Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

સુપ્રીમ કોર્ટના નામદાર ન્યાયાધીશની કરેલી પસંદગી અંગે સેનેટની જ્યુડીસરી કમીટીમાં ચાલી રહેલ સુનાવણીમાં આવેલો નવો વળાંકઃ પસંદગી પામેલ જજ બ્રેટ કવનગાર સામે એફબીઆઇના અધિકારીઓ દ્વારા જરૂરી તપાસ હાથ ધરવા અંગેની માંગણી નનૈયો ભણાવતા આખરે રીપબ્લીકન પાર્ટીના નેતાગીરીએ તે માંગણી સ્વીકારી લીધી અને હવે એફબીઆઇના અધિકારીઓએ જરૂરી તપાસ હાથ ધરેલ છેઃ એરીઝોનાના રીપબ્લીકન પાર્ટીના સેનેટર જેફ ફલેકે જણાવ્યું હતું કે, સમગ્ર અમેરિકાના દેશના લોકો બે વિભાગોમાં વિભાજીત થયેલા છે તે સમગ્ર પરિસ્થિતિ રાષ્ટ્રીય હિતમાં નથી અને તેનો નિવેડો લાવવા અમોએ સઘન પ્રયાસો હાથ ધરેલ છે

 (કપિલા શાહ દ્વારા) શિકાગો :  એરીઝોનાના રીપબ્લીકન પાર્ટીના અગ્રણી સેનેટરજેફ ફલેકે જણાવ્યું હતું કે, હાલમાં સમગ્ર અમેરીકા દેશના લોકો બે વિભાગોમાં વિભાજીત થયેલા છે. તે સમગ્ર પરિસ્થિતિ રાષ્ટ્રીય હિતમાં નથી અને તેથી તેવી પરિસ્થિતિનો તાત્કાલીક અસરથી નિવેડો આવે તે માટે અમો અમારા સઘન પ્રયાસો કરી રહ્યા છીએ અને તેમાં જરૂરથી સફળતા પ્રાપ્ત કરી શકીશુ એવો આશાવાદ તેમણે વ્યકત કર્યો હતો. વધારામાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે, જાતિય ગેરવર્તણુંકના જે આક્ષેપો અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે પસંદગી પામેલા જજ બ્રેટ કવનગાર સામે કરવામાં આવેલા છે તેની તપાસ એફબીઆઇ દ્વારા હાથ ધરવામાં આવે એવી મારી માંગણી છે અને આવા પ્રકારની કરવામાં આવેલી જાહેરાતથી સેનેટની જ્યુડીસરી કમીટીમાં જે ઉચાપટ જોવા મળતો હતો તેમાં મોટા પ્રમાણમાં રાહતો જોવા મળી હતી અને તમામ સભ્યો આ કરવામાં આવેલ જાહેરાતને એકાગ્રતાથી સાંભળી રહ્યા હતા.

સપ્ટેમ્બર માસની ૨૭મી તારીખને ગુરૂવારે સેનેટની જ્યુડીસરી કમીટીમાં સુપ્રીમ કોર્ટના જજ તરીકે અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જજ બ્રેટ કવનગારના નામની ભલામણ કરી હતી તે અંગે તેન સુનાવણી ચાલી રહી હતી તે વેળા રીપબ્લીકન પાર્ટીના સેનેટરોએ જજ કવનગારના બચાવમાં જ્વલંત ભાષણો કર્યા હતા. પરંતુ આ સુનાવણી પૂર્ણ થયા બાદ ફકત ૨૪ કલાકના સમયગાળા બાદ રીપબ્લીકન પાર્ટીના નેતાઓની મુરાદ બહાર આવતા કેટલાક ડેમોક્રેટીક પાર્ટીના સેનેટરો આ સુનાવણીનો બહીષ્કાર કરીને સુનાવણીનો રૂમ છોડી ગયા હતા. આ વેળા મોટાભાગના દેખાવકારો કે સેનેટરોની આવા પ્રકારની રીતિ-નીતિઓથી વાજ આવી ગયા હતા. તેઓએ સેનેટરો સમક્ષ્ પોતાની વ્યથાઓ ઠાલવી હતી અને સેનેટર જેફ ફલેક જ્યારે એલીવેટરનો  ઉપયોગ કરવાની તૈયારીમાં હતા તે વેળા જાતિય ગેરવર્તણુંકની ભોગ બનેલ મહિલાએ તેમની સમક્ષ પોતાની સમગ્ર બીના વર્ણવી હતી અને પોતાની આંખમાં જેફ ફલેક નજર મેળવીને સાચી પરિસ્થિતિનો તાગ મેળવવા રજૂઆત કરતા તેઓ પણ વ્યથિત થઇ જવા પામ્યા હતા.

