Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

નેપાળમાં પણ રામમંદિર ભુમીપુજન મહોત્સવ ઉજવાયો : જનકપુરમાં આવેલા જાનકી મંદિરમાં અખંડ રામાયણના પાઠ કરાયા : શ્રી રામસ્તુતિ, રુદ્રાભિષેક, શોભાયાત્રા, તથા ફટાકડાની આતશબાજીથી નેપાળના નાગરિકો ભાવવિભોર

કાઠમંડુ :  ગઈકાલે ભારતના અયોધ્યામાં રામમંદિર ભુમીપુજન પ્રસંગે સીતાજીની નગરી જનકપુરમાં પણ ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો.કાઠમંડુથી 123 કી.મી.દૂર આવેલા જનકપુરના જાનકી મંદિરમાં આ તકે અખંડ રામાયણના પાઠ કરાયા હતા.શ્રી રામસ્તુતિ ,રુદ્રાભિષેક ,શોભાયાત્રા ,તથા ફટાકડાની આતશબાજી,સહિતના આયોજનોથી નેપાળના નાગરિકો ભાવવિભોર થઇ ઉઠ્યા હતા.

જાનકીમંદિર ટ્રસ્ટે કહ્યું કે મંદિરના મહંત રામ તપેશ્વર દાસ એક કિલો ચાંદીની પાંચ ઈંટ લઈને ભૂમિપૂજનમાં અયોધ્યા ગયા છે. જાનકીમંદિરમાં અખંડ રામાયણના પાઠ કરાયા. ભારતના અયોધ્યા અને નેપાળના જનકપુર વચ્ચે સદીઓ જૂનો સંબંધ છે. જાનકીમંદિરથી 2018માં વડાપ્રધાન મોદીએ નેપાળ પ્રવાસની શરૂઆત કરી હતી.

રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણના શુભારંભની ખુશી સમગ્ર નેપાળમાં મનાવાઈ. કાઠમંડુના પશુપતિનાથ મંદિરના મુખ્ય પૂજારી મૂલ ભટ્ટના નેતૃત્વમાં સંહિતા શાસ્ત્રી અર્જુનપ્રસાદ બાસ્તોલાએ રુદ્રાભિષેક કર્યો. આ ઉપરાંત અહીં પૂર્વાંચલ સરહદ નજીકના રૂપનદેહી, નવલપરાસીથી લઈને કાઠમંડુ સુધી લોકોએ આતશબાજી કરી. ગૌતમ બુદ્ધના જન્મ સ્થળ લુમ્બિનીમાં લોકોએ ઘર બહાર નીકળીને આનંદ વ્યક્ત કર્યો. અયોધ્યામાં શિલાન્યાસ થયો ત્યારે અહીં મંદિરો-ઘરોમાં શ્રીરામની સ્તુતિ કરાઈ. ત્યાર પછી શોભાયાત્રાઓ કઢાઈ અને સાંજે દીપોત્સવનું આયોજન કરાયું હતું.

(12:07 pm IST)