Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

ફંડામેન્ટલ્સ પર સવાર સોનાની વર્ષાંત તેજીને નવા ઇંધણ મળ્યા

મુંબઇ : અચોક્ક્સ જાગતિક રાજકારણથી પ્રેરિત રોકાણકારોની નવેસરથી સેફ હેવન બાઈંગ, શોર્ટ કવરીંગ (વેચાણ કાપણી) અને નબળા ડોલર જેવા ફંડામેન્ટલ્સ પર સવાર સોનાની વર્ષાંત તેજીને નવા ઇંધણ મળ્યા છે. આગામી સપ્તાહોમાં આ તેજીને ક્રુડ ઓઈલમાંથી પણ હુંફ મળવાની છે. ૧૧ ડિસેમ્બરે સોનાએ ૧૨૩૮ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ)ની બોટમ બનાવી તેજીની વાટ પકડી છે. મંગળવાર સુધી સતત આઠ સત્રની સીધી તેજી પછી નફાબુકીંગ શરુ થયું હતું. ૨૦૧૧ના મધ્ય પછી આ પહેલી વખત આટલા દિવસો એકધારી તેજી ચાલી હતી. ૨૦૧૭મા સોનાના ભાવ ૧૪ ટકા જ્યારે એકલા ડીસેમ્બરમાં ૩ ટકા વધ્યા હતા.

યુએસ ફેડરલ રીઝર્વની ડીસેમ્બર મીટીંગમાં ૦.૨૫ ટકા વ્યાજ વધારવાનું નક્કી થયું હતું, તેની મીનીટસ જાહેર થયા પછી સોનુ વાયદો ગુરુવારે ઘટીને ઇન્ટ્રાડેમાં ૧૩૦૭ ડોલર થયો હતો. મીનીટસ પછી ડોલર મજબુત થશે, એવી માન્યતાને લીધે સોનું ઘટ્યું હતું. ૨૦૧૭મા કરન્સી બાસ્કેટનો સ્પોટ ઇન્ડેક્સ ૮.૫ ટકા ઘટ્યો હતો. સીઓટી (કમીટમેન્ટ ઓફ ટ્રેડ)નો તાજો અહેવાલ સૂચવે છે કે સટ્ટોડીયાઓએ તેમના તેજીના ઓળિયા વધારીને ૧૦૭,૮૦૦ કોન્ટ્રેક્ટ કર્યા છે જે ૪૦ ટકાનો વધારો દર્શાવે છે. બુધવારે એક તબક્કે સોનાના ભાવ ૧૪ સપ્ટેમ્બર પછી પહેલી વખત ૧૩૨૧.૩૩ ડોલરની નવી ઉંચાઈએ પહોચ્યા હતા.

મંગળવારે એક તબક્કે ડોલર ઇન્ડેક્સ ત્રણ મહિનાની બોટમે ૯૧.૫૩ પોઈન્ટ ક્વોટ થયો હતો. જો ડોલર વધુ નબળો પડશે તો વિદેશી રોકાણકારો, ડોલર ટર્મમાં જેના સોદા થાય છે, તેવી કોમોડીટી ખાસ કરીને સોના તરફ વધુ આકર્ષિત થશે. ૨૦૦૩ પછી પહેલી વખત ડોલર ૨૦૧૭મા સૌથી વધુ નબળો પડ્યો હતો. સોનાના માધ્યમગાળાના સંકેતો હકારાત્મક તેજીના છે. અત્યારની ઘડીએ રોકાણકારો ફુગાવા વૃદ્ધિની અપેક્ષાએ સોદા કરી રહ્યા છે. તેઓ એવો પણ આશાવાદ સેવી રહ્યા છે કે શેરબજારની તેજીના વળતા પાણી થશે અને તે નાણા સોના સહીત કોમોડીટી બજારમાં પરત આવશે.

સોનાએ ૧૩૦૦ ડોલરની સપાટી કુદાવી હોઈ રોકાણકારોએ મોમેન્ટમ સોદા કરીને ટૂંકાગાળાની તેજીમાંથી નફો ગાંઠે બાંધવાના પ્રયાસ કરવા જોઈએ. શક્ય છે કે તેનાથી બજારને સપોર્ટ મળે, જ્યારે ૧૩૪૦ ડોલરનું નજીકનું સપોર્ટ  લેવલ છે અને શક્યતા એવી દર્શાવાય છે કે પ્રથમ ત્રિમાસિકમાં ભાવ ૧૪૦૦ ડોલરે પહોચી જાય. ફીબોનાસી રેશિયો એનાલીસીસ સૂચવે છે કે સોનામાં વેવ પેટર્ન થીયરી અમલી બની છે, સ્પોટ સોનામાં ૧૩૨૬ ડોલરનું રેસીસટન્ટ બ્રેક થતા, વર્તમાન ત્રિમાસિકમાં જ ૧૩૮૦ ડોલરના રેસીસટન્ટને લક્ષ્યાંક બનાવવામાં આવશે.

ફાયનાન્સીયલ એનાલીસ્ટો હવે યુરોઝોનની ઈકોનોમી અને વેપાર બાબતે વધુ આશાવાદી બન્યા છે. ટ્રેડરો એ પણ જોવા માંગે છે કે અમેરિકન ટેક્સ રીફોર્મ ઇકોનોમીને કેટલો સહારો આપે છે. બીજી તરફ જાગતિક શેરબજારમાં આગળ વધતી તેજીએ સોનાની તેજીને બ્રેક મારીને રાખી છે. અમેરિકન ડાઉ જોન્સની તેજીને એસએન્ડપી ૫૦૦ અને નાસ્દાક પણ ફોલો કરે છે. ફેડ પોલીસીમેકરોનું માનવું છે કે ૨૦૧૮મા ત્રણ વખત વ્યાજ વૃદ્ધિ કરવામાં આવશે. વિશ્વની અન્ય સેન્ટ્રલ બેન્કોએ પણ તેમની મોનિટરી પોલીસી ટાઈટ કરવી શરુ કરી દીધી છે. યુરોપીયન સેન્ટ્રલ બેંક આ મહિનાથી જ તેની એસેટ્સ પર્ચેઝ યોજનાને અમલી બનાવશે.

પ્રેસિયસ માર્કેટ ઐતિહાસિક રીતે તેજી અને મંદીની સાયકલ આવતી રહે છે, લાંબાગાળાની મંદી પછી મોટી તેજી પણ જોવાતી હોય છે. બિત્કોઇનનો ઉદય થયા પછી તેને કોમોડીટી બજારમાં ગેમચેન્જર તરીકે જોવામાં આવતું હતું, પણ કીમતી ધાતુમાં હજુ સુધી તો આવું કઈ જોવાયું નથી.  આ આર્ટીકલના લેખક શ્રી ઇબ્રાહીમ પટેલ commoditydna.com વેબસાઇટના અેડિટર કે જે ગુજરાતી, હિન્‍દી, અને અંગ્રેજી અેમ ત્રણ ભાષામાં અપલોડ થતી વિશ્‍વની અેકમાત્ર કોમોડીટી ‌રીસર્ચ વેબસાઇટ છે. તેઓ ૩૬ વર્ષથી કોમોડીટી બજારના જર્નાલીસ્‍ટ છે.

(9:51 pm IST)