Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

કેનેડામાં યોજાયો ‘‘ગ્‍લોબલ ગુજરાતી એવોર્ડ'' સમારંભઃપાંચ દેશોના ૧૦ સુપ્રતિષ્‍ઠિત ગુજરાતીઓનું બહુમાન કરાયું

કેનેડાઃ‘‘ગ્‍લોબલ ગુજરાતી એવોર્ડ'' કેનેડાના મિસિસાગાના રેડ રોઝ કન્‍વેન્‍શન સેન્‍ટર ખાતે ૨૫મે ૨૦૧૮ના રોજ પાંચ દેશોના ૧૦ પ્રતિષ્‍ઠિત તથા સફળ ગુજરાતીઓને ગ્‍બોલ ગુજરાતી એવોર્ડથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

ગ્‍લોબલ ગુજરાતી નેટવર્ક તથા શ્રી વિપુલ જાની આયોજીત આ કાર્યક્રમમાં કેનેડા, અમેરિકા, ભારત, બ્રિટન તથા મોઝામ્‍બિકના મળી કુલ ૧૦ ગુજરાતી અગ્રણીઓનું એવોર્ડ આપી બહુમાન કરાયું હતું. જેમાં નીચે મુજબના મહાનુભાવોનો સમાવેશ કરાયો હતો.

(૧)ડો.સુધીર પરીખઃ જાણીતા એલર્જી સ્‍પેશ્‍યાલિસ્‍ટ તથા મિડીયા પબ્‍લીશર (અમેરિકા) (૨) શ્રી સુનિલ નાયકઃ સફળ હોટેલિયર તથા ચલો ગુજરાત ઇવેન્‍ટના પ્રણેતા (અમેરિકા) (૩)શ્રીએમ જી વસનજીઃ ‘‘ઓર્ડર ઓફ કેનેડા''થી સન્‍માનિત બેસ્‍ટ સેલીંગ ઓથર (કેનેડા) (૪)શ્રી હરેન શેઠઃ સુરતી સ્‍વીટ માટે (કેનેડા) (૫)ડો.વિક્રમશાહઃ ઘૂંટણના ઓપરેશન માટે વિશ્વ વિખ્‍યાત તથા શેલ્‍બી હોસ્‍પિટલના સ્‍થાપક (ભારત), (૬)ડો.દર્શિતી શાહઃ ભારતના સુવિખ્‍યાત ડેન્‍ટીસ્‍ટ (૭)શ્રી સિધ્‍ધાર્થ રાંદેરિયાઃ વિશ્વ વિખ્‍યાત ગુજ્જુભાઇ એકટર (ભારત) (૮)શ્રીનાદિર પટેલઃ ભારત ખાતેના કેનેડાના હાઇ કમિશ્‍નર (૯)શ્રી સી બી પટેલઃબ્રિટનના સૌથી જુના અને જાણીતા પબ્‍લીશર (૧૦)શ્રી રિઝવાન આડતિયાઃ આફ્રિકા તથા ભારત સહિતના દેશોમાં વ્‍યવસાય તથા સેવાકાર્યો સાથે જોડાયેલા તથા રિઝવાન આડતિયા ફાઉન્‍ડેશનના સ્‍થાપક (મોઝામ્‍બિક)

આ એવોર્ડ વિતરણ સમારંભમાં ૬ પાર્લામેન્‍ટ મેમ્‍બર તથા ૩૩૦ જેટલા અગ્રણી કોમ્‍યુનીટી મેમ્‍બર્સ હાજર રહ્યા હતા. તથા ગુજરાતીઓ ઉપરાંત નોન ગુજરાતીઓએ પણ હાજરી આપી હતી.

કાર્યક્રમમાં મનોરંજન પ્રોગ્રામ તથા શાકાહારી ભોજનની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.

(9:38 pm IST)