મુખ્ય સમાચાર
News of Saturday, 31st October 2020

વન નેશન.... વન પ્રાઇઝ

દેશમાં સોનાના ભાવ એકસમાન કરવા વિચારણા

હાલ આયાતની કિંમતો એકસમાન પણ જવેલર્સ એસો. અલગ -અલગ કિંમત નક્કી કરે છે તેથી ભાવમાં અસમાનતા જોવા મળે છે

કોલકાતા,તા.૩૧ : દેશમાં સોનાના એક જ ભાવ રહે એ માટે પ્રયાસો થઈ રક્ષા છે. દેશમાં મોટા ભાગે સોનાની આયાત કરવામાં આવે છે. દેશભરમાં એની આયાતની કિંમતો આશરે એકસમાન હોય છે, પણ દેશના વિવિધ હિસ્સામાં જવેલરી એસોસિયેશન્સ એની અલગ-અલગ કિંમતો નક્કી કરે છે. જેથી એની કિંમતોમાં અસમાનતા પ્રવર્તે છે. દાખલા તરીકે ગુરૂવારે દિલ્હીમાં ૨૨ કેરેટ સોનાનાં આભૂષણોની કિંમતો પ્રતિ ૧૦ ગ્રામ રૂ. ૪૯,૧૦૦ હતી, જયારે કેરળમાં એની કિંમત રૂ. ૪૬,૮૫૦, મુંબઈમાં ૪૯,૬૮૦ અને ચેન્નઈમાં રૂ. ૪૭,૩૮૦ હતી. ઉદ્યોગ સાથે સંકળાયેલાં સૂત્રોનું કહેવું છે કે કેટલાય જવેલર્સ ટેકસ નથી ચૂકવતા, જેનાથી તેઓ ઓછી કિંમતે ઘરેણાંનું વેચાણ કરે છે.

ઘરેણાં વેચતી માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સે દેશમાં એના બધા સ્ટોરમાં સોનાના એકસમાન ભાવની શરૂઆત કરી છે. અને ગોલ્ડ જવેલરી કંપનીઓએ પણ આ રસ્તે ચાલવાની યોજના બનાવી છે. માલાબાર ગોલ્ડ ડાયમન્ડ્સના ચેરમેન અહમદ એમપીએ કહ્યું હતું કે વન ઇન્ડિયા, વન ગોલ્ડ રેટની પોલિસી લાગુ કરવા માટે સરકારે નક્કર પગલાં લેવાં જોઈએ. સોનાની એકસમાન કિંમતોથી ગ્રાહકોને પણ લાભ થશે. જીએસટી લાગુ થયા પછી દેશમાં જવેલરી ટેકસનો એક દર છે. દેશમાં માત્ર એક કરન્સી છે, એટલે અન્ય દેશોની જેમ અહીં કોઈ મુશ્કેલી નહીં સર્જાય, એમ તેમણે કહ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાની માત્ર એક કિંમત છે. એટલે દેશમાં એકસમાન કિંમતો રાખવામાં કોઈ મુશ્કેલી નહીં સર્જાય. દેશનાં ઉત્ત્।રનાં રાજયો અને દક્ષિણનાં રાજયોમાં સોનાના ભાવમાં મોટું અંતર હોય છે. દક્ષિણ ભારતમાં કેટલાંય વર્ષોથી સોનાની કિંમતો ઉચિત રહી છે અને બાયબેક સિસ્ટમ પણ રહી છે. અહીં જવેલર્સ વધુ માર્જિન નથી વસૂલતા, એમ તેમણે કહ્યું હતું.

ઉત્તર ભારતમાં જ્વલર્સ વધુ માર્જિન વસૂલે છે. જેથી કિંમતો ઘણી વધી જાય છે. જ્વેલર્સે બાયબેક રેટ ડિસપ્લે કરવા જોઇએ. કેમ કે રિસાઇકિંલગથી સોનાની શુદ્ધતા પર કોઇ અસર નહીં પડે. તમે બાયટેક પર બે ટકા અથવા એની આસપાસ માર્જિન લઇ શકો છો એમ તેમણે કહ્યું હતું.

(11:26 am IST)