Gujarati News

Gujarati News

News of Sunday, 1st July 2018

અમેરિકાના ન્યુજર્સીમાં ૨૯ જુનથી ૮ જુલાઇ ૨૦૧૮ દરમિયાન VYOના ઉપક્રમે દસ દિવસિય મહોત્સવઃ યુવા વૈશ્નવાચાર્ય પૂજયશ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાએલા મહોત્સવમાં દેશ વિદેશોમાંથી હજારો વૈશ્નવો ઉમટી પડશેઃ શ્રી રમેશભાઇ ઓઝાના વ્યાસાસને શ્રીમદ ભાગવત કથાનું આયોજનઃ ૬ થી ૮ જુલાઇ ૨૦૧૮ દરમિયાન આંતર રાષ્ટ્રિય વૈશ્નવ સંમેલનઃ સંતો તથા વિદ્વાનોની ઉપસ્થિતિ સાથે ખુલ્લા મુકાનારા સંમેલનમાં યુથ શિબિર, સેવા શિબિર, યોગા, મેડીટેશન, પૂજયશ્રીના વચનામૃત,સાંસ્કૃતિ કાર્યક્રમો તથા સાંઇરામના ડાયરા સહિત વિવિધ કાર્યક્રમોની વણઝાર

 

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.માં ન્યુજર્સી કન્વેન્શન એન્ડ એક્ષપોઝીશન સેન્ટર, ૯૭, સનફિલ્ડ એવ એડિસન, ન્યુજર્સી મુકામે ૨૯ જુનથી ૮ જુલાઇ ૨૦૧૮ દરમિયાન ૧૦ દિવસિય મહોત્સવનું આયોજન કરાયું છે.

વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન VYO USA ના ઉપક્રમે યુવા વૈશ્નવાચાર્ય પૂજયશ્રી વ્રજરાજકુમારજી મહોધ્યશ્રીની પ્રેરણાં, માર્ગદર્શન તથા અધ્યક્ષતામાં યોજાનાર આ મહોત્સવ અંતર્ગત પૂજય રમેશભાઇ ઓઝાની કથા સાથે પૂજયશ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના વચનામૃતનો પણ લાભ મળશે દરરોજ ઠાકોરજીના વિશેષ ઉત્સવની ઝાંખીના પણ દર્શન થશે તથા વિશાળ ગિરિરાજબાવાનું પણ નિર્માણ થશે.

મહોત્સવ અંતર્ગત ૬ થી ૮ જુલાઇ ૨૦૧૮ દરમિયાન દ્વિતિય આંતરરાષ્ટ્રિય વૈશ્નવ અધિવેશન યોજાશે. ૬ જુલાઇ શુક્રવારના રોજ બપોરે ૪ વાગ્યાથી ખુલ્લા મુકાનારા આ અધિવેશનમાં શ્રી રમેશભાઇ ઓઝા, શ્રી હરિપ્રસાદ સ્વામીજી સોખડા શ્રી બ્રહ્મવિહારી સ્વામીજી BAPS, શ્રી જશભાઇ સાહેબ અનુપમ મિશન, પૂજયશ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતીજી, પૂજય અવિચલદાસજી મહારાજશ્રી સારસા, પૂજય આચાર્ય ડો.લોકેશ મુનિજી તથા પૂજય સાધવી ભગવતી સરસ્વતીજી હાજરી આપશે.

ત્રિદિવસિય અધિવેશન દરમિયાન યુથ શિબિર, સેવા શિબિર યંગસ્ટર્સ આયોજીત સાંસ્કૃતિક કાર્યક્રમો, તેમજ યોગા, મેડીટેશન સહિતના આયોજનો કરાયા છે ઉપરાંત અગ્રણી સુપ્રસિધ્ધ વકતાઓ સુશ્રી કાજલ ઓઝા વૈદ્ય, શ્રી હિમાદ્રીસિંહા, ડો.પ્રશાંત ભીમાણી, સહિતનાઓના વકતવ્યોનો લાભ મળશે. ત્રણે દિવસ સુપ્રસિધ્ધ તેવા સાંઇરામના ડાયરાનું પણ આયોજન કરાયું છે.

કાર્યક્રમોમાં શામેલ થવા પાસની વ્યવસ્થા કરાઇ છે જેે મુજબ પ્રિફર્ડ સેકશન પાસ ૮૪ ડોલર, રેગ્યુલર પાસ ૫૦ ડોલર તથા સ્ટુડન્ટ પાસ માટે ૧૫ ડોલરની ન્યોચ્છાવર રકમ નક્કી કરાઇ છે.

દસ દિવસિય મહોત્સવમાં દરરોજ પ્રસાદ સેવા માટે ૨૧૦૦ ડોલર, બેઠકજી સેવા માટે ૧૦૦૦ ડોલર, જલસેવા માટે ૧૦૦૦ ડોલર તથા શ્રી ભાગવત પોથીજી સેવા માટે ૧૦૦૦ ડોલર ન્યોચ્છાવર રકમ નક્કી કરાઇ છે.

મહોત્સવમાં ૫ થી ૧૦ વર્ષ સુધીની ઉંમરના બાળકો માટે, તેમજ ૧૧ થી ૧૭ વર્ષ સુધીની વયના તરૃણો માટે, તથા ૧૮ થી ૨૯ વર્ષ સુધીની ઉંમરના યુવાનો માટે તેમજ ૩૦ વર્ષથી વધુ વયના લોકો માટે વિવિધ કાર્યક્રમોના આયોજનો કરાયા છે જેમાં પૂજય જે જે સાથે વાર્તાલાય, રમત ગમત તથા મનોરંજન, ફેન્સી ડ્રેસ સ્પર્ધા, યોગા એન્ડ મેડીટેશન, સાયન્સ ઓફ હિન્દુઝમ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સંત સંમેલન, સુશ્રી કાજલ ઓઝા વૈદ્ય સાથે સંવાદ, વલ્લભ કુળ સાથે સંવાદ તથા ધાર્મિક પ્રવચનનો લહાવો, સોશીઅલ નેટવર્કીગ, તથા પરસ્પર ચર્ચાઓ સહિતના આયોજનોનો સમાવેશ થાય છે. તેવું શ્રી ગોવિંદ શાહ દ્વારા જાણવા મળે છે.

(10:11 am IST)