Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

જજ બ્રેટ કૌનવૉને અમેરિકન સુપ્રીમ કોર્ટમાં જજ નીમવા કે નહીં ?સેનેટની કમિટી કરશે મતદાન :જબરી ઉતેજના

ક્રિસ્ટીને જાતીય સતામણીના આરોપ મુક્યા હતા : સરખા મત પડે તો હોદ્દાની રુએ ઉપ-રાષ્ટ્રપતિ નિર્ણાયક મત આપી શકે

અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે બ્રેટ કૌનવોને નીમવા કે નહિ આ બાબતે સેનેટમાં મતદાન થશે ત્યારે સેનેટના વોટિંગ પહેલા જબરી ઉતેજના જાગી છે કારણ કે આ પહેલાં જજ કૌનવૉ તથા ક્રિસ્ટિન બ્લેસી ફોર્ડે કમિટી સમક્ષ જુબાની આપી હતી, જેમાં ક્રિસ્ટિને જજ પર જાતીય સતામણીના આરોપ મૂક્યા હતા.

  પ્રો.ફોર્ડે રડમસ સ્વરે 1982ની ઘટના વિસ્તૃત રીતે વર્ણવી હતી અને જણાવ્યું હતું કે એ ઘટનાએ તેમના જીવન પર 'ખૂબ ઊંડી' અસર કરી હતી.જુબાની દરમિયાન જજ કૌનવૉએ ગુસ્સામાં પ્રો. ફોર્ડના આરોપોને નકાર્યા હતા અને જણાવ્યું હતું કે તેમણે પ્રો. ફોર્ડ કે અન્ય કોઈ મહિલા પર ક્યારેય કોઈ પ્રકારનો હુમલો નથી કર્યો.

  આ તરફ રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે સેનેટને આગ્રહ કર્યો છે કે તેમની પસંદગીના ઉમેદવારને સુપ્રીમ કોર્ટના જજ તરીકે ગ્રાહ્ય રાખે.આ અંગે આવતાં અઠવાડિયે મતદાન થાય તેવી શક્યતા છે. હાલમાં 51-49 મતો સાથે સેનેટમાં રિપબ્લિક્ન્સ બહુમતીમાં છે. જોકે બંને પક્ષે અમુક સેનેટર્સ તેમના અભિપ્રાય છેલ્લી ઘડીએ બદલી શકે છે.

  અમેરિકાના બાર ઍસોસિયેશને માગ કરી છે કે એફબીઆઈ (અમેરિકાની તપાસ સંસ્થા ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન) પ્રો. ફોર્ડના આરોપોની તપાસ કરી શકે તે માટે મતદાનને ટાળવામાં આવે.

  અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં નવ જજ હોય છે અને કાયદાની બાબતમાં તેમનો નિર્ણય આખરી હોય છે.જજ કૌનવૉની સુપ્રીમ કોર્ટમાં નિમણૂક થાય તો આવનારા વર્ષોમાં પરંપરાગત માન્યતા ધરાવનારાઓનું પલડું ભારે રહેશે.

  લગભગ નવ કલાક ચાલેલી જુબાની દરમિયાન યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક ફોર્ડે રડમસ સ્વરે તેમની વાત કહી હતી.પ્રો ફોર્ડે કહ્યું"મને લાગે છે કે એક નાગરિક તરીકે મારી ફરજ છે કે હાઈસ્કૂલમાં અભ્યાસ દરમિયાન કનૌવૉએ મારી સાથે જે કાંઈ કર્યું તે બધાંયને જણાવવું જોઈએ."પ્રો. ફોર્ડે આરોપ મૂક્યો હતો કે 1982માં વૉશિંગ્ટન ડીસીના પરા વિસ્તારમાં આવેલાં એક ઘરમાં નાની એવી પાર્ટી યોજાઈ હતી. એ સમયે તેઓ 15 વર્ષનાં હતાં, જ્યારે બ્રેટ કૌનવૉ સત્તર વર્ષના હતા.કનૌવૉએ મારાં કપડાં કાઢવાનો પ્રયાસ કર્યો અને મને જકડી લીધી હતી. પ્રો. ફોર્ડે કહ્યું હતું કે આ ઘટનાએ તેમનું જીવન હંમેશને માટે બદલી નાખ્યું. તેઓ કોઈને કશું કહી શક્યા નહીં.

  53 વર્ષીય જજ કનૌવેએ ક્યારેક આક્રમક તો ક્યારેક ભાવનાત્મક વલણ અપનાવ્યું હતું.તેમણે કહ્યું, "જુલાઈ મહિનામાં મારું નામાંકન થયું, ત્યારથી ગમે તે રીતે મારી નિમણૂકની બહાલી અટકાવવા માટે પ્રયાસો થઈ રહ્યા છે. બંધારણ મુજબ જજની ઉમેદવારીને બહાલ કરવાની મહત્ત્વપૂર્ણ જવાબદારી સેનેટને મળેલી છે, પરંતુ મારા કિસ્સામાં તે કંઈક શોધો અને નાશ કરોની થઈ ગઈ હોય તેમ લાગે છે."

  જજ કનૌવૉની જુબાની બાદ ટ્રમ્પે વધુ એક વખત તેમનું સમર્થન કર્યું હતું અને આ મતલબનું ટ્વીટ પણ કર્યું હતું.પ્રો. ફોર્ડ ઉપરાંત ત્રણ મહિલાઓએ જજ કનૌવૉ પર જાતીય સતામણીના આરોપ મૂક્યા છે.ત્યારે ઉમેદવારના નામની ભલામણ કરવા, નકારવા કે કોઈ ભલામણ નહીં. એમ ત્રણ પ્રકારના વિકલ્પ સેનેટની જ્યુડિશિયરી કમિટી પાસે રહેલા છે.

કમિટીના મતદાન બાદ સેનેટમાં મતદાન થશે. રિપબ્લિકન્સ ઇચ્છે છે કે નવેમ્બર મહિનામાં મધ્યસત્રી ચૂંટણી યોજાય તે પહેલાં જજ કનૌવૉની ઉમેદવારી બહાલ કરવી, જ્યારે ડેમૉક્રેટ્સ તેમાં ઢીલ કરાવવા માગે છે.

  ડેમૉક્રેટ્સને આશા છે કે મધ્યસત્રી ચૂંટણી બાદ તેઓ બહુમતીમાં આવી જશે અને તેમની પસંદગી મુજબ નવા જજની નિમણૂક કરી શકશે.સુપ્રીમ કોર્ટ માટે જજની બહાલી માટે સેનેટમાં સાદી બહુમતીની જરૂર હોય છે અને જો સરખા મત પડે તો હોદ્દાની રુએ સેનેટના વડા ગણાતા ઉપ-રાષ્ટ્રપતિ નિર્ણાયક મત આપી શકે છે.

 

(12:30 pm IST)