મુખ્ય સમાચાર
News of Thursday, 31st October 2019

તમામ રાજકીય ઉમેદવારો, 2020ની રાષ્ટ્રપતિની ચૂંટણી અને મહત્વના ચૂંટણી મુદ્દાઓ જેમ કે ગર્ભપાત અને ઈમિગ્રેશન સહિતના મુદ્દાઓને લગતી જાહેરાતો પર પ્રતિબંધ મુકવાનો માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરનો નિર્ણય

વોશિંગ્ટન: માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરે બુધવારે એક મહત્વનો નિર્ણય લેતા તમામ રાજકીય ઉમેદવારો, 2020ની રાષ્ટ્રપતિની ચૂંટણી અને મહત્વના ચૂંટણી મુદ્દાઓ જેમ કે ગર્ભપાત અને ઈમિગ્રેશન સહિતના મુદ્દાઓને લગતી જાહેરાતો પર પ્રતિબંધ મુકવાનું જણાવ્યું હતું. 2020માં અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજકીય પક્ષો સોશિયલ મીડિયાનો દુરૂપયોગ કરીને મતદારોને પોતાની તરફ ખેંચતા હોવાની ચિંતાને પગલે ટ્વિટરે આ અભૂતપૂર્વ નિર્ણય લીધો હતો.  

ટ્વિટરના સીઈઓ જેક ડોર્સીએ સંખ્યાબંધ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, રાજકીય પ્રવચનોને પ્રોત્સાહિત કરાતા તેની અસરરૂપે લોકો પર ચોક્કસ રાજકીય હેતુથી સંદેશો થોપવાની કામગીરી થાય છે. ટ્વિટરે રાજકીય વિજ્ઞાપન પર બેનનો નિર્ણય લઈને સોશિયલ મીડિયામાં અન્ય પ્રતિસ્પર્ધી ફેસબુક અને ગુગલના યુ-ટ્યુબથી અલગ ચીલો ચાતર્યો છે.

ઈન્ટરનેટ પર વિજ્ઞાપન ખૂબજ શક્તિશાળી માધ્યમ છે અને તે વ્યવસાયિક રીતે પણ અસરકર્તા રહે છે. આ પ્રકારની સત્તા રાજકારણમાં નોંધપાત્ર જોખમ સર્જે છે અને મતદાનને પ્રભાવિત પણ કરે પરિણામે લાખો લોકોના જીવનમાં પણ તેની અસર પડી શકે ઠે.

ડોર્સીના મતે ટ્વિટરે કરેલી જાહેરાત મુજબ આગામી ચૂંટણીને પ્રભાવિત કરી શકે તેવા વિવિધ મુદ્દાઓ રાષ્ટ્રીય મહત્વના મુદ્દા વગેરેને કેન્દ્રમાં રાખતા વિજ્ઞાપનો પર પ્રતિબંધ મૂકાશે. આ નવા નિયમો વૈશ્વિક સ્તરે અમલી થશે. નવેમ્બર મધ્ય સુધીમાં તેની જાહેરાત કરાશે અને ત્યારબાદના મહિનામાં તેનો અમલ શરૂ થશે.

ડોર્સીએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે અમે રાજકીય વિજ્ઞાપન પર વૈશ્વિક સ્તરે પ્રતિબંધ મૂકીશું. રાજકીય સંદેશએ કમાવાની બાબત છે નહીં તેને ખરીદીને લોકો સુધી પહોંચાડી શકાય નહીં તેવું અમારું માનવું છે.

(5:24 pm IST)