Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

એટલાન્ટામાં નૂતન ગુરૂકુળ નિર્માણ, ભાગવત કથા રસપાન-મહાવિષ્ણુ યજ્ઞ

અમેરિકાના જયોર્જીયા રાજયના એટલાન્ટામાં નિર્માણ પામેલ શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ તથા મહોત્સવમાં ઉપસ્થિત સંતોની તસ્વીર.

રાજકોટ તા. ૩૦ :.. પૃથ્વી ઉપર સદ્વિદ્યાનું પ્રવર્તન કરવાનો સંદેશ ભગવાન શ્રી સ્વામીનારાયણે શિક્ષાપત્રીમાં આપેલ. રાજકોટ શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળના સંસ્થાપક સદ્ગુરૂ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ ગુજરાતમાં સાકારિત કર્યો.

આજે ગુરૂવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ વિદ્યા પ્રવર્તનના સંદેશને ગુજરાત ઉપરાંત ભારતના રાજયો અને દેશ-વિદેશમાં સાકારીત કરી રહ્યા છે. તાજેતરમાં અમેરિકાના ટેકસાસ રાજયના ડલાસ ખાતે શ્રી સ્વામી નારાયણ ગુરૂકુળનો પ્રારંભ ૧૯ જૂલાઇના રોજ કરાયેલ.

અમેરિકામાં રાજકોટ શ્રી સ્વામી નારાયણ ગુરૂકુળની ન્યુજર્સી, શિકાગો, ફિનીકસને ડલાસ ઉપરાંત પાંચમી શાખા આટલાન્ટા ખાતે શરૂ કરાઇ રહી છે. આ માટે તા. ર૯ ઓગસ્ટથી ૩ જી સપ્ટેમ્બર દરમ્યાન વિવિધ ધાર્મિક તેમજ સેવાકીય સામાજીક આયોજનો કરાયા છે.

ગુરૂ શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતીમાં પુરાણી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી તથા શ્રી શાંતિપ્રિયદાસજી સ્વામીના માર્ગદર્શન અનુસાર છ દિવસીય ઉદઘાટન મહોત્સવ યોજાઇ રહ્યો છે. આટલાન્ટાની સેવા પ્રવૃતિ સંભાળનાર શ્રી શ્રૃતિપ્રકાશદાસજી સ્વામીએ કહયું હતું કે શ્રાવણ માસને લક્ષ્યમાં રાખી શ્રીમદ્ ભાગવતજીની કથાનું રસપાન પુરાણી શ્રી કૃષ્ણપ્રિયદાસજી સ્વામી બે ઓગસ્ટ સુધી બપોરે પાંચથી રાત્રીના આઠ દરમ્યાન કરાવશે. તા. ૩૧ એ પાંચ કૂંડી શ્રી મહાવિષ્ણુયાગનો પ્રારંભ થશે. જે દરરોજ સવારે ૮ થી ૧૧ સુધી ચાલશે. રાજકોટ વિદ્વાનને પવિત્ર ભૂદેવ શ્રી કિશોરભાઇ દવે, યજ્ઞ કરાવશે.

અખંડ સ્વામી નારાયણ મહામંત્રની ધૂન તથા મંત્ર લેખન તા. ૧ લી સપ્ટેમ્બરના સવારના પાંચ થી સાંજના પાંચ દરમ્યાન ધૂનવાળા શ્રી નારાયણપ્રસાદદાસજી સ્વામીની આગેવાનીમાં થશે. જે કદાચ આટલાન્ટામાં પ્રથમ વખત જ હશે. તારીેખે બે ઓગસ્ટના સમુહ મહાપૂજા થશે. બપોર પછી ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજનું ભાવાંજલી પૂજન થશે. જયારે ત્રણ  સપ્ટેમ્બરના ભગવાન શ્રી સ્વામી નારાયણ, શ્રી રાધાકૃષ્ણદેવ, શ્રી સીતારામજી  તથા શ્રી ગણપતિદાદાને હનુમાનજીદાદાની પ્રતિષ્ઠા કરવામાં આવશે. રાત્રે જન્માષ્ટમી ઉત્સવ ભવ્યતા ને દિવ્યતા સાથે ભકિતમય રીતે ઉજવાશે.

