Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

અમેરિકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ઇમીગ્રેશન ખાતાના હાલના જે નિયમો છે તેમાં ક્રાંતિકારી સુધારાઓ સુચવતી દરખાસ્‍ત તૈયાર કરેલ છે અને તે દરખાસ્‍તો જાન્‍યુઆરી માસની ૨૯મી તારીખને સોમવારે કોંગ્રેસના નેતાઓને તે અંગે આગળની ઝડપી કાર્યવાહી હાથ ધરવા રવાના કરશે : ૩૦મી જાન્‍યુ.ને મંગળવારે પ્રમુખ કોંગ્રેસના સભ્‍યોને સંબોધન કરશે તે વેળા આ સમગ્ર દરખાસ્‍ત અંગે પ્રજાને તેની માહિતી આપશે ૮મી ફેબ્રુ. સુધીમાં કોંગ્રેસના નેતાઓ જો નકકર પગલા લેવા માટે નિષ્‍ફળ જશે તો સમગ્ર દોષનો ટોપલો કોંગ્રેસના માથે જશે પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ સીફત પૂર્વક કોંગ્રેસના માથે નાંખી પોતાના હાથ ખંખેરી નાખ્‍યા : જા બીલ્લી કુતેકો માર જેવો ઘાટ

(સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ, શિકાગો : અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે જાન્‍યુઆરી માસની ૨૪મી તારીખને બુધવારે સૌ પ્રથમ વખત એક જાહેરાત કરતાં જણાવ્‍યું હતું કે મારા અગાઉના એક વહીવટી હુકમ દ્વારા નાની વયના સંતાનો કે જેઓ પોતાના પરીવારના સભ્‍યો સાથે અત્રે આવીને વસેલા છે તેઓને ભારે પ્રમાણમાં સહન કરવાનો સમય આવેલ છે. પરંતુ આવા સંતાનોને એ વધુ સહન ન કરવું પડશે. આવા ગેરકાયદેસર રીતે વસવાટ કરનારા લોકો માટે એક કાયદો લાવવા માંગુ છું કે જેથી તેઓએ દેશ નિકાલ જવાનો ભય ન રાખવો જોઇએ અને તેઓ અત્રે કાયમી વસવાટ કરી શકશે અને ક્રમાનુસાર તેઓ અમેરીકન નાગરીકત્‍વ પ્રાપ્‍ત કરી શકશે. આ અંગે આવતા સોમવારે એટલે કે જાન્‍યુઆરી માસની ૨૯મી તારીખે એક બીલ કોંગ્રેસના સભ્‍યોને આ અંગેની ઝડપી કાર્યવાહી કરવા માટે મોકલશે આ અંગેના સમાચારો સમગ્ર અમેરીકામાં વાયુવેગે પ્રસરી જતા હાલમાં આવા લોકોમાં રાહતની લાગણીઓ પ્રસરેલી જોવા મળે છે. પરંતુ તેની સામે ઇમીગ્રેશનના કૌટુમ્‍બીક પરીવાર અંગેના જે કાયદાઓ છે તેમાં તેની સાથે સાથે જરૂરી ફેરફારો સામેલ કરેલ છે તેનાથી આ કૌટુમ્‍બીક કેટેગરીઓમાં  તે દ્વારા ભય સતાવી રહ્યો છે. તેથી પરીવારના સભ્‍યોમાં અનેક પ્રકારની લાગણીઓ ઉત્‍પન્‍ન થયેલી જોવા મળે છે. પરંતુ આ અંગેના સમગ્ર આધાર હાઉસ અને સેનેટના સભ્‍યો કેવા પ્રકારના પગલાં ભરે છે તેના પર અવલંબે છે.

 અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ સોમવારે ઇમીગ્રેશન ખાતામાં હાલના જે નિયમો છે તેમાં કૌટુમ્‍બીક આધારિત વિભાગમાં હાલમાં જે ચેઇન સીસ્‍ટમ ચાલુ છે તેને રદ કરવા માટેની એક દરખાસ્‍ત છે અને તેથી અમેરીકન નાગરિકત્‍વ ધારણ  કરનાર વ્‍યકિત ફકત પોતાના સંતાનો તથા પરીવારના સભ્‍યો કે જેમાં પતિ તથા પત્‍નિનો સમાવેશ થાય છે તેમને અત્રે બોલાવી શકશે. અરજદાર પોતાના ભાઇ બહેનને ન બોલાવી શકશે.

પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે જે દરખાસ્‍ત તૈયાર કરેલ છે તે અંગે આ અંગેના નિર્ણયો તો એવું જણાવી રહ્યા છે કે અત્રે ગેરકારદેસર સૌ વસવાટ કરનારાઓને અમે કાયમનો રહેવાનો હક આપવામાં આવનાર છે અને ક્રમાનુસાર તેઓને અમેરીકન નાગરિકત્‍વ આપવાની જે વિચારણા ચાલે છે તે દરખાસ્‍ત હાઉસમાં રૂઢિચુસ્‍ત વિચારસરણી ધરાવતા રાજકીય નેતાઓને તે માન્‍ય રહેશે  તેમ તે એક મુખ્‍ય સવાલ છે. આવી વિચારસરણી ધરાવતા રાજકીય નેતાઓ કોઇપણ હિસાબે ગેરકાયદેસર રીતે વસવાટ કરનારાઓને ઇમીગ્રેશન ખાતાના હાલમાં જે કાયદાઓ છે તેનો ભંગ કરનારાઓને કોઇપણ પ્રકારની છુટ આપવાની નિતિમાં માનતા નથી. આવા લોકોને તો દેશનિકાલ કરવા જોઇએ તેવો મત ધરાવે છે માટે આ સંધ કાશીએ જશે કે કેમ તેની શંકા છે.

