Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

" ઓલ્ડ ઇઝ ગોલ્ડ " : કારની જગ્યાએ પાછો સાયકલનો જમાનો આવ્યો : યુરોપ, અમેરિકા,સહિતના દેશોમાં સાયકલના વેચાણમાં ઉછાળો

લંડન : વર્તમાન સમયમાં કોરોના વાઇરસના કહેર વચ્ચે સોશિઅલ ડિસ્ટન્સ જાળવવા તથા ખાલી રસ્તાઓ ઉપર શાંતિથી મુસાફરી કરવા લોકો સાયકલ સવારી તરફ વળ્યાં છે. યુરોપ, અમેરિકા, સ્વિટ્ઝરલેન્ડ, બ્રિટન તથા ડેનમાર્ક જેવા ઘણા દેશોમાં  લૉકડાઉનમાં સંપૂર્ણપણે ખાલી રસ્તાએ એવા લોકોને પણ સાઇકલના શોખીન બનાવી દીધા કે જેમને તે પસંદ નહોતી.
સાઇકલની માગ વચ્ચે કાર ચલાવનારા ઘટી રહ્યા છે. ન્યૂયોર્કમાં બાઇક શેરિંગ સિસ્ટમ 67% વધી છે. સ્વિટ્ઝરલેન્ડમાં સાઇકલનું વેચાણ 171% જ્યારે ફિલાડેલ્ફિયામાં 151% વધ્યું છે. ટુ-વ્હીલરની વૈશ્વિક રાજધાની ડેનમાર્કમાં સાઇકલનું વેચાણ બે-ત્રણ ગણું વધ્યું છે. કોપનહેગનમાં ઓમનિયમ બાઇક્સના માલિક જેમ્સ રુબિન જણાવે છે કે, અમે વ્યાપારના અત્યાર સુધીનાં વર્ષોમાં હાલ સૌથી વ્યસ્ત છીએ. અમે એપ્રિલ-મેમાં જ ગત વર્ષના કુલ વેચાણથી બમણી સાઇકલો વેચી ચૂક્યા છીએ.
ઘણા દેશો નવી ટ્રાન્સપોર્ટ પોલિસી બનાવી રહ્યા છે. ઇટાલીમાં 40 હજાર રૂ. સુધીની સાઇકલ ખરીદવા પર સરકાર 60% સબસિડી આપે છે. ફ્રાન્સ પાર્કિંગ પાછળ 188 કરોડ ખર્ચશે. પેરિસમાં 650 કિ.મી.નો ટ્રેક બનશે. બ્રિટન સાઇકલ ઇન્ફ્રા પાછળ 18 હજાર કરોડ ખર્ચશે. અમેરિકાના સિએટલમાં 32 કિ.મી.નો ટ્રેક બન્યો છે. ઇટાલીના બોલોગ્નામાં 495 કિ.મી.ની સાઇકલ લેન બનશે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:12 pm IST)