Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

કેશોદ નિવાસી હાલ કેન્યામાં રહેતા ચેતન વ્યાસની તેમના જ ઘરમાં હત્યા કરાઇ

પપ વર્ષના બિઝનેસમેનનો મૃતદેહ બેડરૂમમાંથી મળ્યો

કેન્યા, તા.૧: મૂળ સૌરાષ્ટ્રના કેશોદ નિવાસી હાલ કેન્યામાં રહેતા ભારતીય બિઝનેસમેનની તેમના જ ઘરમાં હત્યા કરવામાં આવી હતી. આ દ્યટના ગત મંગળવારે બની હતી. કેન્યામાં રહેતાં સીમેન્ટ ટાયકૂન ચેતન વ્યાસનો મૃતદેહ તેમના જ દ્યરમાંથી મળી આવ્યો હતો. કેન્યા પોલીસે આ ઘટનામાં ત્રણ શકમંદોમાંથી એકની ધરપકડ કરી છે અને હાલ અન્ય આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

૫૫ વર્ષના ચેતન વ્યાસનો મૃતદેહ તેમનાં ઘરનાં જ બેડરુમમાંથી મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે જયારે તેમનો મૃતદેહ મળ્યો ત્યારે તેમના હાથ-પગ બાંધેલા હતાં. કેરીકો ડેપ્યુટી પોલીસ કમાન્ડર પૌલ નાસિઓએ એક સ્થાનિક વેબસાઈટને જણાવ્યાનુસાર આરોપીઓએ ઘરના ધાબા પરથી અંદર પ્રવેશ કર્યો હતો. પૌલના જણાવ્યાનુસાર,'આરોપીઓએ ઘરના ધાબા પર રહેલી ટાઈલ્સને ઉખાડીને ઘરની અંદર પ્રવેશ કર્યો હતો. આ પછી તેઓ રસોડામાંથી બેડરુમ તરફ ગયાં હતાં. જયાં ચેતન સૂઈ રહ્યાં હતાં. આ પછી બદમાશોએ દોરડાથી તેમને બાંધ્યા અને મોતને ઘાટ ઉતાર્યાં હતાં.'

ચેતનભાઈના ભત્રીજા અમિત વ્યાસે વિદેશમંત્રી એસ.જયશંકરને ટ્વીટ કરીને મદદ માગી હતી. અમિતભાઈએ ટ્વીટ કરીને લખ્યું હતું કે,'સર મારા અંકલ જે રાય સીમેન્ટમાં કામ કરી રહ્યાં છે તેમના વિશે સમાચાર જાણવા ઈચ્છું છું.' જોકે, પરિવારને ચેતનભાઈની કશી જાણ થઈ શકે એ પહેલા જ પરિવારને દુઃખદ સમાચારની જાણકારી મળી હતી.

કેરિકો કન્ટ્રી ડેપ્યુટી પોલીસ કમાન્ડર પેટ્રિસિયા નાસિયોએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે,'ચેતનના ઘરની બહાર રહેલા CCTV ફૂટેજના આધારે ત્રણ શકમંદોમાંથી એકની ધરપકડ કરવામાં આવી છે. જેની ધરપકડ કરવામાં આવી છે તે ગાર્ડ તરીકે રાયની સીમેન્ટ ફેકટરીમાં જ નોકરી કરતો હતો. નાસિયોએ એ પણ ઉમેર્યું હતું કે, 'મૃતકનું ગળું દબાવીને હત્યા કર્યા પછી બદમાશોએ ઘરની તોડફોડ કરી હતી અને  છ થેલીઓ લૂંટી લીધી હતી. નાસીયોએ જણાવ્યું હતું કે, અમારી પાસે ચોક્કસ બાતમી નથી કે આખરે એ થેલીઓમાં શું હતું અને આ હત્યા કરવા પાછળનો હેતું શું છે?'(૨૩.૪)

(10:33 am IST)