Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

અમેરીકાની રીપબ્લીકન પાર્ટીના અગ્રણી અને એરીઝોનાના સેનેટર જોન મેકેનું ૮૧ વર્ષની વયે બ્રેઇન ટ્યુમરને લઇને અવસાન થતા સમગ્ર અમેરિકામાં ઘેરા શોકની લાગણીઓ પ્રસરી જવા પામી હતીઃ વોશિંગ્ટનમાં આવેલ નેશનલ કેથેડ્રલ ચર્ચમાં ૧લી સપ્ટેમ્બરના શનિવારે શ્રદ્ધાંજલી સભાનું કરવામાં આવેલું આયોજન અને તેમાં ભૂતપૂર્વ પ્રમુખો બરાક ઓબામા અને મશાલ ઓબામા, જ્યોર્જ ડબલ્યુ બુશ અને લોરા બુશ તથા બીલ કલીન્ટન તેમજ હિલેરી કલીન્ટન તેમજ હાઉસ અને સેનેટના સભ્યો તથા ભૂતપૂર્વ ઉપપ્રમુખો જો બાયડન, ડીકમેનીએ આપેલી હાજરીઃ સ્વ. જોન મેકેનની સુપ્રુત્રી મેઘન મેકેને અમેરીકાને મહાન બનાવવા માટે જે લોકો મોટા મોટા બણગા ફુંકે છે તેઓને આડે હાથ લેતા પોતાના તીખા અને તમતમતા પ્રવચનમાં જણાવ્યું હતું કે અમેરીકા દેશ ભૂતકાળમાં પણ મહાન તેમજ આજે પણ મહાન અને ભવિષ્યમાં પણ મહાન જ રહેશે એમાં જરા પણ શંકાને સ્થાન નથી

(કપિલા શાહ દ્વારા) શિકાગોઃ એરીઝોનાના રીપબ્લીકન પાર્ટીના સેનેટર જોન મેકેનનું ઓગષ્ટ માસની ૨૫મી તારીખ, શનિવારે પોતાના નિવાસસ્થાને અચાનક રીતે નિધન થતા સમગ્ર અમેરીકામાં વસવાટ કરતા તમામ રહીશોમાં ઘેરા શોકની લાગણીઓ પ્રસરી જવા પામી હતી. વોશિંગ્ટન ડીસીમાં આવેલ નેશનલ કેથેડ્રલ ચર્ચમાં તેમને શ્રદ્ધાંજલી અર્પવાનો એક કાર્યક્રમ પહેલી સપ્ટેમ્બરના શનિવારના રોજ યોજવામાં આવ્યો હતો. આ વેળાએ અમેરીકાના ભૂતપૂર્વ પ્રમુખોમાં બરાક ઓબામા અને મશાલ ઓબામા, જ્યોર્જ ડબલ્યુ બુશ અને લોરા બુશ, બીલ કલીન્ટન તથા તેમના પત્ની હિલેરી કલીન્ટન, ભૂતપૂર્વ ઉપપ્રમુખો જો બાયડન, તથા એલગોર અને ડીકરોની તેમજ ભૂતપૂર્વ સેક્રેટરી ઓફ સ્ટેટ હેનરી કિસિન્જર, સ્પીકર પૌલ રાયન તેમજ ડેમોક્રેટીક પાર્ટીના સેનેટ તથા હાઉસના નેતા ચક શ્યુમર અને નેન્સી પલોસી અને હાઉસ તથા સેનેટના રિપબ્લીકન પાર્ટીના નેતાઓ કેવીન મેકાર્થી તેમજ મીમ મેસેનલ તથા તમામ સેનેટરો તથા હાઉસના પ્રતિનિધિઓ અને શુભેચ્છકોએ મોટી સખ્યામાં હાજરી આપી હતી અને આ વિશાળ ચર્ચ માનવ મહેરામણથી ઉભરાઇ જવા પામ્યુ હતું અને પોતાના લોકલાડીલા સેનેટર જોન મેકેનને શ્રદ્ધાંજલી અર્પી હતી.

