Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

સેવાયોગને જ મુકિત કહે છેઃ પૂજ્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજીનું અમેરિકામાં પેન્સિલ્વેનિયા મુકામે ડો. વિજયભાઇ ધડુકના નિવાસ સ્થાને વ્યાખ્યાન

 (દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ SGVP છારોડીના અધ્યક્ષ પૂજ્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી અમેરિકા ખાતે સત્સંગ વિચરણ કરતા કરતા પેન્સિલવેનિયામાં ડૉ.વિજયભાઇ ઘડુકના ઘરે પધાર્યા હતા. તેમના વિશાળ આવાસમાં સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક નામાંકિત ડૉક્ટરો શ્રી અરૃણભાઇ શીંગાળા, ડૉ. ભૂપેન્દ્રભાઇ પટેલ, ડૉ. સમીરભાઇ પંચોલી, ડૉ. પ્રવિણભાઇ પટેલ, ડૉ. હોલા, ડૉ.સુમનભાઇ પટેલ, ડૉ. કિશોરભાઇ વેકરીયા, ડૉ. નરેન્દ્રભાઇ ધડુક, ડૉ. દીપ્તીબેન પંચોલી, રંજનબેન ધડુક, અંજુબેન વેકરીયા, નયનાબેન પટેલ, ડૉ. મીનાબેન દેસાઈ, ધર્મિષ્ઠાબેન પટેલ વગેરે ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, જગતના કેટલાંક ધર્મો માત્ર પોતાના અનુયાયીઓની જ સેવા કરવાનું શીખવે છે, કેટલાંક ધર્મો માત્ર માનવ સેવાની જ વાત કરે છે. જ્યારે ભારતના મહાન ઋષિઓએ પ્રાણીમાત્રની સેવા કરવાનો મંગલ સંદેશ આપ્યો છે. એટલે જ આપણે ત્યાં ન માત્ર માનવ, પરંતુ પ્રાણીમાત્રની સેવા થાય છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ સેવાયોગને જ મુક્તિ કહે છે. આવી સેવાથી જ આપણા દિલમાં સંતોષ અને સાચો આનંદ થાય છે. ગુરુકુલની વિવિધ સેવાપ્રવૃત્તિઓ ભગવાન શ્રી સ્વામિનારાયણના સર્વજીવહિતાવહ મંગલ આદેશને અનુસરીને થઈ રહી છે.

સ્વામીશ્રીની આ વાત સાંભળીને સૌ આનંદિત થયા હતા તથા ગુરુકુલની વર્તમાન સેવાપ્રવૃત્તિઓ જાણીને સૌને વિશેષ આનંદ થયો હતો.

આ પ્રસંગે ડૉ. વિજયભાઇ ધડુકે ઉપસ્થિત સર્વનું સ્વાગત કરી આભાર માન્યો હતો અને કહ્યું હતું કે મારું એક ઘર અમેરિકામાં છે અને બીજું ઘર છારોડી ગુરુકુલ છે.

સભામાં પાર્ષદ ઘનશ્યામ ભગત અને ડૉ. ભૂપેન્દ્રભાઇ વ્યાસે સુંદર કીર્તનભક્તિ કરીને સૌને ભક્તિરસમાં તરબોળ કર્યા હતા.

(9:30 pm IST)