મુખ્ય સમાચાર
News of Thursday, 31st October 2019

હવે કર્મચારી એક વર્ષની નોકરી પર પણ ગ્રેચ્યુઇટી મેળવવા હકદાર બનશે

સરકાર સોશિયલ સિકયોરિટી કોડમાં બદલાવ લાવશેઃ પાંચ વર્ષ રાહ જોવી નહીં પડે

નવી દિલ્હી તા. ૩૧ :.. હવે જો તમે નોકરી કરતા હો તો તમારે ગ્રેચ્યુઇટી મેળવવા માટે પાંચ વર્ષ રાહ જોવી નહીં પડે. હવે તમે જો એક વર્ષની નોકરી કરી હશે તો પણ ગ્રેચ્યુઇટીનો લાભ મળશે.

સરકાર દ્વારા ગ્રેચ્યુઇટીને લગતી જોગવાઇ સંબંધિત સોશિયલ સિકયોરીટી કોડમાં ફેરફાર કરવામાં આવનાર છે. આ ફેરફાર અનુસાર કોઇપણ કર્મચારી કોઇ પણ કંપની કે સંસ્થામાં એક વર્ષ સુધી નોકરી કરી હશે તો પણ તે ગ્રેચ્યુઇટી મેળવવા હકદાર બની જશે.

વર્તમાન નિયમો અનુસાર જે કર્મચારીએ પાંચ વર્ષ સુધી સતત નોકરી કરી હોય તેને જ ગ્રેચ્યુઇટીનો લાભ મળે છે. હવે સરકાર સોશીયલ સિકયોરીટી કોડમાં ફેરફાર કરીને ગ્રેચ્યુઇટી માટે નિર્ધારિત પાંચ વર્ષની નોકરીની લીમીટને ઘટાડીને એક વર્ષની કરી શકે છે. તેનાથી પ્રાઇવેટ નોકરી કરતા એવા કર્મચારીઓને ઘણી સરળતા રહેશે કે જેઓ પાંચ વર્ષ પહેલાં પોતાની નોકરી કે કંપની બદલી નાખતા હોય છે.

આ ઉપરાંત એમ્પ્લોઇઝ પેન્શન સ્કીમ (ઇપીએસ) માં સરકારનો ૧.૧૬ ટકાનો ફાળો યથાવત રહેશે. સુત્રોના જણાવ્યા અનુસાર સંસદના શિયાળુ સત્રમાં સરકાર તરફથી સોશિયલ સિકયોરીટી કોડ સુધારા વિધેયક રજૂ કરવામાં આવનાર છે કે જેમાં કેટલીક મહત્વપૂર્ણ જોગવાઇઓમાં ધરખમ ફેરફાર થનાર છે.

(3:38 pm IST)