ  આધારના ભવનમાં  હાજર રહેલા શ્રાવકો તથા શ્રાવિકાઓના પ્રથમ  ધર્મ જે આચાર છે તે વિષયને સ્પર્શતુ પ્રવચન આપ્યુ હતુ. તેમણે પોતાન પ્રવચનમાં જણાવ્યું હતુ કે આવનારા આઠ દિવસો દરમ્યાન આપણે સૌ સાથે મળીને સામુહિક રીતે પર્યુષણ પર્વની આરાધના કરનાર છીએ  પરંતે ત આરાધના ત્યારે જ સફળ થયેલી ગણાશે કે જયારે આપણે બધા  આપણા પ્રભુ મહાવીર સ્વામીએ પોતાની સમગ્ર સાધના દ્વારા વિત્તરાગનો જે માર્ગ બતાવેલ છે તેને આપણે સૌ અનુસરીએ તેમજ આપણા જીવનમા તેને અપનાવીએ કારણ કે દરેક વ્યકિતનું તે મૂળભૂત કર્તવ્ય બની રહે છે અને તેના સમગ્ર જીવનનો આધાર તેના પર અવલંબીત છે. કારણ કે જેટલોૃ આપણો આચાર અને વ્યવહાર શુદ્ધ તેટલા પ્રમાણમાં આપણે આપણા પ્રભુ સમીપ ત્વરીત ગતિએ પહોંચી શકીશુ. તેમણેવધારામાં જણાવ્યું હતુ કે મનના પ્રદુષણોને દુર કરવાની એક મહાન તક આ પર્વ દરમ્યાન પ્રાપ્ત થાય છે. અને માનવજીવનનું શ્રેય આત્મકલ્યાણની કેડી પકડવામાં છે અને આઠ દિવસો દરમ્યાન આપણે સૌએઆ માર્ગે જ પ્રયાણ  કરવાનું રહેશે અને તેમ કરીશુ તો જ આપણે સૌ આપણું જીવન ઉન્નત બનાવી શકીશું એવુ જણાવ્યું હતુ.

તેમણે પોતાના પ્રવચનનાં  અંતમા જણાવ્યુ હતુ કે જયાં સુધી અહિંસાનુ સામ્રાજય સ્થપાશે નહી ત્યા સુધી સમાજ  તેમજ વિશ્વના દેશોમાં શાંતિ અને  સમાધિની પ્રતિષ્ઠા નહી થાય અને મહાવીર પ્રભુએ જે અહિંસા સત્ય અને દયાનો માર્ગ બતાવેલ છે તે અત્યંત ઉત્તમ માર્ગ છે અને તેને આપણે સૌએ  પોતપોતાના જીવનમાં ઉતારવાનો પ્રયાસ  કરવો જોઇએ. એવુ તેમણે પ્રવચનના અંતમાં જણાવ્યુ હતુ.

રાત્રે પણ તેમણે અભાવ અને ભાવ તેમજ અહોભાવની ઓળખ અંગે પણ પ્રવચન આપ્યુ હતુ અને સૌ શ્રાવકો તથા શ્રાવિકોઓએ શાંતિથી  સાંભળ્યુ હતુ. આવતીકાલે શુક્રવારે પર્યુષણ પર્વ એ આતમ નિરિક્ષણનું પર્વ તેમજ  રાત્રે ધર્મનો પાયો મૈત્રીભાવ એ વિષયો પર પ્રવચનો યોજવામાં આવશે.

પર્યુષણ પર્વના બીજા દિવસે શુક્રવારે સવારે ૧૧ વાગે પ્રવચન  ત્યારબાદ સ્વામીવાત્સલ્યનુ આયોજન કરવામા  આવેલ છે અને બપોરે અઢી વાગે શ્રી મુનીસુવ્રત સ્વામી ભાવ વંદનાનો કાર્યક્રમ યોજવામા આવશે અને તેમા શ્રી ભદ્રબાહુજી  તથા સંગીતકાર અનીલ ગેમાવત ભાગ લેશે.  તેમજ રાત્રે ભાવના, પ્રવચન  અને જૈન સમાજના પ્રવિત્ર ગ્રંથ કલ્પસૂત્રની ધીની બોલી બોલવામા આવશે.

જૈન સોસાયટી શિકાગોના પવિત્ર પર્વની આરાધના દરમ્યાન અનેક ભાઇ બહેનો ઉગ્ર તપશ્ચર્યાઓ કરી રહ્યા છે. જેમા પારુલબેન કેસરીચંદ શાહને  આ વર્ષે સાતમો વર્ષીતપ ચાલી રહ્યો છે તેની સાથે સાથે તેમણે એક મહીનાના ઉપવાસ જેને માસક્ષમણ કહેવામાં આવે છે તે કરેલ છે અને તેમના પરિવારના સભ્યોમા તેમના પતિ જયેશકુમાર કેસરીચંદ શાહને આજે ર૦ મો ઉપવાસ છે અને તેઓ ર૭ દિવસો સુધી ઉપવાસો કરનાર છે તથા તેમના સુપુત્રી હેમાલી ૧૬ ઉપવાસો તથા પુત્ર વિશાલ ૧૧ દિવસોના ઉપવાસો કરનાર છે. આ પરિવારના ચારેય સભ્યો ઉગ્ર તપસ્યાઓ કરી રહ્યા છે. વધારામા સુર્યાબેન મહેતાએ ૩૦ દિવસના ઉપવાસ એટલે તેને માસક્ષમણ કહેવાાં આવે છે તે કરેલ છે ગયા અઠવાડીયે જ કારોબારી સમિતિના સભ્ય હિમેશભાઇ ઝવેરીએ ૩૦ દિવસના ઉપવાસો કરીને પારણું કરેલ છે.

વિશેષમાં જૈન સોસાયટીના ટ્રસ્ટીઓ તેજસ અમ્રતલાલ શાહે સત્તારી અઠ દશ હોય વ્રત તેમજ જીજ્ઞેશ જૈને સિંહાસન તપથી આરાધના શરૂ કરેલ છે તેમજ જૈન સોસાયટીના ભૂતપૂર્વ ચેરમેન કિશોરચંદ છગનલાલ  શાહ કછોલીવાળાએ દસ દિવસના ચૌવિહાર ઉપવાસોની આરાધના શરૂ કરેલ છે તેઓ છેલ્લા દસેક વર્ષથી આ તપની આરાધના કરી રહ્યા છે.

પ્રથમ દિવસે ભગવાનની અંગ રચના સુંદર રીતે કરવામાં આવી હતી અને તેની આંગીનો લાભ જગદીશભાઇ અને વંદનાબેન શાહે લીધો હતો. જયારે આરતીનો લાભ રવિન્દ્ર અને પલ્લવી કોબાવાલા તથા અશ્વિન અને કિર્તિબાળા કોબાવાલાએ લીધો હતો.

(10:14 pm IST)