આ પ્રસંગે ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ સ્વ. સેનેટર જોન મેકેનને ભાવભીની શ્રદ્ધાંજલી અર્પતા પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, આજે આપણે સૌ એક અસાધારણ વ્યકિતની ઉજવણી કરવા માટે એકત્રિત થયા છીએ. આ માનવી એક વ્યકિતની સાથે સાથે એક અજોડ યૌદ્ધા, મુત્સદ્દી અને તેની સાથોસાથ એક મહાન દેશભકત હતા. તેમણે પોતાના પ્રવચનમાં ૨૦૦૮ની સાલમાં થયેલ અમેરીકાના પ્રમુખની ચૂંટણીનો આડકતરો ઉલ્લેખ પણ કર્યો હતો અને તેમાં બંને જણા એકબીજાના પ્રતિસ્પર્ધી હતા. જેમાં બરાક ઓબામાએ તેમને પરાસ્ત કર્યા હતા. પરંતુ ત્યારબાદ જોન મેકેને આ દેશની એક દેશભકત તરીકે સેવા કરી તે અમેરીકાના ઇતિહાસમાં એક સુવર્ણ અક્ષરે અંકીત થશે એવું તેમણે વધારામાં જણાવ્યુ હતું.

ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ પોતાના પ્રવચનમાં વિશેષમાં જણાવ્યુ હતું કે તેમણે અમોને વધુ સારા પ્રમુખો બનાવ્યા હતા. અને સેનેટમાં પણ સુંદર કામગીરી તથા કાર્યવાહી કરીને તેને પણ વધુ યશસ્વી બનાવવામાં તેમનો અમુલ્ય ફાળો હતો. અને તેની સાથે સાથે તેમણે અમેરીકા દેશને પણ વૈશ્વિક સ્તરે મહાન દેશ બનાવ્યો હતો. અમેરીકાના પ્રમુખપદની ચૂંટણીમાં અમો બંને એકબીજાના પ્રતિસ્પર્ધીઓ હતા અને તેમનું અમેરીકાના પ્રમુખપદનું સ્વપ્ન રોળાઇ જતા મારા પ્રત્યે લેશમાત્ર દ્વેષભાવ રાખ્યો ન હતો અને તેમણે મને તેમની અંતિમક્રિયામાં બોલવા માટે આમંત્રિત કરવા અંગે ફોન કરતા હું આશ્ચર્યમાં પડી ગયો હતો. મેં તરત જ તેમના આમંત્રણનો સ્વીકાર કર્યો હતો. કારણ કે તેમાં તેમની ઉચ્ચ ભાવનાનો મોટો હિસ્સો હતો.

તેમણે પોતાના પ્રચવનમાં એમ પણ જણાવ્યું હતું કે વ્હાઇટ હાઉસમાં હું અવરનવાર તેમની સાથે દેશ અને વિશ્વને સ્પર્શતા પ્રશ્નોની ચર્ચાઓ કરતો હતો અને તેમની રજુઆતને શાંતિથી સાંભળતો હતો. આ દરમ્યાન અમારી વચ્ચે ઘણા મતભેદો પણ ઉત્પન્ન થતા હતા પરંતુ મારા દૃષ્ટિકોણથી તેમને સમજાવતા તેઓ મારી વાત સાથે સહમત થતા હતા જે મારા માટે અતિ મહત્વની બીજા હતી. અને તેથી હું તેમનો અત્યંત પ્રશંસક બની રહેવા પામ્યો હતો.

બરાક ઓબામાએ પોતાના પ્રવચનના અંતમાં જણાવ્યું હતું કે, કેટલાક સિદ્ધાંતો રાજનીતિથી આગળ છે અને કેટલાક મુલ્યો પક્ષથી પણ દૂર છે. આ અંગે તેમણે હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ગર્ભિત ઠપકો પણ આપ્યો હતો. કારણ કે તેમણે રાજકીય ધારાધોરણના ભંગ માટે ટીકાઓ પણ કરી હતી. અને આ બીજા સેનેટર જોન મેકેન સારી રીતે સમજી ગયા હતા કે તે સંસ્થાઓ, તે નિયમો અને તે ધોરણે એ છે કે આપણને તે એક સુતરના તાંતણે બાંધી રાખે છે.

