Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

અમેરિકાના એટલાન્ટા જ્યોર્જિયામાં નવનિર્મિત ગોકુલધામ હવેલીમાં શ્રીમદ ભાગવત કથા યોજાઈ : ભાગવતના દસમા સ્કંધનું પૂજ્ય રમણીકભાઇ શાસ્ત્રીએ સંગીતમય શૈલીમાં રસપાન કરાવતા વૈષ્ણવો ભાવવિભોર

એટલાન્ટા :અમેરિકાના એટલાન્ટા જ્યોર્જિયા મુકામે નવનિર્મિત ગોકુલધામ હવેલીમાં 21 થી 23 સપ્ટે 2018 દરમિયાન શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું હતું.જે દરમિયાન ભાગવતના દસમા સ્કંધનું પૂજ્ય રમણીકભાઇ શાસ્ત્રીએ સંગીતમય શૈલીમાં રસપાન કરાવ્યું હતું. પરમાત્માની કથાનું મહાત્મ્ય વર્ણવતાં પૂ.શાસ્ત્રીજીએ સમજાવ્યું હતું કે, કળિયુગમાં ભગવદ્ કથા સાંભળવાથી જીવની દુર્ગતિ થતી નથી. કથા દરમિયાન વિવિધ ઉત્સવો-મનોરથો શ્રદ્ધાળુઓએ ભક્તિભાવપૂર્વક આનંદ-ઉલ્લાસથી ઉજવતાં અનોખો માહોલ છવાયો હતો.

 વડોદરાના કલ્યાણરાયજી મંદિરના ષષ્ઠપીઠાધીશ્વર વૈષ્ણવાચાર્ય પૂ.દ્વારકેશલાલજી મહારાજના માર્ગદર્શન હેઠળ એટલાન્ટાની ગોકુલધામ હવેલીમાં સમયાંતરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાતા રહે છે.જે અંતર્ગત તાજેતરમાં જન્માષ્ટમી અને નંદ મહોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયા બાદ 21 થી 23 સપ્ટેમ્બર દરમિયાન પૂ.રમણીકભાઇ શાસ્ત્રીના વ્યાસપીઠપદે શ્રીમદ્ ભાગવત્-દશમ સ્કંધની કથા યોજાઇ હતી.

ત્રણ દિવસીય કથામાં પૂ.શાસ્ત્રીએ કળિયુગમાં ભાગવત્ કથાના મહાત્મ્યનું વર્ણન કર્યું હતું.પૂ.શાસ્ત્રીજીએ સમજાવ્યું હતું કે, કળિયુગમાં ભગવાનની પ્રાપ્તિ માટે કપટ રહિત ભગવાનનું કિર્તન કરવું અને પરમાત્માની કથાનું-ભગવાનની લીલા-ચરિત્રોનું શ્રવણ કરવું ફળદાયી બને છે. ભગવદ્ નામનો મહિમા અનેરો છે. ભગવદ્ નામમાં પ્રીતિ થાય, રતિ થાય અને દ્રઢ ભરોષો-વિશ્વાસ જાગે. ભગવાન કૃષ્ણ દર્શન માત્રથી ત્રિવિધ તાપ દૂર કરનારા છે.એક મુહુર્ત, એક ક્ષણ માત્ર કૃષ્ણ પરમાત્માની કથાનું શ્રવણ કરવામાં આવે તો જીવની ક્યારેય દુર્ગતિ થતી નથી. ભગવાનની કથા ભક્તિભાવપૂર્વક સાંભળીએ તો અશ્વમેધ યજ્ઞ જેટલું પુણ્યફળ મળે છે. એટલું નહીં કથા સાંભળવાનો સંકલ્પ માત્ર કરીએ તો પણ કરોડો જન્મોના પાપોનો નાશ થાય છે.

ગોકુલધામના ચેરમેન અશોક પટેલ, એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવા, હેતલ શાહ, કિન્તુ શાહ અને પરિમલ પટેલના સફળ આયોજન થકી યોજાયેલી ત્રણ દિવસીય કથામાં 9 ઉત્સવો-મનોરથો ઉજવાયા હતા.વામન અવતાર અને મહાપ્રભુજી પ્રાગટ્યમાં વૈષ્ણવ બાળકો માધવ પટેલ-કેશવ પટેલ જ્યારે યમુના મહારાણી તરીકે મીરા પટેલ અને રાધા પ્રાગટ્યમાં પ્રાચી પટેલે શ્રદ્ધાળુઓના મન મોહી લીધા હતા.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(9:36 pm IST)