મુખ્ય સમાચાર
News of Thursday, 31st October 2019

શુક્રથી સોમ સુધીમાં ત્રણેક દિ' માવઠાના સંજોગો

નવુ વાવાઝોડુ 'મહા'નો ઉદ્દભવ : ઉત્તર ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે : હજુ મજબૂત બનશે : ઉત્તર આંદામાનના દરિયામાં લોપ્રેશર થશે જે બંગાળની ખાડીમાં મજબૂત બનશે : અશોકભાઈ પટેલ

રાજકોટ, તા. ૩૧ : દિવાળી અને નવા વર્ષના દિવસોમાં પણ મેઘરાજા અનેક વિસ્તારોમાં વરસી ગયા હતા. દરમિયાન આવતા સોમવાર સુધી માવઠાના સંજોગો યથાવત હોવાનું  વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલે જણાવ્યુ હતું.

તેઓએ જણાવેલ કે શ્રીલંકા નજીક લોપ્રેશર બે દિવસ પહેલા બન્યુ હતું જે ગઈકાલે રાત્રે 'મહા' નામના વાવાઝોડામાં પરિવર્તિત થયુ છે અને તે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં હતું. હાલમાં આ વાવાઝોડુ દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાંથી મધ્ય પૂર્વ અરબી સમુદ્રમાં પ્રવેશ કરે છે. જેનું લોકેશન ૧૨.૧ ડિગ્રી નોર્થ અને ૭૨.૭ ડિગ્રી ઈસ્ટ જે બેંગ્લુરૃથી ૨૫૦ કિ.મી. દક્ષિણ પશ્ચિમ દક્ષિણે છે. આ સિસ્ટમ્સ હાલમાં ઉત્તર ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે. જે ૧૨ કલાક બાદ ઉત્તર પશ્ચિમ તરફ કરશે અને હજુ મજબૂત બનશે.

જયારે વાવાઝોડુ 'કયાર' હવે ઘણુ નબળુ પડી ગયુ છે અને હાલ સામાન્ય વાવાઝોડુ છે જે ઓમાન તરફ ગતિ કરતુ હતું અને ઓમાનના સલાલાહથી ૬૭૦ કિ.મી. પૂર્વ ઉત્તર તરફ છે. આવતા ત્રણેક દિવસ આ જ વિસ્તારમાં રહેશે અને નબળુ પડતુ જશે.

નોર્થ આંદામાનના દરિયામાં તા.૩ નવેમ્બર આસપાસ એક લોપ્રેશર થવાની શકયતા છે. જે આવતા દિવસોમાં બંગાળની ખાડીમાં મજબૂત બનશે.

દિવાળી અને નવા વર્ષના પ્રારંભના દિવસોમાં આગાહી મુજબ અનેક વિસ્તારોમાં વરસાદ પડી ગયો હતો. દરમિયાન તા.૧ થી ૪ નવેમ્બર (શુક્રથી સોમ) દરમિયાન     ત્રણેક દિવસ માવઠાના સંજોગો યથાવત છે. જેથી હવામાન ખાતાની સુચનાને અનુસરવુ.

(2:30 pm IST)