મુખ્ય સમાચાર
News of Thursday, 31st October 2019

પાકિસ્તાનમાં 'બર્નિંગ ટ્રેન': ૭૩ જીવતા બળી મર્યા

કરાંચીથી રાવલપિંડી જતી ટ્રેનમાં આગ લાગતા ૩ ડબ્બા ભસ્મીભૂતઃ ડબ્બામાં ખાવાનું બનતુ'તુ : અનેક યાત્રી ઘાયલઃ ગેસ સિલિન્ડર ફાટતા લાગી આગઃ રાહત બચાવ જોરશોરથી

કરાંચી,તા.૩૧:પાકિસ્તાનના કરાચી-રાવલપિંડી તેજગામ એકસપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ લાગી છે. જેના કારણ ૭૩ લોકોના મોત થયા છે. જયારે ૩૦થી વધુ લોકો ઘાયલ થયા છે. ટ્રેનમાં આ ઘટના લિયાકતપુરમાં થઈ જે રહીમ યાર ખાન જિલ્લાની નજીક છે.

મીડિયા રિપોર્ટ મુજબ આ દ્યટનામાં ૩૦થી વધુ લોકો આગની ચપેટમાં આવ્યા છે. જેમને સારવાર અર્થે નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તેમની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. તેજગામ એકસપ્રેસની ત્રણ બોગીઓમાં આગી લાગી હોવાની માહિતી મળી છે. એવું બતાવવામાં આવી રહ્યું છે કે એક સિલિન્ડરમાં ધમાકો થતા આ આગ લાગી છે. આ ટ્રેન કરાચીથી રાવલપિંડી જઈ રહી હતી.

રિપોર્ટ પ્રમાણે એક મુસાફર ટ્રેનમાં ગેસ સિલિન્ડર લઈને મુસાફરી કરી રહ્યો હતો. પરંતુ અચાનક સિલિન્ડરમાં ધમાકો થયો અને ટ્રેનમાં ભયંકર આગ લાગી. સિલિન્ડરથી આગ લાગી હોવાની પુષ્ટિ પાકિસ્તાન રેલવે અધિકારીઓએ કરી છે.

પાકિસ્તાની મીડિયા રિપોર્ટ મુજબ યાત્રી ટ્રેનની અંદર નાશ્તો બનાવી રહ્યો હતો. જેના કારણે આગ લાગી.

ઘાયલોને મુલ્તાનના બીવીએચ બહાવલપુર અને પાકિસ્તાન-ઈટાલિયન મોર્ડનન બર્ન સેન્ટરમાં દાખલ કરાયા છે. પાકિસ્તાનના રેલ પ્રધાન શેખ રાશિદે કહ્યું કે સવારે યાત્રીઓ નાશ્તાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે એક સિલિન્ડર બ્લાસ્ટને કારણે લાગી. કેટલાક લોકોએ ટ્રેનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો. ટ્રેન કરાંચીથી રાવલપિંડી જઈ રહી હતી ત્યારે આ દ્યટના બની.

(3:23 pm IST)