Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

શિકાગો નજીક એડીન ટાઉનમાં આવેલ શ્રીજીદ્વાર હવેલીમાં ઓકટોબર માસ દરમ્યાન વિવિધ પ્રકારના કાર્યક્રમોનું થનારૂ આયોજનઃ શ્રીજીદ્વાર હવેલી અને શિકાગો સાહિત્ય વર્તુળના ઉપક્રમે ઓકટોબરની માસની પાંચમી તારીખને શુક્રવારે મેૈ નહી માખન ખાયો શિર્ષક હેઠળ શ્રી કૃષ્ણની લીલાનું આકંઠ ગાન કરનાર ભકત કવિ સુરદાસના પદોનો અર્થસભર આસ્વાદ જાણીતા કવિ મુકેશ જોશી કરાવશે તેમજ છઠ્ઠી ઓકટોબરના રોજ જાણીતા કવિ મુકેશ જોશી અને અનિલ ચાવડા તેમજ શિકાગોના કવિઓ તેમની લોકપ્રિય કવિતાઓનો આસ્વાદ કરાવશેઃ વિશેષમાં ઓકટોબરની ૧૦મીથી ૧૮મી તારીખ દરમ્યાન દરરોજ ગરબાનું આયોજન કરવામાં આવશે અને ૧૮મી ઓકટોબરના રોજ દશેરાની ઉજવણી કરવામાં આવશે

(કપિલા શાહ દ્વારા) શિકાગોઃ શિકાગો નજીક એડીન ટાઉનમાં મીડવેસ્ટ વૈષ્ણવ સમાજ દ્વારા શ્રીજીધ્વાર હવેલીનું કલાત્મક રીતે નિર્માણ કરવામાં આવેલ છે અને તેના સંચાલકો દ્વારા ઓકટોબર માસ દરમ્યાન વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

આ અંગેની વિગતોમાં જાણવા મળે છે તેમ શ્રીજીધ્વાર હવેલી તેમજ શિકાગોના સાહિત્ય વર્તુળના ઉપક્રમે ઓકટોબર માસની પાંચમી તારીખને શુક્રવારના રોજ મૈ નહી માખન ખાયોએ શિર્ષક હેઠળ કવિ સુરદાસના પદોનો અર્થસભર સ્વાદ જાણીતા કવિ મુકેશ જોશી કરાવશે અને આ કાર્યક્રમનું સંચાલન શિકાગોના જાણીતા કવિ ભરત દેસાઇ અને મુંબઇના કવિ હિતેન આનંદપરા કરશે. તેમજ બીજા દિવસે છઠ્ઠી ઓકટોબરના રોજ જાણીતા કવિઓ મુકેશ જોશી અને અનિલ ચાવડા પોતાની કવિતાઓની કૃતિઓ રજુ કરશે. આ વેળા શિકાગોના જાણીતા અન્ય કવિઓ ડો.અશરફ ડબાવાલા, ડો.મધુમતી મહેતા, અબ્દુલ વહિદ સોઝ અને ભરત દેસાઇ પણ હાજરી આપશે અને તેઓ પણ પોતાની કવિતાની કૃતિઓ રજુ કરશે.

આ કાર્યક્રમ અંગે ૩૫,૨૫ અને ૧૫ ડોલર જેટલી પ્રવેશ ફી રાખવામાં આવેલ છે અને તેમાં સાંજના ભોજનનો પણ સમાવેશ થયેલ છે તો સાહિત્ય જગતના રસિક લોકો તથા તેમાં રસ ધરાવતા લોકોને આ પ્રોગ્રામનો લાભ લેવા વિનંતી કરવામાં આવે છે આ બંન્ને કાર્યક્રમો શ્રીજીધ્વાર હવેલીમાં રજુ કરવામાં આવશે.

વિશેષમાં નવરાત્રી પર્વ શાનદાર રીતે ઉજવણી કરી શકાર તે માટે આ શ્રીજીની હવેલીમાં ઓકટોબર માસની ૧૦મી તારીખથી ૧૮મી તારીખ એમ નવ દિવસો દરમ્યાન સાંજના પોણા આઠ વાગ્યાથી રાત્રે પોણા દસ વાગ્યા દરમ્યાન દરરોજ રાસ ગરબાનો કાર્યક્રમ યોજાશે તો સર્વે લોકોને તેનો લાભ લેવા વિનંતી છે. ઓકટોબર માસની ૧૮મી તારીખને ગુરૂવારના રોજ દશેરાની ભવ્યરીતે ઉજવણી કરવામાં આવશે તો સર્વે હરિભકતોને તેમાં સહભાગીદાર બનવા સંચાલકોએ વિનંતી કરેલ છે.

આ અંગેની સંપૂર્ણ માહિતી શ્રીજીધ્વાર હવેલીનો સંપર્ક કેળવવાથી મળી રહેશે.

(11:23 pm IST)