આવી પરિસ્થિતિ દ્વારા માહિતી મેળવ્યા બાદ સેનેટર જેફ ફલેકે ડેમોક્રેટીક પાર્ટીના ડેલાવરના સેનેટર ક્રીસ કોન્સને ઇશારો કરી બહાર આવવા જણાવ્યુ હતું અને આવા પ્રકારની પ્રક્રિયાથી સમગ્ર સેનેટરોમાં એક અચંબાની લાગણી પ્રસરી જવા પામી હતી અને ચર્ચા-વિચારણા કર્યા બાદ જાહેરાત કરી હતી કે તેઓ સુનાવણી વખતે જો મતદાન કરવામાં આવશે તો તેઓ કવનગારશની તરફેણમાં મતદાન કરશે પરંતુ આ સમગ્ર બીના જો સેનેટના ફલોર પર રજુ કરવામાં આવશે તો એફબીઆઇની ચકાસણી વિનાના કાર્યમાં સહકાર આપશે નહીં અને જજ કવનગારની તરફેણમાં મતદાન કરશે નહીં.

આવી પરિસ્થિતિનું સર્જન થતા સેનેટમાં રીપબ્લીકન પાર્ટીના બહુમતિ પક્ષના નેતા મીમ મેકોનલે પરિસ્થિતિને નિહાળીને એક અઠવાડીયામાં એફબીઆઇના અધિકારીઓ દ્વારા નામદાર જજ બ્રેટ કવનગારના ભૂતકાળની સમગ્ર બીનાની જરૂરી ચકાસણી કરવામાં આવશે અને તેનો રીપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવું હાલના વાતાવરણ પરથી માલુમ પડી રહ્યું છે.

સેનેટમાં રીપબ્લીકન પાર્ટીના સભ્યોની બહુમતી હોવા છતાં સેનેટર જેફ ફલેક જે મત ન આપે તો આ પક્ષની બે મહિલા કે જેમણે એફબીઆઇના અધિકારીઓ દ્વારા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે જેમના નામની પસંદગી થયેલ છે તેવા જજ બ્રેટ કવનગારની સામે જરૂરી તપાસ હાથ ધરવામાં આવે તો જ તે અંગે તેમની તરફેણમાં મતદાન કરશે એવી જાહેરાત તેઓએ કરેલ છે. કારણે તેઓ જે મત વિસ્તારમાંથી ચૂંટાઇને આવેલા છે ત્યાંની મહિલાઓ જજ કવનગારની તરફેણમાં મતદાન ન કરે તેમ ઇચ્છી રહ્યા છે અને ત્યાંની મહિલાઓએ તેઓ બન્ને સેનેટરોની ઓફિસ સમક્ષ જરૂરી મોરચાઓ પણ યોજી વિરોધી પ્રદર્શન કરેલ છે.

એરીઝોનાના સેનેટર નેફ ફલેક, કેલિફોર્નિયા સેનેટર ડાએન ફલેઇનસ્ટેન તેમજ સેનેટર કુન્સને પણ રૂબરૂ મળ્યા હતા અને તેઓની સાથે પણ જરૂરી ચર્ચાઓ કરી હતી. અને તેમણે એફબીઆઇ ડીરેકટર ક્રીસ્ટોફર વ્રેનો સંપર્ક કેળવવા પ્રયાસ કર્યો પરંતુ અંતે ડેપ્યુટી એટર્ની જનરલ રોડ રોઝેનસ્ટાઇન સાથે આ સમગ્ર બીના અંગે ચર્ચા હાથ ધરી હતી.

જાતિય ગેરવર્તણુંકનો ભોગ બનેલા સાયકોલોજીની મહિલા પ્રોફેસર ડો. વુડે એફબીઆઇ દ્વારા આ સમગ્ર બીનાની તપાસ થાય તેમજ ડેમોક્રેટીક પાર્ટીના સેનેટરો પણ આ પ્રકારની માંગણીઓ દોહરાવતા હતા પરંતુ બહુમતીના નશામાં રીપબ્લીકન પાર્ટીના નેતાઓ આ અંગે લેશમાત્ર કશું કરવા માંગતા ન હતા પરંતુ એરીઝોનાના સેનેટર જેફ ફલેકે રીપબ્લીકન પાર્ટીના નેતાઓના મનસુબા પર પાણી ફેરવી વાળ્યુ હતુ અને એફબીઆઇના અધિકારીઓ દ્વારા હવે આ સમગ્ર બીનાની ચકાસણી શરૂ થતા એક અઠવાડિયા સુધી આ પ્રકરણમાં શાંતિ જળવાયેલી રહેશે એમ લાગે છે. પરંતુ તપાસ દ્વારા અનેક પ્રકારની અવનવી બીનાઓ બહાર આવે તો નવાઇની વાત નથી અને અમો બીનાથી અમારા વાચક વર્ગને માહિતગાર રાખીશું તેની સૌ નોંધ લે એવી આશા.

(11:19 pm IST)