Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

અમેરિકામ સવાનાહ સનાતન મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે જગદિશ ત્રિવેદી દ્વારા હાસ્યભર મનોરંજન લોકડાયરો શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી અને ડો. વિજય ધડુકના હસ્તે સન્માન કરાયું

અમેરીકા તા. ૪ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP) અમદાવાદના અધ્યક્ષ સ્વામી શ્રીમાધવપ્રિયદાસજીના વડપણનીચે SGVP ગુરુકુલ અમેરીકા ખાતે હિંદુધર્મની તમામ ધારાના સમન્વય સ્વરૂપ શ્રીસ્વામિનારાયણ સનાતન મંદિરનું સવાનાહ, જ્યોર્જીયામાં નિર્માણ થયું.

        હિંદુત્વની ધજા લહેરાવતા શ્રીસ્વામિનારાયણ સનાતન મંદિરના 'મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ'માં જ્યોર્જીયા ઉપરાંત અમેરીકાના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો એકત્રિત થયા હતા.

        મહોત્સવના ભાગરૂપે શ્રીમહાવિષ્ણુયાગ, પોથીયાત્રા, ભગવદ્ કથા, સંત આશીર્વાદ, ઠાકોરજીની નગરયાત્રા, બાલમંચ, મહિલામંચ વગેરે અનેકવિધ આયોજનોમાં એક રાત્રીએ સત્સંગ મનોરંજન ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

        અમેરીકન ભારતીય ભાવિકોને સુસંસ્કૃત મનોરંજન માટે ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ હાસ્યકલાકાર શ્રીજગદીશભાઈ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

        મનોરંજન ડાયરાના મંગલ આરંભે નિર્વ્યસની જીવન અને સંસ્કારયુક્ત સાહિત્ય પીરસનારા શ્રીજગદીશભાઈ ત્રિવેદીને બિરાદાવતા સ્વામી શ્રીમાધવપ્રિયદાસજીએ જણાવ્યું હતું કે, 'એકાવન વર્ષની ઉંમરબાદ જગદીશે અનોખી રીતે વાનપ્રસ્થાશ્રમ સ્વીકાર્યો છે. પોતાના કાર્યક્રમ દ્વારા જે ભેટ પ્રાપ્ત થાય તેને તેઓ પોતાના ઘરે ન લઈ જતા જરૂરીયાતમંદ બાળકોના અભ્યાસાર્થે વાપરે છે. આ રીતના સત્કાર્યો કરનારા સાહિત્યજગતના દિગ્ગજોમાં જગદીશે પહેલ કરી છે.'

        'જગદીશે જીવનમાં ત્રણવાર પી.એચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે. સારા હાસ્ય કલાકારની સાથે તેઓ સારા લેખક અને ઉત્તમ કવિ પણ છે. એક જ વ્યક્તિમાં હાસ્ય, લેખન અને કાવ્યનો સમન્વય જવલ્લેજ હોય છે.'

        'અનેક દેશોમાં કાર્યક્રમો આપે છે, વિશ્વમાં અનેક મોટી મોટી હસ્તીઓને મળે છે છતાં પણ પોતાના જીવનમાં વ્યસન, ફેશન જેવા ફેલફીતુરને પ્રવેશવા નથી દીધા. આવા પવિત્ર જીવનને કારણે આજે અમે એમને ભારતથી તેડાવ્યા છે.'

        'મોરના ઈંડાને જેમ ચીતરવા ન પડે તેમ તેમના પુત્ર મૌલિકે પણ 'આપઘાતની ઘાત ટાળીએ' પુસ્તકના સંકલન દ્વારા અનેક યુવાનોના જીવનમાં નવી જ ઊર્જા પુરી પાડી છે.'

        સ્વામીશ્રીના મંગલ આશીર્વાદ બાદ જગદીશ ત્રિવેદીએ પોતાના કાર્યક્રમનો આરંભ કર્યો હતો. તેમણે અમેરીકન ભાઈ-બહેનોના જીવનમાં રોજબરોજ ઘટતી ઘટનાઓ દ્વારા પ્રગટતી હાસ્યની વાતો કરીને શ્રોતાઓને ખડખડાટ હસાવ્યા હતા. શેર, શાયરી, હાસ્ય કાવ્યો અને જોક્સ દ્વારા કેટલીક માર્મિક વાતો પણ કરી હતી. હાસ્યમય હળવા માહોલમાં ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને મંદિરના મહત્ત્વની વાતો કરીને સૌને પ્રેરણાત્મક પ્રબોધ પાઠવ્યો હતો.

        જગદીશભાઈના પ્રેરણાત્મક જીવન સાથેની વાતો સાંભળીને સૌના જીવન ખૂબ જ પ્રભાવિત થયા હતા.

 

(12:07 pm IST)