Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફેબ્રુઆરીની પાંચમી તારીખે કોંગ્રેસના સભ્યો તથા અમેરીકામાં વસવાટ કરતા અમેરીકનોને રાષ્ટ્રજોગ પ્રવચન કરશેઃ હાઉસના સ્પીકર નેન્સી પલોસીએ આપેલા આમંત્રણનો સ્વીકાર કરીને હાઉસના ચેમ્બરમાં કોંગ્રેસના પ્રતિનિધિઓને સંબોધન કરશે

(કપિલા શાહ દ્વારા) શિકાગોઃ હાઉસના સ્પીકર નેન્સી પલોસીએ અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને કોંગ્રેસના પ્રતિનિધિઓને સંબોધન કરવા માટે આમંત્રણ આપ્યું હતું અને તેનો સ્વીકાર કરીને ફેબ્રુઆરી માસની પાંચમી તારીખને મંગળવારના રોજ તેઓ હાઉસના ચેમ્બરમાં પધારી કોંગ્રેસના ચુંટાયેલા પ્રતિનિધિઓને સંબોધન કરશે અને તેની સાથ સાથે રાષ્ટ્રના પ્રતિનિધિઓને પણ સંબોધન કરશે જેનુ પ્રસારણ નેશનલ ટીવી ચેનલો કરશે એવું જાણવા મળેલ છે.

અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સૌ પ્રથમ વખત ગયા માસની ૨૯મી તારીખે કોંગ્રેસના સભ્યોને સંબોધન કરનાર હતા પરંતુ કેન્દ્ર સરકારના કેટલાંક અગત્યના ખાતાઓમાં તાળાબંધી હોવાથી તે દુર ન થાય તે માટે હાઉસના સ્પીકર નેન્સી પલોસીએ સલામતી ખાતર તે કાર્યક્રમ મુલ્તવી રાખવા પ્રમુખશ્રીને વિનંતી કરી હતી અને તેની સાથે સાથે એમ પણ જણાવ્યું હતું કે આપણને અનુકુળ હોય તે તારીખ નક્કી કરીશું તથા તે સમય દરમ્યાન સરકારના કેટલાંક ખાતાઓમાં તાળાબંધી ચાલુ હોવાથી તેનો અંત લાવવા પણ વિનંતી કરી હતી.

અમેરીકામાં ૩૫ દિવસથી તાળાબંધી ચાલુ હોવાથી ચારે બાજુએથી પ્રમુખશ્રી પર દબાણ થતાં તેમણે સમયને પારખીને સરકારી તંત્રમાંથી આ દિવસે તાળાબંધી ઉઠાવી લીધાની જાહેરાત કરતા સર્વત્ર જગ્યાએ રાહતની લાગણી ફેલાઇ જવા પામી હતી પરંતુ કેટલાક અગત્યના ખાતાઓમાં સ્થિતિ સામાન્ય બનતા થોડો સમય લાગે એમ હોવાથી ચર્ચા વિચારણાના  અંતે આગામી પાંચમી ફેબ્રુઆરીએ હવે તેઓ કોંગ્રેસને સંબોધન કરશે અને તેમાં તેઓ ચાલુ વર્ષ દરમ્યાન શું કરવા માંગે છે તેની રજુઆત ચુંટાયેલા પ્રતિનિધિઓ તથા રાષ્ટ્રની પ્રજા સમક્ષ રજુ કરશે.

હવે અમેરીકામાં વસવાટ કરતા તમામ લોકોની દ્રષ્ટિ આગામી પાંચમી તારીખે અમેરીકાના પ્રમુખશ્રી રજુઆત તરફ કેન્દ્રિક થયેલી જોવા મળે છે. અને આ અંગેની વિગતો અમો અમારા વાંચક વર્ગ માટે રજુ કરીશું તેની સહુ નોંધ લે તેવી આશા.

(9:51 pm IST)