બાળકો, યુવાનો તેમજ મહિલા મંચનો કાર્યક્રમ યોજાશે. ખાસ બહેનો દ્વારા જ સંચાલિત મહિલા પંચ તા. બે સપ્ટેમ્બરે બપોરે ૧ થી ૩ કલાક દરમ્યાન યોજાશે.

વિશેષમાં અમેરિકા-આટલાન્ટાથી શ્રી પ્રભુસ્વામીએ જણાવ્યું હતું કે ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજ તથા શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી અને શ્રી જ્ઞાનસ્વરૂપાદાસજી સ્વામી વગેરે સંતો ૩પ વર્ષ પહેલા તા. ૩ જી જૂલાઇ ૧૯૮૩ ના રોજ આટલાન્ટા પધારેલા. ત્યારથી અહીં સત્સંગનો પ્રારંભ થયેલો.

તા. ૪ નવેમ્બર ર૦૧૭ ના ૧૦ એકર ભૂમિ સંપાદિત કરાઇ ને ર૦,૦૦૦ હજાર ફુટનું બાંધકામ નવ માસમાં જ ચર્ચને પૂર્ણ રીનોવેશન કરી મંદિર, સત્સંગ હોલ, ડાયનીંગ હોલ, બાળકો, યુવાનોને બાલિકાઓ માટેના ુગુજરાતી, હિન્દી, સંગીત, યોગાના કલાસો તેમજ સંત આશ્રમની નિર્માણ કરવામાં આવ્યું છે.

આ ઉદ્ઘાટન મહોત્સવનો લાભ લેવા ડલાસ, ન્યુજર્સી, ફિનીકસ, લોસ એન્જલસ, શિકાગો, સ્પ્રિીંગ, ફિલ્ડ, ઓરલાન્ડો, ટેમ્પા, જેકસનવિલ, ચાટાનૂંગા, શાલોર્ટ, રાબે, રીચમન્ડ, કોલમ્બસ વગેરે પધારશે. વધુમાં આ પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પ તથા હેલ્થ કેમ્પ યોજાશે. તથા વિવિધ વિષયો પરની વ્યાખ્યા ન માળાઓનો લાભ શાસ્ત્રી શ્રી હરિપ્રિયદાસજી સ્વામી, શાસ્ત્રીશ્રી ધર્મનંદનદાસજી સ્વામી, પુરાણી શ્રી કૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી તેમજ પુરાણી શ્રી દેવપ્રસાદાદસજી સ્વામી આપશે.

શ્રી ત્યાગવલ્લભદાસજી સ્વામી તથા શ્રી ધર્મચરણદાસજી સ્વામી વગેરે સંતોની સાથે શ્રી ઘનશ્યામભાઇ ઢોલરીયા, કિશોરભાઇ સાવલીયા, મુકેશભાઇ રામાણી, વિનુભાઇ શેલડીયા, નરેશભાઇ ભંડેરી, મનીષભાઇ હીરાણી, સંદિપભાઇ ભૂંગાણી, ચતુરભાઇ સભાયા વગેરે ભકતો તન, મન, ધનના સમર્પણથી સેવા કરી રહ્યા છે. આ પ્રસંગે ભારતથી શ્રી લક્ષ્મીનારાયણજી સ્વામી, શ્રી કેશવપ્રિયસ્વામી, શ્રી ભકિતનયસ્વામી, શ્રી તીર્થસ્વામી, શ્રી ધ્યેયસ્વામી વગેરેને ૩૦ સંતો પધાર્યા છે. (પ-૧૩)

 

(11:40 am IST)