મુખ્ય સમાચાર
News of Thursday, 31st October 2019

ભારતીય અર્થતંત્ર પર મંદીના ટકોરા : કોર સેક્ટરનો ગ્રોથ આઠ મહિના નીચલા સ્તરે

મુખ્ય 8માંથી 7 ઔદ્યોગિક ક્ષેત્રોનો ઉત્પાદન વૃદ્ધિદર નકારાત્મક

નવી દિલ્હી : ભારતીય અર્થતંત્ર ઉપર મંદીના ટકોરા લાગ્યા છે સપ્ટેમ્બરમાં મુખ્ય આઠ ઔદ્યોગિક ક્ષેત્રો એટલે કે કોર સેક્ટરના ઉત્પાદનમાં 5.2 ટકાનોં ઘટાડો નોંધાયો છે. જે છેલ્લા 8 મહિનાનો સૌથી નીચો ઉત્પાદન વૃદ્ધિદર છે. કોર સેક્ટરના મુખ્ય 8માંથી 7 ઔદ્યોગિક ક્ષેત્રોનો ઉત્પાદન વૃદ્ધિદર નકારાત્મક રહ્યો છે જે અત્યંત ચિંતાજનક બાબત છે

  ગત વર્ષે સમાન મહિનામાં કોર સેક્ટરનું ઉત્પાદન 4.3 ટકા વધ્યું હતું તો ઓગસ્ટ 2019માં ઉત્પાદન વૃદ્ધિદર જે અગાઉ -0.5 ટકા જાહેર કરાયો હતો તે સુધારીને 0.1 ટકા કરવામાં આવ્યો છે. કોર સેક્ટરના ઇન્ડેક્સમાં આ પીછેહઠ કોલસાના ઉત્ખન્નમાં ઘટાડાના લીધે થઇ છે. કોલ માઇનિંગનો પ્રોડક્શન ગ્રોથ રેટ સપ્ટેમ્બરમાં નેગેટિવ ઝોનમાં જતું રહ્યું છે.

   કોલ માઇનિંગમાં મોટાપ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2018ના સપ્ટેમ્બર મહિનામાં કોલ માઇનિંગમાં 8.6 ટકાનો નેગેટિવ ગ્રોથ જોવા મળ્યો હતો જ્યારે ચાલુ વર્ષના સપ્ટેમ્બરમાં કોલસાના ઉત્ખન્નમાં 20.5 ટકાનો નકારાત્મક દર નોંધાયો છે. જેના પગલે દેશમાં કોલસાની અછત સર્જાઇ શકે છે.

   ફર્ટિલાઇઝરને બાદ કરતા કોલ માઇનિંગ સહિત બાકીના મુખ્ય સાત ઔદ્યોગિક ક્ષેત્રો ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ, રિફાઇનરી પ્રોડ્કટ્સ, સિમેન્ટ, સ્ટીલ અને ઇલેક્ટ્રિટી સેક્ટરમાં ઉત્પાદનની કામગીરીમાં પણ નકારાત્મક ઉત્પાદન વૃદ્ધિ જોવા મળ્યો છે. સપ્ટેમ્બર 2018માં નેચરલ ગેસના ઉત્પાદનમાં -3.9 ટકાનો વૃદ્ધિદર નોંધાયો હતો જે સપ્ટેમ્બર 2019માં વધુ ગગડીને -4.9 ટકાના સ્તરે ઉતરી ગયો છે. અલબત રિફાઇનરી પ્રોડક્ટસ અને સ્ટીલ સેક્ટરમાં પાછલા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ એકંદરે સારી કામગીરી દેખાઇ છે.

કોર સેક્ટરના મુખ્ય 8માંથી એક માત્ર ફર્ટિલાઇઝર સેકટરના જ ઉત્પાદનમાં પોઝિટિવ ગ્રોથ રેટ જોવા મળ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં વાર્ષિક તુલનાએ ખાતરનું ઉત્પાદન 5.4 ટકા વધ્યું છે.

એપ્રિલથી સપ્ટેમ્બર, 2019ના અર્ધવાર્ષિક ગાળામાં દેશમાં ઉત્પાદન પ્રવૃતિઓનો વૃદ્ધિ દર 1.3% રહ્યો છે,જે છેલ્લા 10 વર્ષ એટલે કે 2008-09મી વૈશ્વિક નાણાંકીય મંદી બાદનો સૌથી ખરાબ આંકડો છે.

(8:38 pm IST)