Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

અમેરિકાના કેલિફોર્નિયામાંથી ચૂંટાઈ આવેલા એશિયન અમેરિકન મહિલા કોંગ્રેસ વુમન સુશ્રી યંગ કીમનું બહુમાન : હિન્દૂ જૈન ,શીખ કોમ્યુનિટી આગેવાનો ,તથા હિન્દૂ સ્વયંસેવક સંઘે સન્માનિત કર્યા

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી :  અમેરિકામાં  કેલિફોર્નિયાના 39 માં ડિસ્ટ્રીક્ટમાંથી રિપબ્લિકન ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવેલા  એશિયન અમેરિકન મહિલા કોંગ્રેસ વુમન સુશ્રી યંગ કીમનું તાજેતરમાં બહુમાન કરાયું હતું . તેમને હિન્દૂ જૈન ,શીખ કોમ્યુનિટી આગેવાનો ,તથા હિન્દૂ સ્વયંસેવક સંઘે સન્માનિત કર્યા હતા.

ઓરેન્જ કાઉન્ટી સીટની રસાકસીભરી ચૂંટણીમાં તેઓ વિજેતા થયા હતા.તેમણે વર્તમાન ડેમોક્રેટ સંસદને 1.4 ટકાના માર્જીનથી પરાજિત કર્યા હતા.યુ.એસ.કોંગ્રેસમાં ચૂંટાઈ આવેલ 3 કોરિયન અમેરિકન મહિલાઓમાં તેમણે સ્થાન હાંસલ કર્યું છે.

સન્માન સમારંભમાં એચ.એસ.એસ.ના ડો.અમિત દેસાઈએ યંગ કિમનો પરિચય આપી તેમનું સ્વાગત કર્યું હતું.એચ.એસ.એસ.ના નેશનલ વાઇસ પ્રેસિડન્ટ શ્રી વિજય સિંહાએ ઓર્ગેનાઇઝેશન દ્વારા હાથ ધરવામાં આવતી પ્રવૃતિઓ વિષે ટૂંકમાં માહિતી આપતા જણાવ્યું હતું કે વર્તમાન કોવિદ -19 સંજોગોમાં 2 લાખ 44 હજાર ફુડ ડીશનું વિતરણ કરાયું હતું.તથા યુ.એસ.ના 2 લાખ 94 હજાર મજૂરોને ફુડ પેન્ટ્રીઝનું વિતરણ કરાયું હતું.

આ તકે કોંગ્રેસ વુમન તરીકે ચૂંટાઈ આવેલા સુશ્રી યંગ કિમએ એચ.એસ.એસ.તથા હિન્દૂ કોમ્યુનિટી તરફથી મળેલા સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો.તથા ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટી સાથેના જુના સબંધો યાદ કર્યા હતા.તેમણે કોંગ્રેશનલ ઇન્ડિયા કોક્સમાં જોડાવા માટે ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટી દ્વારા કરાયેલી વિનંતીનો સ્વીકાર કર્યો હતો.તેમજ ફોરેન અફેર્સ કમિટીમાં જોડાવાની પણ પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી.જેથી ભારત અને યુ.એસ.વચ્ચેના સબંધો વધુ મજબૂત કરી શકાય.જેથી વિશ્વમાં લોકશાહીની રક્ષા માટે સંયુક્ત રીતે કામ કરી શકાય.
તેમણે યુ.એસ.તથા ભારત સાથે મળીને કઈ રીતે આતંકવાદ અને ચીન નો સામનો કરી શકે તે અંગે સમજણ આપી હતી.તેમણે સમાન વિચારધારા ધરાવતા  “Quad” ગ્રુપ તરીકે ઓળખાતા દેશો યુ.એસ.એ. ,ઇન્ડિયા ,જાપાન ,તથા ઓસ્ટ્રેલિયા સલામતી મુદ્દે કઈ રીતે સાથે મળી કામ કરી શકે તે અંગે પણ સમજણ આપી હતી.

આ તકે તેમણે બ્યુના પાર્ક ખાતે આવેલા જૈન ટેમ્પલ તથા ચિનો હિલ મુકામે આવેલા બી.એ.પી.એસ.મંદિરની મુલાકાત પણ યાદ કરી હતી.
એચ.એસ.એસ.પ્રેસિડન્ટ ડો.વિનોદ અમ્બાસ્થાએ સુશ્રી યંગ કિમનો આભાર માન્યો હતો.તથા શુભેચ્છા પાઠવી હતી.

આ તકે અનહૅમ મેયર શ્રી હેરી સિદ્ધુ ,તથા અન્ય મેયરો શ્રી નિતેશ પટેલ ,શ્રી નરેશ સોલંકી ,જૈન સેન્ટરના શ્રી જયેશ શાહ ,કોમ્યુનિટી લીડર શ્રી જશવંત પટેલ ,શ્રી અમિત નહેરુ ,બી.એ.પી.એસ.ના શ્રી દિવ્યેશ પટેલ ,શ્રી આઈ.આર.પટેલ ,શ્રી અવધેશ  અગરવાલ ,શ્રી બી.યુ.પટેલ ,શ્રી નટુ પટેલ ,શ્રી રાજુ પટેલ તથા શ્રી નાથન પૂનવાઈ ,સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

(5:30 pm IST)