તેમણે પ્રવચનમાં અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રની આકરી ટીકામાં જણાવ્યું હતું કે, તે એક રાજકારણ છે જે બહાદુર અને ખડતલ હોવાનો ઢોંગ કરે છે. પરંતુ વાસ્તવિક રીતે ભયમાં જ જન્મ લે છે. બરાક ઓબામાએ સેનેટર મેકેનની રાષ્ટ્રની કરેલી સેવાઓને મુકતકંઠે વખાણી હતી અને તેમના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.

આ શ્રદ્ધાંજલીના કાર્યક્રમમાં બીજા વકતા તરીકે ભૂતપૂર્વ પ્રમુખ જ્યોર્જ ડબલ્યુ બુશે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે કેટલાક લોકોના જીવન એટલા આબેહુબ હોય છે કે તેમના અંતની ઘડીઓ અત્યંત મુશ્કેલ બની જવા પામે છે. તેમની ગેરહાજરી શકિતશાળી ગર્જના બાદ મૌન જેવી મૂર્ત બની જાય છે.

ભૂતપૂર્વ પ્રમુખ જ્યોર્જ બુશે વધારામાં જણાવ્યું હતું કે અમારી વચ્ચે પ્રમુખપદના પદ માટે અતિ કડવાશ હશી પરંતુ સમય જતા આ કડવાશ મૈત્રીમાં પરિણમી હતી અને તે મારા માટે મેકેન તરફથી એક મહાન ભેટ હતી. આ પળ અંગે તેમનો જેટલો આભાર માનુ તેટલો ઓછો છે.

પ્રવચનના અંતમાં જ્યોર્જ બુશે જણાવ્યું હતું કે, સેનેટર જોન મેકેનના પ્રસ્થાન માટે વિશ્વનું કદ ઘણુ નાનું પડશે પરંતુ અમેરીકા તેમને યાદગાર, અવિશ્વસનીય, અજેય તરીકે હરહંમેશ યાદ કરશે.

રીપબ્લીકન પાર્ટીના સેનેટર સ્વ. જોન મેકેનને શરૃઆતમાં શ્રદ્ધાંજલી અર્પણ કરતા તેમના પુત્રી મેઘન મેકેને પોતાના તીખા શબ્દોમાં હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ લીધા વિના તેમની સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે યુ.એસ. નેતાને યુદ્ધના હિરો અને રાજદ્વારી વ્યકિત તરીકે જણાવવાના બદલે તે માણસ સામે હલકટભર્યા શબ્દોનો ઉપયોગ કરવા બદલ તેમને આડેહાથે લીધા હતા. મારા પિતાએ અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની દેશના હિતાર્થે ટીકા કરી હશે પરંતુ તેમની સાથે કોઇપણ પ્રકારની દુશ્મનાવટ કે દુઃખની રહસ્યની કોઇ પ્રવૃત્તિ કરી હોય ડોનાલ્ડ ટ્રમ્પે મારા પિતાશ્રીની જાહેરમાં ઠેકડી ઉડાડેલી હતી તે જગજાહેર છે.

તેમણે પોતાના પ્રવચનમાં વિશેષમાં જણાવ્યું હતું કે, હાલમાં કેટલા લોકો અમેરીકાને મહાન બનાવવા માટે જોરશોરથી મોટા મોટા બણગા ફુંકે છે પરંતુ અમેરીકા સમગ્ર વિશ્વમાં પહેલા મહાન હતું અને આજે પણ તે મહાન છે અને ભવિષ્યમાં પણ તે મહાન  રહેશે એવું તેમણે પોતાના પ્રવચનના અંતમાં જણાવ્યું હતું.

આ શ્રદ્ધાંજલી સભામાં અમેરીકાના પ્રમુખની સુપુત્રી ઇવાન્કા ટ્રમ્પ તથા તેમના પતિએ હાજરી આપી હતી. તથા ચીફ ઓફ સ્ટાફના જોન કેલી તથા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જ્હોન બોલ્ટને પણ હાજરી આપી હતી. ત્યારબાદ બીજા દિવસે મેરીલેન્ડમાં આવેલ નેવલ એકાડમીની એમેટ્રીમાં તેમની અંતિમવિધી કરવામાં આવી હતી તે વેળા તેમના પરિવારના સભ્યો તેમજ અંગત આમંત્રિતોએ જ હાજરી આપી હતી.

(9:06 pm IST)