મુખ્ય સમાચાર
News of Thursday, 31st October 2019

જસ્ટિસ બોબડે ૧૮ નવેમ્બરે ચીફ જસ્ટિસ તરીકે શપથ લેશે

બોબડેની નિમણૂક કરતી દરખાસ્ત પર રાષ્ટ્રપતિ કોવિંદના હસ્તાક્ષર

નવી દિલ્હી તા. ૩૧: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જસ્ટિસ શરદ અરવિંદ બોબડેને ભારતના આગામી મુખ્ય ન્યાયમૂર્તિ નિયુકત કરવાના આદેશ પર હસ્તાક્ષર કરી દેતાં હવે તેઓ ૧૮ નવેમ્બરે ભારતના ૪૭મા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથગ્રહણ કરશે. સુપ્રીમ કોર્ટના વર્તમાન મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ ૧૭ નવેમ્બરે સેવા નિવૃત્ત થઇ રહ્યા છે અને જસ્ટિસ શરદ અરવિંદ બોબડે તેમના અનુગામી બનશે.

જસ્ટિસ બોબડેનો મુખ્ય ન્યાયમૂર્તિ તરીકેનો કાર્યકાળ ૧૭ મહિનાનો રહેશે અને તેઓ ર૩ એપ્રિલ, ર૦ર૧ના રોજ સેવા નિવૃત્ત થશે. જસ્ટિસ બોબડેની મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિમણૂક અંગેનું સત્તાવાર જાહેરનામું ટૂંક સમયમાં જાહેર થશે.

જસ્ટિસ શરદ અરવિંદ બોબડે મધ્યપ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે રહી ચૂકયા છે. તેમનો જન્મ ર૭ એપ્રિલ, ૧૯પ૬ના રોજ મહારાષ્ટ્રના નાગપુરમાં થયો હતો. તેમણે નાગપુર યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કર્યો હતો. વર્ષ ર૦૦૦માં તેઓ બોમ્બે હાઇકોર્ટના એડિશનલ જજ બન્યા હતા. ત્યારબાદ વર્ષ ર૦૧રમાં તેઓ મધ્યપ્રદેશના ચીફ જસ્ટિસ બન્યા હતા.

જસ્ટિસ બોબડે ર૦૧૩થી સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ તરીકે કાર્યરત છે. સુપ્રીમ કોર્ટના જજ તરીકે તેમણે અયોધ્યા વિવાદ, બીસીસીઆઇ, ફટાકડા જેવા મહત્ત્વપૂર્ણ કેસમાં સુનાવણી કરી હતી.

(1:19 pm IST)