Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

ફેડરેશન ઓફ જૈન એસોસીએસન ઇન નોર્થ અમેરીકાનું વીસમું દ્વિવાર્ષિક અધીવેશન આગામી જુલાઇ માસની ચોથી તારીખથી સાતમી જુલાઇ દરમ્યાન કેલીફોર્નિયાના ઓન્ટેરીઅયો કન્વેન્સન સેન્ટરમાં યોજાશેઃ સમગ્ર અમેરીકામાંથી ૨૪૦૦ જેટલા ભાઇ-બહેનોએ પોતાના નામોનું રજીસ્ટ્રેશન કરાવ્યું: જૈનાના કન્વીનર મહેન વાધર તથા કો-કન્વીનર ડો. નિતિન શાહે શિકાગોમાં મિડિયાના પ્રતિનિધિઓને કરેલું સંબોધનઃ આ વર્ષે અનોખી ભાત પાડનારૃં ઓન્ટેરીયોનું જૈનાનું અધિવેશન બની રહેશેઃ અદ્યતન જૈન મંદિર તૈયાર કરવામાં આવશે

(અમારા પ્રતિનિધિ કપિલા શાહ દ્વારા) શિકાગો : ફેડરેશન ઓફ જૈન એસોસીએસન ઓફ નોર્થ અમેરીકા કે જે સમગ્ર અમેરીકામાં જૈનાના હૂલામણા નામે ઓળખાય છે તેનું વીસમું દ્વિવાર્ષિક અધિેશન આવતા જુલાઇ માસની ૪થી તારીખથી ૭મી જુલાઇ એમ ચાર દિવસના સમયગાળા દરમ્યાન કેલીફોર્નિયા નજીક આન્ટેરીયો કનવેન્સન સેન્ટરમાં યોજાનાર છે તે અંગેની વિસ્તૃત માહિતી આપવા માટે ફેબ્રુઆરી માસની ૧૭મી તારીખને રવીવારે જૈન સોસાયટી ઓફ મેટ્રો પોલીસટન શિકાગોમાં જૈના કન્વેન્સનના કન્વીનર મહેશ વાધર અધર્ન કેલીફોર્નિયા તથા ફર્સ્ટ વાઇસ પ્રેસીડન્ટ ઓફ જૈના તેમજ કો-કન્વીનર ડો. નિતિન શાહ લોસએન્જલસના પધાર્યા હતા અને તેમણે કન્વેન્સન અંગે શિકાગોની સોસાયટીના સભ્યો તથા સ્થાનિક પત્રકારોને પણ સંબોધન કર્યુ હતું.

જૈન સોસાયટી ઓફ શિકાગોમાં યોજવામાં આવેલ પત્રકાર પરિષદમાં સૌ પ્રથમ જૈનાના મિડિયા વિભાગના અગ્રણી દિપક દોશી તથા આ વિભાગના કો-કન્વીનર હેમંત શાહે હાજર રહેલા મિડિયાના પ્રતિનિધિઓને આવકાર આપ્યો હતો અને તેમણે ઓન્ટેરીયોના કન્વેન્સન સેન્ટરમાં જૈનાનું જે ૨૦મું દ્વિવાર્ષિક યોજાનાર છે તે અંગે આછેરો ખ્યાલ આપ્યો હતો અને આ વર્ષે આ અધિવેશન એક નવીન પ્રકારની ભાત પૂરી પાડશે એવું તેમણે વધારામાં જણાવ્યું હતું.

આ પ્રસંગે સધર્ન કેલીફોર્નિયા જૈન સેન્ટરની અગ્રણી અને જૈનાના કન્વીનર મહેશ વાધરે મિડિયાના પ્રતિનિધિઓને જણાવ્યું હતું કે આગામી જુલાઇ માસમાં જે કન્વેનસન યોજાનાર છે તેમાં આગામી ૨૧મી સદીમાં જૈન ધર્મની ઉજવણી શાનદાર રીતે થઇ શક એ મુખ્ય હેતુને પ્રાધાન્ય આપીને આ અધીવેશનનું આયોજન કરવામાં આવેલ છે. અત્યારે આ અધીવેશનમાં સમગ્ર અમેરીકામાંથી ૨૪૦૦ જેટલા સભ્યોએ પોતાના નામોનું રજીસ્ટ્રેશન કરાવેલ છે અને તેઓ આવતા જુલાઇ માસમાં આ અધીવેશનમાં હાજરી આપશે અને વિદાય વેળાએ આત્મસાત પ્રત્યેની સફર શરૂ કરવા માટે શિક્ષણ, મનોરંજન અને પ્રેરણા સાથે જૈનાની એક અનોખી છાપ પોતાની સાથે જીવનના સંભારણા રૂપ લઇ જશે એવું તેમણે અંતમાં જણાવ્યું હતું.

