મુખ્ય સમાચાર
News of Friday, 30th October 2020

IPL -2020 : રોમાચંક મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબને 7 વિકેટે હરાવતું રાજસ્થાન રોયલ : પ્લે ઑફમાં પ્રવેશની આશા જીવંત

રાજસ્થાનના બેન સ્ટોક્સે 50, સંજુ સેમસને 48, સ્મિથે અણનમ 31 ફટકાર્યા : પંજાબના ગેઈલ 20મી ઓવરમાં 99 રને બોલ્ડ

IPLમાં આજે કિંગ્સ ઈલેવન પંજાબ  અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે 13મી સીઝનની 50મી મેચ રમાઈ હતી. મેચમાં રાજસ્થાનનો 7 વિકેટે વિજય થયો છે. 186 રનના વિજય લક્ષ્યાંકને રાજસ્થાને 17.3 ઓવરમાં 3 વિકેટના નુકસાને હાંસલ કરી લીધો હતો. પહેલાં બેટિંગ કરતા પંજાબની ટીમે 20 ઑવરમાં 4 વિકેટે 185 રન બનાવ્યા હતાં.હાર સાથે પ્લે-ઓફમાં પંજાબ માટે મુશ્કેલી સર્જાઈ છે. જ્યારે રાજસ્થાન પણ હવે રેસમાં યથાવત છે.

રાજસ્થાન તરફથી બેન સ્ટોક્સે 50, સંજુ સેમસને 48, સ્મિથે અણનમ 31 અને બટલરે 22 રન બનાવ્યા હતાં. પંજાબ તરફથી મુરુગન અશ્વિન અને ક્રિસ જોર્ડને 1-1 વિકેટ ઝડપી હતી. 186 રનના ટાર્ગેટનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખૂબ સારી રહી હતી. જેમાં રોબિન ઉથપ્પા અને બેન સ્ટોક્સ વચ્ચે 60 રનની ભાગીદારી થઈ હતી. એની અંદર સ્ટોક્સના માત્ર 50 રન હતાં. 26 બોલમાં ત્રણ છગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી 50 રન બનાવી સ્ટોક્સ આઉટ થયો હતો. 11મી ઓવરમાં રાજસ્થાનની બીજી વિકેટ પડી હતી. 23 બોલમાં 30 રન બનાવી ઉથપ્પા આઉટ થયો હતો. 15મી ઓવરમાં 48 રન પર સેમસન રન આઉટ થયો હતો. જ્યારે 145 રને રાજસ્થાનની ત્રીજી વિકેટ પડી હતી. 31 રને સ્મિથ અને 22 રને બટલર નોટ આઉટ રહ્યાં હતાં. પંજાબ વતી મુરુગન અશ્વિન અને જોર્ડને 1-1 વિકેટ લીધી છે.

પ્રથમ બેટિંગ કરતા પંજાબ (KXIP) 20 ઓવરના અંતે 4 વિકેટના નુકસાને 185 રન બનાવ્યા હતાં. પહેલી ઓવરમાં પંજાબની પ્રથમ વિકેટ પડી ગઇ હતી. મનદીપસિંહ શૂન્ય રને આઉટ થઇ ગયો હતો. ત્યાર બાદ રાહુલ અને ગેઈલે ધમાકેદાર બેટિંગ કરી હતી. બન્ને વચ્ચે 120 રનની ભાગીદારી થઈ હતી. બાદમાં પંજાબની બીજી વિકેટ 15મી ઓવરમાં પડી હતી. બેન સ્ટોક્સની ઓવરમાં રાહુલ 41 બોલમાં 46 રન બનાવી આઉટ થઇ ગયો હતો. 18મી ઓવરમાં પંજાબની ત્રીજી વિકેટ પડી હતી. જેમાં 10 બોલમાં 22 રન બનાવીને પૂરન આઉટ થઇ ગયો હતો. 20મી ઓવરમાં ગેઈલ 99 રને બોલ્ડ થયો હતો. બોલ્ડ થયા બાદ તેણે ગુસ્સામાં પોતાનું બેટ મેદાન પર ફેક્યું હતું. રાજસ્થાન વતી આર્ચર અને સ્ટોક્સે 2-2 વિકેટ લીધી હતી.

 

(12:21 am IST)