Gujarati News

Gujarati News

News of Sunday, 3rd February 2019

કેન્યાના મસાઈ મારામાં મસાઈ જનજાતીએ “બાપા”નું રસમ રીતથી કર્યું સ્વાગત...

કેન્યા: કેન્યામાં મસાઈ મારા - જ્યાંની ભૂમિ અને વાતાવરણ સંપૂર્ણપણે વન્ય અને જંગલી છે. અહીં સિંહ, હાથી, જિરાફ, ઝીબ્રા, શાહમૃગ, ઝારખ, ગેઝેલ, જેકલ, વોટર હોગ, બફેલો, હિપોપોટેમસ, ચિતો તેમજ અસંખ્ય જાતના વન્ય પ્રાણીઓ જોવા મળે છે. લેન્ડક્રુઝર વેનમાં બેસીને ચારે બાજુ જોવા મળતાં ઘાસનાં  વિશાળ મેદાનો, છત્રી જેવા અન્કેશીયા વૃક્ષો અચંબો પમાડે તેવા છે. અહીં મસાઈ જનજાતિ પણ વસે છે.

અનોખું છે મસાઈ જનજાતિનું કલ્ચર...

આફ્રિકાની મસાઈ જનજાતિ પોતાના અનોખા કલ્ચરને ટકાવી રાખવા માટે હજ્જારો વર્ષો બાદ પણ આજે કોઈ પણ પ્રકારની આધુનિકતાના સંશાધનો વગર જીવન વિતાવી રહી છે. ઇસ્ટ આફ્રિકાની આદિ જાતિઓમાં મસાઈઓ ખમીરવંત, વીર્યવાન અને વિરલ જતી છે. સિંહ અને મસાઈ એ બેમાં કોણ વધારે ક્રૂર અને બળવાન ...તો મસાઈ. મસાઈ જનજાતિને ચરવાહા અથવા યોદ્ધાના રૂપે ઓળખાવવામાં આવે છે. આ જનજાતિ કેન્યા અને ટાન્ઝાનિયાના જંગલી રણ વિસ્તારમાં રહે છે. તેમની વસ્તી લગભગ ૧૦ લાખની આસપાસ છે. આ જનજાતિના લોકો સરકારી નિયમો અને કાયદાઓ પર નથી ચાલતા પરંતુ તેમના પોતાના બનાવેલા મૌખિક નિયમ-કાયદા છે,જે તેમની જિંદગીના તમામ પાસાઓને કવર કરી લે છે. મસાઈ ટ્રાઇબ્સના લોકો લાલ રંગના કપડા પહેરે છે, જેથી તેમની ઓળખ સરળતાથી થઇ જાય છે. જેને શુકા કહે છે. એટલું જ નહિ  આ જનજાતિના લોકો કોઈ બોડી બિલ્ડર કે યોદ્ધાને પણ પછાડી દેવામાં ઘણા પ્રસિદ્ધ છે. તેમની સંપત્તિ જાનવર અને બાળકોની સંખ્યાથી નક્કી થાય છે. અહીં મસાઈ લોકો નાના નાના  માટીના ઝુપડા બનાવીને રહે છે. જેમાં રસોઈ બનાવવા માટે ચૂલો, નાના બાળકો માટે અલગ પથારી, પતિ પત્ની માટે અલગ પથારી અને મહેમાન અલગ દીવાલ કરી જુદી પથારી હોય છે. જાનવરની ખાલનો પ્રયોગ પથારી તરીકે કરે છે. મસાઈ જનજાતિમાં મર્દ બનવાની એક જ રીત હતી જે ભાલાથી સિંહનો શિકાર કરવાની. સિંહનો શિકાર કરીને મારવો એક સમયે તેઓની એક પરંપરા અને સંસ્કારીક વિધિ હતી. પરંતુ હવે નવી પેઢી આ ક્રૂર પરંપરાથી દૂર રહે છે. અને તેના માટે મસાઈ ઓલોમ્પિકની શરૂઆત કરવામાં આવી છે, જેને સારો પ્રતિભાવ મળી રહ્યો છે.

“બાપા”નું રસમ રીતથી કર્યું સ્વાગત...

શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય વિશ્વવાત્સલ્યમહોદધિ શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સંતો-ભક્તો સહ પધારતાં મસાઈઓએ  પરંપરાગત સ્વાગત કર્યું હતું. નુતન શાલ પહેરાવી ઓઢાડી હતી. તેમજ કંઠમાં પહેરવાની મનોરમ્ય હાંસડી (અરોન્ડા) પહેરાવીને કૃતકૃત્યતા અનુભવી હતી. બાપાએ તેમનો ભાવ પૂર્ણ કર્યો તેથી મસાઈ જનજાતિના વડીલ બહેન મામા લીનાની આંખમાં ભક્તિભાવના આંસુ ઊભરાઈ આવ્યાં હતાં. ત્યારબાદ મસાઈ ભાઈઓએ મસાઈ નૃત્ય કરીને પ્રસન્નતા મેળવી હતી. તેમની પ્રાર્થનાનો સ્વીકાર કરી તેઓના માટીના મકાનોમાં પધરામણી કરીને પાવન કર્યા હતા. આચાર્ય સ્વામીજી મહારાજ વિશાળ સંખ્યામાં સંતો- ભક્તો સહ તેઓને ત્યાં પધારતાં અતિ ભાવુક બની ગયા હતા.

(2:08 pm IST)