Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

બ્રિટનમાં પહેલી વાર ભારતીય મૂળના લોકોની વસતિ ગણતરી અલગથી થશે

કુલ વસતિમાં ભારતીયોની અંદાજે ત્રણ ટકા હિસ્સેદારી

લંડન,તા.૨૮ : બ્રિટનમાં પહેલી વાર ભારતીય મૂળના લોકોની વસતીગણતરી અલગથી કરાઇ રહી છે. તેનું આયોજન ૧૦૪ વર્ષ અગાઉ ૧૯૧૬માં સ્થાપિત ઇન્ડિયા લીગ કરશે. બ્રિટિશ ભારતીયોનાં હિતો માટે કામ કરતી ઇન્ડિયા લીગ ઓકસફર્ડ યુનિ. સાથે મળીને ઓનલાઇન વસતી ગણતરી કરશે. ત્યાર બાદ ચાલુ વર્ષના અંતમાં પ્રથમ બ્રિટિશ ભારતીય રિપોર્ટ તૈયાર થશે, જે ૨૦૨૦માં બ્રિટનના બિનનિવાસી ભારતીયો અને તેમના મુદ્દા વિશે જણાવશે.

ઇન્ડિયા લીગના ચેરમેન સી. બી. પટેલે જણાવ્યું કે બ્રિટિશ ભારતીય સમુદાય ઘણો બદલાઇ ગયો છે અને આ સરવે અમારા સમુદાયને બહુ જરૂરી આંકડા ઉપલબ્ધ કરાવશે, જે અમને અમારી ચિંતા સાથે જોડાયેલા મહત્ત્વના મુદ્દા સમજવા અને ખાસ તો તેમને ઉકેલવામાં ઘણા મદદરૂપ થશે. હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય અને ઇન્ડિયા લીગના સલાહકાર સંદીપ વર્માએ કહ્યું, કોરોના મહામારીએ બ્રિટિશ ભારતીય સમુદાય સહિત કેટલાક સમુદાયોની હાલની સ્વાસ્થ્ય અને સામાજિક અસમાનતાઓ ઉજાગર કરી છે.

આ સરવે અમને પોતાના સમુદાયની વિવિધતા સમજવામાં મદદરૂપ થઇ શકે છે તથા બ્રિટિશ ભારતીયો માટેની નીતિ દ્યડવાનું અને તેમનું જીવન સમૃદ્ઘ બનાવવાનું માધ્યમ બની શકે છે. ભારતીય વિદેશ મંત્રાલયના આંકડા મુજબ બ્રિટનમાં ભારતીય મૂળના ૧૮ લાખથી વધુ લોકો છે, જે બ્રિટનની કુલ વસતીના અંદાજે ત્રણ ટકા અને એશિયનોની વસતીના અંદાજે પાંચ ટકા છે.વસતી ગણતરીનો ઉદ્દેશ બ્રિટનમાં રહેતા ભારતીય સમુદાયની ઓળખ, ધાર્મિક માન્યતા અને વ્યવહારની વિવિધતા જાણવાનો છે. એ પ્રશ્ર્નોનો પણ સમજવાના છે કે જેમનો ઉકેલ તેઓ સામાજિક કે ન્યાયિક રીતે લાવવા ઇચ્છે છે. આ કવાયત ઓગસ્ટમાં પૂરી થવાનો અંદાજ છે.

(11:54 am IST)