Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

પાકિસ્તાનની સરહદમાં ઘુસી ગયેલા ભારતીય નાગરિકને 4 વર્ષ પછી મુક્ત કરાયો : એપ્રિલ 2017 થી જેલવાસ ભોગવી રહેલોનાગરિક 31 મે ના રોજ ભારતને સોંપાયો

તેલંગણા : એપ્રિલ 2017 માં પાકિસ્તાનની સરહદમાં ઘુસી ગયેલા તેલંગણાના વતની  ભારતીય નાગરિકને 4 વર્ષ પછી  31 મે ના રોજ મુક્ત કરાયો છે.

પોલીસ સૂત્રો અનુસાર હૈદરાબાદનો રહેવાસી પ્રશાંત 11 એપ્રિલ, 2017 ના રોજ ગુમ થયો હતો. તેના પરિવારે 29 મે 2017 ના રોજ માધાપુર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાનો  અહેવાલ નોંધાવ્યો  હતો. પોલીસે પ્રશાંતને શોધવાની ખૂબ જ કોશિશ કરી પરંતુ તે મળી શક્યો નહોતો. બાદમાં પરિવારને સંદેશ મળ્યો કે પ્રશાંતને પાકિસ્તાનમાં અટકાયતમાં લેવામાં આવ્યો છે.

તેલંગણા, ગૃહ મંત્રાલય અને ભારત સરકાર દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવતા ગુમ થયેલ વ્યક્તિને 31 મે 2021 ના રોજ છૂટો કરવામાં આવ્યો  હતો  અને ભારતીય અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો તેવું પોલીસે જણાવ્યું હતું.

પ્રશાંતના પરિવારના સભ્યોએ તેની મુક્તિ માટે તેલંગણા સરકાર, ભારત સરકાર અને વિદેશ અને ગૃહ મંત્રાલયના અધિકારીઓનો આભાર માન્યો છે. પ્રશાંત આઈટી પ્રોફેશનલ છે, વ્યક્તિગત કારણોને લીધે તે સ્વિટ્ઝર્લેન્ડ જવા માંગતો હતો. પરંતુ તેની પાસે પૂરતા પૈસા ન હોવાથી તે પગપાળા સ્વિટ્ઝર્લેન્ડ  પહોંચવા માંગતો હતો. તેથી  તે 11 એપ્રિલ, 2017 ના રોજ ઘરેથી નીકળી ગયો હતો. અને રાજસ્થાનના બિકાનેર જતી  એક ટ્રેનમાં ચડી ગયો  હતો અને ત્યાંથી ભારત-પાક સરહદ તરફ ગયો હતો.

પાકિસ્તાનના વિસ્તારમાં ઊંડે સુધી  ઘૂસ્યા પછી તેને પાકિસ્તાની અધિકારીઓએ પકડી લીધો. બાદમાં, પાકિસ્તાની સત્તાવાળાઓએ ગેરકાયદેસર પ્રવેશ માટે કેસ નોંધ્યો હતો અને સજા પૂરી કર્યા પછી, તેને છૂટો કરવામાં આવ્યો હતો અને અટારી બોર્ડર પર ભારતીય અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો.તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(11:24 am IST)