તેની સામે ડેમોક્રેટીક પાર્ટીના ચુંટાયેલા નેતાઓ કૌટુમ્‍બીક આધારિત કેટેગરીઓમાં  જે સુધારાઓ સુચવવામાં આવેલછે તે અંગે સહમતિ ધરાવતા નથી. પરિવારના સભ્‍યોને જે પ્રમાણે વ્‍યવસ્‍થિત રીતે કાર્યવાહી થઇ રહેલ છે તેની સામે અણગમો વ્‍યકત કરવામાં આવી રહેલ છે. અમેરીકાના પ્રમુખે ઇમીગ્રેશન અંગેની પોતાની જે અસલ નિતિઓ હતી તેમાં  એ વળાંક આવવા લાગ્‍યો છે અને આ સમગ્ર પ્રશ્ન અંગે હાલમાં કૂણા પડેલા જોવા મળે છે. ગેરકાયદેસર રીતે વસવાટ કરતા રહીશોનો પ્રશ્ન એ સળગતો પ્રશ્ન છે અને તે હલ કેમ કરવો એ અત્‍યંત ગુંચવાડા ભર્યો રહેવા પામેલ છે.

પ્રમુખે જે દરખાસ્‍તો તૈયાર કરેલ છે તેમાં તેમણે  કોંગ્રેસના સભ્‍યો પાસે દિવાલના થનારા ખર્ચા અંગે ૨૫ બીલીયન જેટલા ડોલરની માંગણી કરેલ છે. તેની સાથે સાથે જે લોકો અત્રે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હોય અને જેઓના દેશનિકાલ કરવા માટેના હુકમો થયેલા છે તેઓને દેશ નિકાલ કરવાની કાર્યવાહી તેમજ સરહદો પર બીજા અન્‍ય લોકો સરહદ ઓળંગીને અત્રે ન આવી શકે તે માટે વધારાના બોર્ડર એજન્‍ટોની નિમણુંકની જરૂરી રહેશે આથી તે અંગેના થનાર ખર્ચા પણ ગણત્રીમાં લેવા તેમણે આગ્રહ કરેલો છે.

આ સમગ્ર પ્રશ્ન અંગે રાજકીય નેતાઓ એવી ગણત્રી કરી રહ્યા છે કે ઓછામાં ઓછા કેટલા માણસોને અત્રે રહેવાનો હક આપી શકાય અને તે અંગે એવું જાણવા મળે છે તેમ ડાકાના પ્રોગ્રામનો આઠ લાખ જેટલા લોકોએ લાભ લીધેલ છે અને બીજા જેમણે લાભ લીધેલ નથી છતા અત્રે ગેરકાયદેસર રીતે છે તેવા એક અંદાજ અનુસાર બે મીલીયન જેટલા લોકોનો આવી ગણત્રીમાં સમાવેશ થાય છે. પરંતુ આ  અંગે એવું જાણવા મળે છે તેમ કૌટુમ્‍બીક આધારીત જે ઇમીગ્રેશનના કાયદાઓ છે તેમાં સુધારો કૌટુમ્‍બીક કેટેગરીઓમાં કરવામાં આવે તેમજ વીઝા લોટરી પ્રોગ્રામને નેસ્‍ત નાબુત કરવામાં આવે તો ડીમસોને કાયમી હક આપવામાં આવે તો કોઇપણ પ્રકારનો વાંધો ન આવી શકે.

ઇમીગ્રેશન ખાતાના જે હાલના નિયમો છે તથા ડાકા પ્રોગ્રામનો જે સળગતો પ્રશ્ન છે તેને જે હલ કરવો હોયતો તે અંગે બાંધછોડ કરીને તે હલ  કરી શકાય તેમ છે. આવતા ફેબ્રુઆરી માસની ૮મી તારીખે સરકારી ખર્ચની મુદત પૂર્ણ થાય છે અને રીપબ્‍લીકન પાર્ટીના નેતાઓએ જો સેનેટમાં ઇમીગ્રેશન બીલ આવશે તો તે અંગે ચર્ચા બાદ તેના પર મતદાન કરવામાં આવશે એવી ખાત્રી તેમણે સેનેટરોને આપેલ આથી હવે તે તારીખ નજીક આવી રહી હોવાથી તમામ જગ્‍યાએ રાજકીય નેતાઓ ચિંતાતુર હોવાનું જોવા મળે છે. સોમવારે વાઇટ હાઉસના સતાવાળાઓ ઇમીગ્રેશન ખાતાના હાલના નિયમોમાં સુધારો કરતી એક દરખાસ્‍ત કોંગ્રેસને મોકલનાર છે  અને તેની માહીતી પ્રજાને મળતા ઘણી બધી બાબતો જાણી શકાશે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે પત્રકારો સમક્ષ ઔપચારિક રીતે આ પ્રકારની માહિતીઓ આપી હતી તેથી વધુ વિગતો જાણવા મળેલ નથી પરંતુ તે રનોને પ્રાપ્‍ત થતાં વાંચક વર્ગને તેનાથી માહિતગાર કરવામાં આવશે તેની સૌ ખાત્રી રાખે.

અમેરિકાના પ્રમુખે ઇમીગ્રેશન ખાતાના નિયમોમાં સુધારાઓ કરતા નિયમો કોંગ્રેસના માથે નાંખીને પોતાના હાથસીફન પૂર્વક ખંખેરી નાંખ્‍યા. જા બીલ્લી કુતે કો માર જેવો ઘાટ ઘડયો.

(9:51 pm IST)