Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

મોદીએ અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ કરાવ્યું ,હવે ઇમરાનખાન ઇસ્લામાબાદમાં કૃષ્ણમંદિર બનાવે : પાકિસ્તાનમાં તમામ ધર્મનું સન્માન કરવામાં આવે છે તે બાબત વિશ્વ સમક્ષ પુરવાર કરી બતાવો : પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની વડાપ્રધાન ઇમરાનખાનને અપીલ

ઇસ્લામાબાદ : ગઈકાલ 5 ઓગસ્ટના રોજ ભારતના અયોધ્યામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ રામમંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન કર્યું તેના અનુસંધાને પાકિસ્તાનની પીપલ્સ પાર્ટીએ ઇમરાનખાનને અનુરોધ કરતા જણાવ્યું છે કે મોદીએ અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ કરાવ્યું હવે તમે ઇસ્લામાબાદમાં કૃષ્ણ મંદિરનું નિર્માણ કરાવી હકારાત્મક અભિગમ અપનાવો
ઉલ્લેખનીય છે કે ઈસ્લામાબાદમાં એક મહિના અગાઉ કૃષ્ણમંદિરનું કાર્ય શરૂ થયુ હતું. પણ કટ્ટરવાદીઓના દબાણમાં આવી સરકારે આ કાર્ય અટકાવી દીધુ હતું.
PPPના સાંસદ મુસ્તફા નવાજ ખોખરે એક નિવેદન જારી કર્યું છે. ખોખર PPPના ચેરમેન બિલાવલ ભુટ્ટો જરદારીના પ્રવક્તા પણ છે. ખોખરે કહ્યું કે મોદીને જવાબ આપવાની જરૂર છે. માટે ઈમરાન સરકાર તાત્કાલિક ઈસ્લામાબાદમાં મંદિર નિર્માણ કાર્ય શરૂ કરાવે. આ માટે સરકારે પગલા ભરવા જોઈએ. એવી તમામ અડચણોને તાત્કાલિક દૂર કરવી જોઈએ કે જે રાજધાનીમાં મંદિર નિર્માણમાં આડે આવી રહી છે. ઈસ્લામાબાદમાં મંદિરનું નિર્માણ કરી આપણે વિશ્વને એ બાબત દર્શાવી શકશુ કે પાકિસ્તાનમાં તમામ ધર્મનું સન્માન કરવામાં આવે છે.

(12:21 pm IST)