Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

રિસર્ચર ,ડાન્સર ,અને સિંગર ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી શર્મિષ્ઠા સેનની હત્યા : એક અશ્વેત આરોપીની ધરપકડ

હ્યુસ્ટન : હ્યુસ્ટનની ફાર્માસ્યુટિકલ કંપનીમાં રિસર્ચર તરીકે કામ કરતા 43 વર્ષીય ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી શર્મિષ્ઠા સેનની હત્યા થઇ છે.તેઓ ડાન્સર અને ગાયક તરીકે પણ જાણીતા હતા
         1 ઓગસ્ટના રોજ તેઓ પોતાના ઘરથી થોડે દૂર આવેલા  ચિશહોમ પાર્કમાં જોગિંગ પર ગયા હતા.ત્યારે તેમની હત્યા થઇ છે. આ મામલે પોલીસે એક શંકાસ્પદની ધરપકડ કરી છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. જે સમયે શર્મિષ્ઠાની હત્યા થઇ, તેના થોડા જ સમય પહેલા ઘટનાસ્થળની નજીક આવેલ એક મકાનમાં ચોરીનો પ્રયાસ થયો હતો
         મીડિયા રિપોર્ટ પ્રમાણે, સોમવારે પોલીસે તપાસ બાદ 29 વર્ષીય એક અશ્વેત યુવકની ધરપકડ કરી છે. આરોપીની નામ બાકારી એબિઓના મોન્ફ્રીક છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, બાકારીની પહેલા પણ ચોરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. જે સમયે શર્મિષ્ઠાની હત્યા થઇ, તેના થોડા જ સમય પહેલા ઘટનાસ્થળની નજીક આવેલ એક મકાનમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસને સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે. હવે તે તપાસ કરવામાં આવી રહી છે કે જે આરોપીએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો, તે જ શર્મિષ્ઠાની હત્યાનો આરોપી છે.
        પોલીસે નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ પ્રકારની ઘટના અમારા માટે મોટી ચિંતાની વાત છે. આગળ આવી ઘટના ન બને તે માટેના જરૂરી પગલાં લેવામાં આવશે. શર્મિષ્ઠા દરરોજ સવારે જોગિંગ માટે નીકળતી હતી. તેમના ભાઈ સુમિતે કહ્યું, તેઓ ખુબજ સારા સ્વાભાવના મહિલા હતા. કોઈની પણ સાથે તેઓ જલ્દીથી હળી-મળી જતા હતા. શર્મિષ્ઠાના એક મિત્ર મારિયો મેજરે કહ્યું, તેઓ ખુબ જ શાનદાર પર્સનાલિટીવાળા મહિલા હતા.
        જ્યાં શર્મિષ્ઠાની હત્યા થઇ હતી, ત્યાં બે ઝાડ વચ્ચે સ્થાનિક લોકોએ ફૂલો રાખીને શ્રદ્ધાંજલિ આપી હતી. બે મિનિટનું મૌન પણ રાખવામાં આવ્યું હતું. શર્મિષ્ઠાના પરિવારમાં બે પુત્ર અને પતિ છે.

(5:46 pm IST)