જૈનાના કો-કન્વીનર અને લોસએન્જલસ જૈન સેન્ટરના અગ્રણી ડો. નિતિન શાહે આ પ્રસંગે જણાવ્યું હતું કે જૈનાના અધીવેશનને સફળ બનાવવા માટે છેલ્લા એક વર્ષથી વોલેન્ટીઅર ભાઇ-બહેનો સતત પ્રમાણમાં ભારે પરિશ્રમ કરી રહ્યા છે અને ગયા વર્ષના ઓકટોબર માસમાં આ ભાઇ-બહેનો ઓન્ટેરીયોના કન્વેનસન સેન્ટરમાં એકત્રિત થયા હતા અને ભીન્ન-ભીન્ન પ્રકારની કમીટીઓમાં જોડાઇને અધીવેશનને સફળ બનાવવા માટે થનગની રહ્યા હતા. જૈનાના અધીવેશનમાં આ વર્ષે અમો સૌના સહીયારા પ્રયાસોથી એક જીન મંદિર તેમજ ૨૪ તીર્થંકરોની પ્રતિમા સહિત એક ભોમતિ પણ તૈયાર કરવામાં આવનાર છે અને વીસ વર્ષના ઇતિહાસમાં આવું સૌ પ્રથમ વખત જ જૈન મંદિર તૈયાર કરવામાં આવશે જે અનેરા પ્રકારનું હશે એવું તેમણે અંતમાં જણાવ્યું હતું.

જૈન સોસાયટી શિકાગો બોર્ડ ઓફ ટ્રસ્ટી ચેરમેન અતુલ શાહે આ વેળા જણાવ્યું હતું કે લોસ એન્જલસને બાદ કરતા શિકાગો આ કન્વેનસનમાં રજીસ્ટ્રેશનમાં બીજા નંબરે આવે અને ભૂતકાળના કન્વેનસનમાંથી અમે ઘણું બધુ શીખ્યા છીએ અને તેમાં થયેલી ભૂલો આ અધીવેશનમાં ન બને તેની સતત પ્રમાણમાં કાળજી લેવામાં આવશે એવું તેમણે જણાવ્યું હતું. આ વેળા શિકાગોના બોર્ડ ઓફ ટ્રસ્ટીના વાઇસ ચેરમેન હિતેશ શાહે જણાવ્યું હતું કે ચાર દિવસના સભ્ય દરમ્યાન દરેક ભાઇ-બહેન તથા યુવાનોને તેમની રૂચિ પ્રમાણેનું ભોજન પિરસવામાં આવશે કે જેથી તમામ લોકો તેનો આનંદ માણી શકે. ભૂતકાળના અધિવેશનોમાંથી અમો ઘણું બધુ શીખ્યા છીએ અને તેનું પુનરાવર્તન ન થાય તેની સતત પ્રમાણમાં કાળજી રાખીશું. શિકાગો સોસાયટીના સેક્રેટરી પિયુષ ગાંધીએ જૈના કનેકટ નામના પ્રોગ્રામથી વિગતે માહિતી આપી હતી. જેમાં જૈન સમાજના નવયુવાનો અને યુવતિઓનું મીલન યોજવામાં આવશે અને તેમાં પોતાની પસંદગીને ખાસ પ્રાધાન્ય આપવામાં આવશે.

જૈનાના આ વીસમા દ્વિવાર્ષિક અધીવેશનમાં કોંગ્રેસ વુમન તુલસી ગબ્બાર્ડ, પીપલ્સ ફોર એથીકલ ટ્રીટમેન્ટના પ્રમુખ ઇન્ગ્રીડ ન્યુકિર્ક, ફીલીપ વોલન, ઇસ્કોનના અગ્રણી ગૌર ગોપાલદાસ, નિપુણ મહેતા તેમ જૈન સાધુ અને સાધ્વીઓ હાજરી આપશે. વધારામાં વિરાયતનના ચંદનજી, આચાર્ય લોકેશ મુનીજી, આચાર્ય નમ્રમુનીજી (વિડિયો કોન્ફરન્સ દ્વારા), ગુરૂદેવ રાકેશભાઇ ઝવેરી, સમણ શ્રુતપ્રજ્ઞજી પણ આ અધીવેશનમાં હાજરી આપશે.

શિકાગો જૈન સોસાયટીના પ્રમુખ વિપુલ શાહે જૈન ગોટ પ્લેન્ટ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ અધિવેશનમાં દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ રાસ-ગરબા અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

જૈનાની સ્થાપના સને ૧૯૮૧માં કરવામાં આવી હતી અને તેના પ્રણેતા ગુરૂદેવ ચિત્રભાનુજી તથા સ્વ. સુશીલ મુનીજી હતા અને તે વેળા સમગ્ર અમેરીકામાંથી ૨૧ જૈન સંઘો આ ફેડરેશનમાં જોડાયા હતા અને દિન-પ્રતિદિન તેમાં વધારો થતા આજે તેની સભ્ય સંખ્યા ૭૧ જેટલી થવા જાય છે.

 

(7:19 pm IST)