મુખ્ય સમાચાર
News of Thursday, 31st October 2019

નારી શકિત હૈ, સન્માન હૈ, નારી ગૌરવ હૈ, અભિમાન હૈ, નારીને હી યે રચા વિધાન હૈ, હમારા નતમસ્તક ઈસકો પ્રણામ હૈ

કોલકતા બંદરે 'ભારત કી લક્ષ્મી'ને બિરદાવતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાઃ પ્રેરણારૂપ પ્રસંગ

દરિયાઈ જહાજ પાઈલોટ નિલોફર નહા અને કમાન્ડર સરબરી દાસની મુલાકાત લીધી

રાજકોટ, તા. ૩૧ :. ભારત સરકારના શીપીંગ, ફર્ટિલાઈઝર વગેરે વિભાગના રાજ્યમંત્રી મંત્રી મનસુખ માંડવિયાએ ધનતેરસના શુભ દિવસે પશ્ચિમ બંગાળના કોલકત્તા ખાતે પોર્ટની મુલાકાત લઈ મરીન (દરિયાઈ) ક્ષેત્ર સાથે સંકળાયેલા મહિલા અધિકારીઓને મળી તેમને બિરદાવતા પ્રેરણારૂપ ઉદાહરણ પુરૂ પાડયુ હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 'મન કી બાત'માં નારી શકિતનો મહિમા વર્ણવી આ વર્ષની દિવાળીએ 'ભારત કી લક્ષ્મી'ને સન્માનિત કરવા આહવાન કરેલ. તે મુજબ શ્રી માંડવિયાએ કોલકત્તા બંદરે પહોંચીને નારી શકિતનું ઉત્સાહવર્ધક સન્માન કર્યુ હતું.

જેમણે ઉજ્જવળ કારકિર્દી સાથે દેશનું ગૌરવ વધાર્યુ હોય તેવી નારી શકિતને બિરદાવવાના અભિગમના ભાગરૂપે મંત્રી શ્રી મનસુખ માંડવિયા પોર્ટ પર નિલોફર નહાને મળેલા. તેણી ભારતના પ્રથમ મહિલા પાયલોટ છે. વિશ્વમાં મરીન ક્ષેત્રે માત્ર પાંચ - છ મહિલાઓ જ પાયલોટ છે. દરીયાઈ ક્ષેત્રે કઠીન ગણાતા રીવર પાયલોટીંગમાં તેણી નિષ્ણાંત છે. ઉપરાંત મંત્રીશ્રી દેશના પ્રથમ મહિલા કમાન્ડર સરબીરદાસને પણ મળેલા તેણી ૨૭ વર્ષથી મરીન ક્ષેત્રે ફરજ બજાવે છે. કારકિર્દીની શરૂઆતમાં પણ તેણી પ્રથમ મહિલા મરીન ઓફિસર હતા.

શ્રી માંડવિયાએ બન્ને સાથે વાર્તાલાપ કરી સાહસના ક્ષેત્રમાં તેમની સિદ્ધિ બદલ અભિનંદન આપ્યા હતા. દિવાળીના પર્વ પર કોઈ કેન્દ્રીય મંત્રીએ દરિયાઈ બંદરની મુલાકાત લઈ દેશની સેવામાં કાર્યરત ઉચ્ચ મહિલા અધિકારીઓને બિરદાવ્યા હોય તેવો આ પ્રસંગ ઐતિહાસિક અને પ્રેરણારૂપ બની રહ્યો હતો.

(11:59 am IST)